રાજકોટમાં સંતોષીનગરમાં લવ મેરેજ કરનાર નવદંપતિએ ટ્રેન નીચે કપાઇ જીવ દીધો, દોઢ મહિના પહેલા બંને એ….

આપણા રાજ્યમાંથી ઘણીવાર આત્મહત્યાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ક્યારેક કિસ્સાઓમાં પ્રેમ સંબંધ તો ક્યારેક આર્થિક તંગી કે પછી ઘણામાં માનસિક કે શારીરિક હેરાનગતિ મુખ્ય કારણ હોય છે. હાલમાં રાજકોટમાંથી એક દંપતિના આપઘાતનો મામલો સામે આવ્યો છે. રાજકોટમાં 11 દિવસમાં જ દંપતીએ સજોડે આપઘાત કર્યા હોવાની આ બીજી ઘટના સામે આવી છે.

તમને જણાવી દઇએ કે, મોરબી રોડ પર 15 જુલાઇના રોજ એક દંપતીએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી અને તે બાદ આજ રોજ વધુ એક દંપતીના આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. આ દંપતિએ લગ્નજીવનના દોઢ જ મહિનામાં આપઘાત કરી લીધો છે. બનાવની વધુ વિગત અનુસાર રાજકોટનાં સંતોષીનગરમાં રહેતા કરણભાઈ પંચાસરા (ઉ.વ.22) અને તેની પત્ની સ્નેહા (ઉ.વ.22) આજે વ્હેલી સવારે 5 વાગ્યે પોતાના ઘર પાસે આવેલ સંતોષીનગર ફાટક પાસે ટ્રેન નીચે પડતું મુકી આપઘાત કરી લીધો હતો.

બનાવની જાણ થતા પરિવારના સભ્યો દોડી ગયા હતા તથા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતાં. બનાવની જાણ થતા પ્ર.નગર પોલીસ અને રેલ્વે પોલીસ ઘટનાસ્થળે દોડી જઇ લોકોના ટોળાને વિખેરી મૃતદેહને પીએમમાં ખસેડી આપઘાતનું કારણ જાણવા પરીવારની પુછપરછ હાથ ધરી હતી.

મીડિયા રિપોર્ટ્સ મુજબ પોલીસે જણાવ્યું હતું કે આત્મહત્યા કરનાર પતિ કરણ પંચાસરા મજુરી કામ કરતો હતો અને દોઢ માસ પહેલા રેલનગરમાં રહેતી દરજી સ્નેહા નામની યુવતી સાથે લવ મેરેજ કર્યા હતા. પછી કરણ સંતોષીનગરમાં તેના પરિવાર સાથે જ રહેતો હતો અને આજે સવારે સજોડે દંપતીએ અંતિમ પગલુ ભરી લીધા અંગે પરિવાર પણ અજાણ હોવાનું રટણ કર્યું હતું. વધુમાં કરણ પંચાસરા પાંચ ભાઈ-બહેનમાં નાનો હતો. જેમના સજોડે આપઘાતથી પરિવારમાં આક્રંદ છવાયો હતો.

હાલ તો રાજકોટની પોલીસે પંચનામું કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે મૃતક પતિ કરણ અને પત્ની સ્નેહાએ દોઢ મહિના પૂર્વે જ લગ્ન કર્યા હોવાનું સામે આવ્યું છે જો કે તેઓ આપઘાત શા માટે કર્યો તેનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી માટે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

YC