એક લગ્ન આવા પણ ! ગામડાંના ઠાઠથી કરાયું પ્રિ-વેડિંગ, રાજકોટના યુવાને બનાવડાવી ન્યુઝ પેપર જેવી કંકોત્રી

રાજકોટમાં અનોખા લગ્ન: યુગલે ન્યુઝપેપર જેવી કંકોત્રી બનાવી, ગામઠી સ્ટાઇલમાં પ્રિ-વેડિંગ…વાહ તસવીરો જોઈને આનંદ થઇ જશે

આજ-કાલ લગ્નની સિઝન ચાલી રહી છે અને સૌ કોઇ પોતાના લગ્નને ખાસ બનાવવામાં વ્યસ્ત છે. કોઇ લગ્ન પહેલા પ્રી વેડિંગ શુટ કરાવતા હોય છે તો કોઇ લગ્નના વેન્યુને ખાસ બનાવવા માટે ખૂબ જ તૈયારી કરતા હોય છે. ત્યારે હાલ એક એવા લગ્નના સમાચાર સામે આવ્યા છે, જેમાં એક યુવાને પોતાના લગ્ન માટે અખબાર જેવી સ્ટાઇલની કંકોત્રી બનાવડાવી છે અને પ્રી વેડિંગ શુટ ગામઠી સ્ટાઇલમાં કરાવ્યુ છે. રાજકોટના ખાંડેખા પરિવારના આ અનોખા લગ્ન હાલમાં ઘણા ચર્ચામાં છે. ખાસ તો તેમનું ગામઠી સ્ટાઇલનું પ્રી વેડિંગ શુટ આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે.

જય ખાંડેખા નામના યુવાનના લગ્ન સોનલ સાથે વસંત પંચમી નિમિત્તે એટલે કે 5 ફેબ્રુઆરીના રોજ થવાના છે. આ લગ્ન એટલા માટે ખાસ છે કારણ કે જયના પિતાએ તેના લગ્નની અનોખી કંકોત્રી તૈયાર કરાવી છે. જે રીતે રોજ સવારે લોકો ચા સાથે અખબાર વાંચે તે રીતે કંકોત્રીને તૈયાર કરવામાં આવી છે. આ કંકોત્રી 6 પેજની છે. તેમાં લગ્ન સમારોહની રૂપરેખા, ગામઠી સ્ટાઇલમાં પ્રી વેડિંગના ફોટા અને યુવાનોને શીખ, વાર્તા તેમજ સમાજલક્ષી ગુલાબદાન બારોટની લખેલી કવિતા સામેલ છે.

આ કંકોત્રીમાં આહિર સમાજની સંસ્કૃત્તિને લગતો લેખ પણ લખવામાં આવ્યો છે. આ ઉપરાંત દેશના પીએમના પણ સમાચાર મૂકવામાં આવ્યા છે અને લગ્નનો મહત્વનો અહેવાલ તેમજ કંકોત્રીના છઠ્ઠા પાના પર લગ્નના સાત ફેરા અને તેનું મહત્વ તસવીરો સાથે દર્શાવાયું છે. છેલ્લા ઘણા સમયથી લગ્ન પહેલા પ્રી-વેડીંગ ફોટોશૂટ અને વીડિયો શૂટ કરવા માટેનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. ઘણા લોકો દરિયાકિનારાનુ લોકેશન પસંદ કરતા હોય છે, તો ઘણા હિલ સ્ટેશન જેવુ લોકેશન પસંદ કરતા હોય છે.

પરંતુ જય અને સોનલે પોતાના આહિર સમાજના પહેરવેશ મુજબ ગામઠી સ્ટાઈલમાં પ્રિ-વેડિંગ શૂટ કરાવ્યુ છે. આ પ્રિવેડિંગ ફોટા કંકોત્રીમાં મૂકવામાં આવ્યા છે. જય અને સોનલે એકસાથે એવો સંકલ્પ કર્યો છે કે, જે દીકરીઓના માતા-પિતાનું કોરોનાના કારણે અવસાન થયું છે તેવી 21 દીકરીઓને તમામ પ્રકારના કરિયાવર સાથે લગ્ન કરાવવામાં આવશે.

જણાવી દઇએ કે જયના પિતા મેહુલભાઈ જેમાડી ગ્રુપથી રાજકોટમાં જાણિતા છે અને તેઓ અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. જયના પિતા જેમાડી નામથી સામાજિક સંસ્થા ચલાવે છે, ત્યારે દીકરાના લગ્ન નિમિત્તે મેહુલભાઇએ કોરોનામાં માતા પિતા ગુમાવનાર 21 જેટલી દીકરીઓના લગ્ન કરાવી આપવાનો સંકલ્પ લીધો છે.

Shah Jina