રાજકોટમાં 36 વર્ષીય પરિણિતાનો જન્મદિવસ જ બન્યો મરણદિવસ, હાર્ટ એટેક આવતા થયુ મોત- PM રીપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

Rajkot Woman Died of Heart Attack : ગુજરાતમાંથી અવાર નવાર હાર્ટ એટેકની ઘટના સામે આવે છે, ત્યારે છેલ્લા થોડા સમયમાં તો નાની વયના લોકોમાં પણ હાર્ટ એટેકનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યુ છે. હાલમાં વધુ એક હાર્ટ એટેકથી મોતનો કિસ્સો સામે આવ્યો, જેમાં 36 વર્ષીય મહિલાનું તેના જન્મદિવસે જ હાર્ટ એટેક આવતા મોત થયું. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટમાં આજી ડેમ ચોક પાસે રહેતા નિશીતાબેન તેમનો 36મો જન્મદિવસ ઉજવી રહ્યા હતા અને પરિવારમાં પણ ખુશીનો માહોલ હતો, તેમની બંને દીકરીઓ પણ માતાના જન્મદિવસે ઘણી ખુશ હતી.

રોટલી બનાવતા અચાનક જ ઢળી પડ્યા
ત્યારે અચાનક જ તેમને હાર્ટ એટેક આવતા અને તેમનું મોત થતા સમગ્ર પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતું. નિશીતાબેન રાઠોડ તેમના ઘરે રોટલી બનાવી રહ્યા હતા અને ત્યારે અચાનક તેઓ પતિની પાસે જ બેભાન થઈને ઢળી પડ્યા. સવારથી જ એકદમ સ્ફુર્તિમાં જોવા મળેલા નિશીતાબેન ઢળી પડતા ચકચાર મચી ગઈ અને તે બાદ તાત્કાલિક પતિએ 108ને ફોન કર્યો અને સારવાર માટે ખસેડ્યા. જોકે, સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું.

File Pic

ગર્ભાશયની કોથળી ફાટી જતા આવ્યો હાર્ટ એટેક
ડોકટર અનુસાર, નિશીતાબેનની ગર્ભાશયની કોથળી ફાટી ગઈ હતી અને જેના કારણે તેમને હાર્ટ એટેક આવ્યો. તેમને કોઈ ખાસ બીમારી પણ નહોતી અને પણ તેમનો જન્મદિવસ જ મરણદિવસ બની જતા પરિવારમાં પતિ અને 2 દીકરીઓનાં માથે આભ ફાટી પડ્યુ હતું. વળી, દીકરીઓના માથેથી માતાની છત્રછાયા ઉઠી જતા આઘાતમાં સરી પડી હતી. નિશીતાબેનને સંતાનમાં એક બાર વર્ષની અને એક સાત વર્ષની પુત્રી છે, જે માતા વિહોણી બનતા પરિવારમાં પણ કલ્પાંત છવાયો છે.

Shah Jina