રાજકોટના અકસ્માતમાં સગાઈ કરેલા યુવકે પોતાની ફિયાન્સી ગુમાવી, જે વ્યક્તિ સાથે જીવવા મરવાના સપના જોયા હતા, તે વ્યક્તિને આંખો સામે જ દમ તોડતા જોઈ

રાજકોટમાં સગાઇ થયેલું કપલ નીકળ્યું કાકાના ઘરે જવા, રસ્તામાં કાળ બનીને આવ્યો ટ્રક, ભાવિ ભરથારની આંખો સામે જ યુવતીનું મોત

સમગ્ર રાજ્યમાં ઠેર ઠેરથી અકસ્માતની ખબરો સતત સામે આવતી રહે છે. રોડ અકસ્માતની અંદર ઘણા લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. ત્યારે હાલ એક કમકમાટી ભરેલી ઘટના રાજકોટમાંથી સામે આવી છે, જેમાં સગાઈ કરેલ કપલ પોતાના ફોઇબાના ઘરેથી કાકાના ઘરે જવા નીકળ્યા હતા ત્યારે જ રસ્તામાં કાળ બનીને ટ્રક આવ્યો અને યુવકની સામે જ યુવતીનું કમકમાટી ભરેલું મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટમાં  15મી ઓગસ્ટ રવિવારના રોજ રાત્રિના 9:30 વાગ્યા આસપાસ રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીક અકસ્માતમાં 23 વર્ષીય યુવતીનું મોત નીપજ્યું હતું. સિગ્નલ પર સ્ટોપ લાઈટ દરમિયાન ટ્રકચાલકથી બ્રેક ન લાગતા આ અકસ્માત સર્જાયો હતો અને મોટરસાઇકલ પર જતાં યુવક- યુવતી આ અકસ્માતનો ભોગ બન્યા હતા. અકસ્માત બાદ બન્નેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં, પરંતુ ટૂંકી સારવાર બાદ જ યુવતીનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું.

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર રાજ વાઘેલા અને દૃષ્ટિ પરમારની સગાઈ એક ધોધ વર્ષ પહેલા જ થઇ હતી. આ દરમિયાન બંને પોતાના ફોઈબાના ઘરેથી નીકળી અને કાકાના ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન જ આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.\

અકસ્માત દરમિયાન દૃષ્ટિ પરમાર ટ્રકના ટાયર વચ્ચે ફસાઈ જતાં તેના પેટના ભાગે ગંભીર ઇજા પહોંચતાં ફાયરબ્રિગેડના જવાનોએ મહામહેનતે બહાર કાઢી સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. પરંતુ તેનો જીવ બચી શક્યો નહોતો.

અકસ્માતનો બનાવ બનતા ટ્રક ચાલક ટ્રક રેઢો મૂકી ત્યાંથી નાસી છૂટ્યો હતો. તેમજ ઘટનાસ્થળે એકઠા થયેલા લોકોએ પોલીસને જાણ કરતાં ગાંધીગ્રામ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર ખુમાનસિંહ વાળા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો.

Niraj Patel