રાજકોટ સામૂહિક આપઘાત કેસ : ત્રણ પિતરાઇએ કરી હતી આત્મહત્યા, પોલિસને પ્રેમપ્રકરણની શંકા

રાજકોટ : રાજકોટ શહેરના વેજાગામ વાજડીના કૂવામાંથી 1 જૂનના રોજ એક યુવતિ અને 2 યુવક સહિત 3 લોકોની લાશ મળી આવી હતી. આ ત્રણેય પિતરાઇ ભાઇ-બહેનો હતા, જો કે હજી સુધી આ સામૂહિક આપઘાતનુ કારણ જાણવા મળ્યુ નથી. રાજકોટના બાંભવા પરિવારના બે ભાઇઓ અને બહેને કૂવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યુ હતુ અને આ ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી હતી.

આ ઘટનામાં પોલિસને પ્રેમપ્રકરણની શંકા છે. મૃતક પમીના લગ્ન સગીરવયની હતી ત્યારે પાંચ વર્ષ પહેલા થયા હતા જોકે તેેને 28 તારીખ શુક્રવારના રોજ આણુવાળી પરિવારજનો મૂકા આવ્યા હતા. તેને 31 તારીખ સોમવારના રોજ  તેડી લાવ્યા  હતા. ત્યારે તેને  3 તારીખે ગુરુવારના રોજ રિવાજ મુજબ સાસરે મોકલવાની હતી.  પરંતુ 1 તારીખના રોજ તે તેના બે પિતરાઇ ભાઇઓ સાથે બાઇક પર બેસી કયાંક ગઇ હતી અને તે બાદ તો તેમની લાશ જ સામે આવી હતી.

ઉલ્લેખનીય છે કે, પોલિસને હજી આ સામૂહિક આપઘાતનું કારણ ખબર પડી નથી. મૃતકના પરિવારજનો દ્વારા પણ કંઇ કહેવામાં ના આવતા હજુ સુધી તપાસની દિશા મળતી નથી. પોલિસ હજી આ મામલે તપાસ કરી રહી છે કે ત્રણેયે સાથે કૂવામાં કેમ ઝંપલાવ્યુ ?

મળતી માહિતી અનુસાર જામનગર રોડ માધાપર પાસે મનહરપુર-૨માં રહેતી 18 વર્ષીય પમી હેમાભાઇ બાંભવા તથા તેના ઘર નજીક જ રહેતાં તેના કાકાના દિકરા 18 વર્ષીય કવા પબાભાઇ બાંભવા અને રેલનગર સંતોષીનગરમાં રહેતાં તેણીના મોટાબાપુના 17 વર્ષીય દિકરા ડાયા પરબતભાઇ બાંભવાની લાશ ગઇકાલે કાલાવડ રોડ પર વેજાગામ વાજડીની સીમમાં આવેલા કાંઠા વગરના કૂવામાંથી મળી આવતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. સંબંધમાં ત્રણેય કાકા-બાપાના ભાઇ બહેન થતાં હતાં

તો આ બાબતે પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હેમાભાઇ બાંભવાની પુત્રી પમીના લગ્ન પાંચ વર્ષ પહેલાં કાલાવડના ફગાસ ગામના મેહુલ માટિયા સાથે થયા હતા. પમીને ગુરુવારે સાસરે મૂકવા જવાની હતી. જોકે એ પહેલાં મંગળવારે રાત્રે 12 વાગ્યા પછી પમી તેના ઘરેથી કોઇને કહ્યા વગર નીકળી ગઇ હતી અને બુધવારે બપોરે વાજડીના કૂવામાંથી પમી અને તેના બે પિતરાઇની લાશ મળી આવી હતી. પમીને રાત્રે બે પિતરાઇ ભાઇ ઉઠાવી ગયા હતા અને આખી રાત ત્રણેયે ક્યાં વિતાવી એ તપાસનો વિષય છે.

બે દિવસ પૂર્વે જ ફગાસ ગામેથી આણું વાળીને પરત પિયર આવેલી યુવતીએ બે પિતરાઇ સાથે આપઘાત કરતાં ચકચાર મચી ગઇ હતી. આ ઘટનામાં પ્રેમપ્રકરણની પોલીસને શંકા છે. ત્રેણયની અંતિમવિધી ગત સાંજે પોપટપરા સ્મશાન ખાતે એક સાથે કરવામાં આવતાં શોકની કાલિમા છવાઇ ગઇ હતી. મોતનું રહસ્ય કૂવામાં જ ધરબાયેલુ ન રહે એ માટે પોલીસ અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે.

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર વેજાગામ વાજડીની સીમમાં કૂવા પાસેથી એક ગ્રામજન પસાર થતા હતા ત્યારે કૂવા પાસે મોબાઇલ અને ત્રણ જોડી ચપ્પલ જોવા મળતાં તેમને કંઈક અજુગતું થયાની શંકા જાગતા ગ્રામજન કૂવા પાસે પહોંચ્યા હતા. ગ્રામજન હજુ કોઇને જાણ કરે એ પહેલા જ બિનવારસી હાલતમાં મળેલા મોબાઇલમાં રિંગ વાગી હતી, તે ફોન રિસીવ કરતાં જ મૃતકોની ઓળખ મળી હતી.

મંગળવારે રાત્રે કવા પબાભાઇ બાંભવા બાઇક લઇને સંતોષીનગરમા મોટાબાપુના દિકરા ડાયાના ઘરે ગયો હતો. અહિ રાત્રે સાડા અગિયાર સુધી ડાયાના ઘર પાસે જ બંને બેઠા હતાં. એ પછી રાત્રે બારેક વાગ્યે બંને મનહરપુર જવા નીકળી ગયા હતાં. બહેન પમીને એ પછી બંનેએ સાથે લીધી હતી. બુધવારે સવારે છ વાગ્યે પમીના પિતા હેમાભાઇ બાંભવાએ દિકરી પમીને ઘરમાં ન જોતાં તપાસ શરૂ કરી હતી. એ દરમિયાન તેમને નજીકમાં રહેતો ભત્રીજો કવો પણ ન દેખાતાં તપાસ શરૂ કરી હતી. બીજી તરફ ડાયો પણ ગાયબ હોવાની તેના પરિવારને ખબર પડી હતી.

પોસ્ટ મોર્ટમ બાદ ગઇકાલે સાંજે પોલીસે મૃતદેહો પરિવારને સોંપતા ત્રણેયની એક સાથે અંતિમવિધી કરવામાં આવી હતી. પમી પાંચ બહેન અને બે ભાઇમાં મોટી હતી. જ્યારે ડાયો ત્રણ ભાઇ અને એક બહેનમાં બીજો હતો. તે પંચર બનાવવાનું કામ કરતો હતો. જ્યારે કવો છ ભાઇ અને એક બહેનમાં પાંચમો હતો. તેને અકસ્માતમાં પગમાં ઇજા થઇ હોઇ હાલ તે કંઇ કામ કરતો નહોતો. તેના પિતા વાડી વાવવાની મજુરી કરે છે.

Shah Jina