અમદાવાદ બાદ હવે રાજકોટમાં રખડતાં ઢોરનો ખુલ્લો આતંક ! 3 પોલીસ કર્મચારીઓને અડફેટે લીધા- એકના તૂટ્યા દાંત

રાજ્યમાં રખડતા પશુઓનો આતંક યથાવત છે. ગઇકાલના રોજ એક જ દિવસમાં 4 જગ્યાએથી રખડતા પશુનો આતંક સામે આવ્યો. અમદાવાદ મનપાએ પશુમાલિકોને નોટિસ ફટકારી અને હરકતમાં આવ્યું, તો બાદમાં રાજકોટ મેયર પણ એક્શનમાં આવ્યાં અને આ ઉપરાંત ભાવનગરમાં ઢોરની અડફેટે એક વ્યક્તિના મોત બાદ મનપાએ કડક નિર્ણય લીધો. જેમાં જાહેરમાં પશુ રાખવા અને છુટ્ટા મુકવાનો પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. રખડતા ઢોરના ત્રાસ મુદ્દે તો હાઈકોર્ટ પણ આકરા પાણીએ છે અને તેમ છતાં પણ જનતાને હજી રખડતા ઢોરના આતંકમાંથી મુક્તિ નથી મળી.

લગભગ દરરોજ ગુજરાતમાં ક્યાંકને ક્યાંકથી રખડતા ઢોરોના ત્રાસની ઘટના સામે આવે છે. એક અઠવાડિયામાં રાજકોટમાં રખડતા ઢોરના ત્રાસની બીજી ઘટના સામે આવી, જેમાં વહેલી સવારે મવડી હેડ કવાર્ટરમાં પરેડ પૂર્ણ કરી મહિલા પોલીસ જ્યારે ઘરે પરત ફરી રહી હતી, ત્યારે ગાયે અડફેટે લીધી અને આ દરમિયાન 3 મહિલાઓ ઇજાગ્રસ્ત બની, જેમની રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર થઇ. રખડતા ઢોરને કારણે રાજકોટ શહેરમાં એક સપ્તાહમાં બે બનાવો સામે આવ્યા છે. જેમાં નિવૃત આર્મીમેન અને મહિલા પોલીસ ઇજાગ્રસ્ત થયા છે.

મળતી માહિતી મુજબ, ગઇકાલે એટલે કે 23 ડિસેમ્બરના રોજ મવડી હેડ કવાર્ટર ખાતે પોલીસ પરેડ પૂર્ણ કરી લોક રક્ષક પૂજા સદાદિયા અને કોન્સ્ટેબલ ગાયત્રી મોરારી એક્ટિવા લઈને ઘરે જઇ રહ્યા હતા ત્યારે આ દરમિયાન ગાય રસ્તા પર હતી અને શ્વાન ભસતા ગાય ભડકી અને તે એક્ટિવા સાથે અથડાઈ. જેને કારણે બંને મહિલા પોલીસ નીચે પટકાઈ અને કરિશ્મા નામની રાહદારી મહિલાને પણ ગાયે અડફેટે લીધી હતી.

ગાયની અડફેટ બાદ ત્રણેય ઇજાગ્રસ્ત મહિલાઓને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી. આ ઘટનામાં સદનસીબે ત્રણેયને સામાન્ય જ ઇજાઓ પહોંચી છે. એક મહિલા પોલીસના દાંત તૂટી જતા તેઓ રડી પડ્યા હતા. આ પહેલા 16 ડિસેમ્બરના રોજ રાજકોટમાં એક નિવૃત્ત આર્મી મેનને રખડતા ઢોરે અડફેટે લીધા જેને કારણે તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેઓ હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

Shah Jina