રાજકોટમાં સામૂહિક આપઘાતનો પ્રયાસ, , મુંબઈના એક ભાઈએ એવું કામ કર્યું કે પરિવારના 7 સભ્યોએ પીધી ઝેરી દવા

રાજકોટ શહેરના ગુંદાવાડી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક સોની પરિવારના સાત સભ્યોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચાવી દીધો છે. પરિવારના સભ્યોએ ઉધઈ મારવાની ઝેરી દવા પીને આ પગલું ભર્યું હતું.

આપઘાતનો પ્રયાસ કરનારાઓમાં બાળકો, મહિલાઓ અને વૃદ્ધોનો પણ સમાવેશ થાય છે. ઝેરી દવાની અસર થતાં તમામ સભ્યોને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સઘન સારવાર શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બેંક લોનની બાકી રકમ અને તેના કારણે થતી હેરાનગતિને કારણે પરિવારે આ કદમ ઉઠાવ્યું હોવાનો આરોપ છે.

આ ઘટનામાં વધુ તપાસ કરતાં એક મોટો ખુલાસો થયો છે. મુંબઈના ચાર વ્યક્તિઓએ આ સોની પરિવાર સાથે લગભગ પોણા ત્રણ કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી હતી. આ શખ્સોએ સોની પરિવાર પાસેથી દાગીના બનાવડાવ્યા હતા પરંતુ તેમની રકમ ચૂકવી ન હતી. આ કારણે પરિવારની આર્થિક સ્થિતિ કથળી ગઈ હતી, જેના પરિણામે તેમણે આપઘાતનો નિર્ણય લીધો હતો.

હાલમાં સારવાર હેઠળ રહેલા તમામ સભ્યોની તબિયત સ્થિર હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ સોની પરિવાર સોનાના દાગીના બનાવવાનું કામ કરે છે અને ઓર્ડર મુજબ દાગીના બનાવીને પોતાનું જીવન નિર્વાહ ચલાવતા હતા.

વધુ વિગતો અનુસાર, સોની પરિવારે લગભગ પોણા ત્રણ કરોડના દાગીના મુંબઈના વેપારીઓને બનાવીને આપ્યા હતા. પરંતુ મુંબઈની આ પેઢીઓએ દાગીના તો લઈ લીધા પરંતુ તેમનું પેમેન્ટ ન કર્યું, જેના કારણે સોની પરિવાર ભારે દેવામાં ડૂબી ગયો. છેલ્લા લગભગ 11 મહિનાથી આ વેપારીઓ પૈસા ચૂકવતા ન હતા અને ઉપરથી પરિવારને ધમકીઓ પણ આપતા હતા.

આ મુશ્કેલ પરિસ્થિતિમાં, પરિવારે બેંકમાંથી લોન લીધી હતી. પરંતુ હવે તેઓ લોનના હપ્તા પણ ભરવા અસમર્થ બન્યા હતા. દિવસે દિવસે વ્યાજનું ભારણ વધતું જતું હતું અને દેવું આકાશને આંબવા લાગ્યું હતું. આ તમામ પરિસ્થિતિઓના કારણે આખા પરિવારે સામૂહિક આપઘાતનો નિર્ણય લીધો હતો. મળતી માહિતી મુજબ કુલ નવ વ્યક્તિઓએ આ ઝેરી દવા પીધી હતી.

kalpesh