...
   

રાજકોટના લોકમેળામાં સર્જાઇ દૂર્ઘટના, મોતના કૂવામાં ફરી રહેલી કાર નીચે ખાબકી- જુઓ વીડિયો

સૌરાષ્ટ્રમાં કોરોના મહામારીને કારણે બે વર્ષ સુધી લોકમેળા યોજાયા ન હતા અને ત્યારે બે વર્ષ બાદ આ વખતે ઠેર ઠેર લોકમેળાનું આયોજન થયું છે. રજા હોવાને કારણે મોટી સંખ્યામાં લોકો મોજ કરવા માટે નીકળી પડ્યા છે. ત્યારે આ વર્ષે લોકમેળામાં કેટલીક દુર્ઘટના પણ સર્જાઇ રહી છે. હાલમાં થોડા સમય પહેલા જ ચાલુ રાઇડે સેફ્ટી લોક ખુલી જતા એક યુવકને ગંભીર ઇજા પહોંચી હતી. આ પહેલા પણ ગોંડલમાંથી જ કેટલાક દુર્ઘટનાના કિસ્સા સામે આવ્યા હતા. ત્યારે આજે રાજકોટના લોકમેળામાં મોતના કૂવામાં દુર્ધટના સર્જાઇ હોવાનું સામે આવ્યુ છે. મોતના કુવામાં ચાલુ શો દરમિયાન જ કાર નીચે પડી ગઇ હતી.

સદ્દનસીબે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઈ ન હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના લોકમેળામાં ચાલુ મોતના કૂવામાં એક કાર નીચે ખાબકી હતી. કારનું ટાયર નીકળી જવાને કારણે કાર નીચે ખાબકી હતી. જો કે, સદનસિબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોવા મળી રહ્યુ છે કે, મોતના કૂવામાં ચાલી રહેલા કરતબ દરમિયાન એક કારનું ટાયર નીકળી જતા અચાનક જ કાર નીચે ખાબકી હતી. આ દરમિયાન ત્યાં હાજર લોકોના જીવ પણ તાળવે ચોંટી ગયા હતા.

ઉલ્લખનીય છે કે, રાજકોટમાં જન્માષ્ટમીના દિવસે જ લોકમેળામાં એક બનાવ બન્યો હતો, જેમાં બ્રેક ડાન્સ રાઇડમાં એક યુવક હસતો હસતો મજા લેતો હતો અને આ દરમિયાન અચાનક જ તે રાઇડમાંથી નીચે પટકાયો હતો. તેને માથાના ભાગે ગંભીર ઇજા પણ પહોંચી હતી. જો કે, રાઇડ સંચાલકે સમય સુચકતા કારણે તત્કાલીન રાઈડ બંધ કરી દીધી હતી અને યુવકને નીચે ઉતારી નજીકમાં મેળાના ગેઇટ પાસે ઊભેલી એમ્બ્યુલન્સ મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યો હતો.

આ ઉપરાંત ચારેક દિવસ પહેલા ગોંડલમાં પણ બે લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી હતી. સાતમના દિવસ દરમ્યાન ઝરમર વરસાદ વરસતો હતો અને આ દરમિયાન શહેરના કોલેજ ચોક સંગ્રામસિંહજી હાઇસ્કુલ ગ્રાઉન્ડ ખાતે લોકમેળાનો મોટાભાગનો પંડાલ ભીંજાઈ ગયો હતો,

જેને કારણે સાંજના સુમારે ટીઆરબી જવાનને વીજ કરંટ લાગતા તેને બચાવવા પાલિકાના ફાયરનાં કર્મચારી જતા તેને પણ કરંટ લાગતા બંનેનું મોત નીપજ્યું હતું. ગોંડલના મેળામાં રાત્રિના સમયે વધુ એક દુર્ઘટના ઘટી હતી. જેમાં આશરે 30 ફૂટ કરતા પણ વધુ ઊંચાઈથી એક વ્યક્તિ પટકાયો હતો. તેને ગંભીર ઇજા પહોંચી હતી.

Shah Jina