ગરવી ગુજરાત દિલધડક સ્ટોરી લેખકની કલમે

રાજકોટના પોલીસે આ 10 વર્ષની છોકરી સાથે જે કર્યું એ જાણીને આંખોમાં પણ આંસુ આવી જશે

આપણા દેશની સુરક્ષા કરવાનું કામ સૈન્ય અને પોલીસ દ્વારા કરવામાં આવે છે. પરંતુ કેટલાક અંશે આપણા દેશમાં પોલીસ વિશેની એક માન્યતા ઘર કરી ગઈ છે. ઘણા લોકો માને છે કે પોલીસ હંમેશા ભ્રષ્ટચારી જ હોય છે, પરંતુ આજે અમે તમને જે વાત જણાવવાના છીએ એ વાત સાંભળીને તમારી પોલીસ વિશેની માન્યતા બદલાઈ જશે. શૈલેષ સગપરિયા દ્વારા એક લેખ લખવામાં આવ્યો છે જેમાં આપણા દેશમાં પોલીસ પ્રત્યેની કામગીરી માત્ર તેમની ફરજ બજાવવાની નહિ પરંતુ તેમને જે કાર્ય કર્યું છે તે ખરેખર સામાન્ય લોકો માટે પણ પ્રેરણા આપનારું બને તેવું છે. આ કોઈ કાલ્પનિક વાર્તા નહિ પરંતુ હકીકત છે. વાંચીને તમને પણ આંખોમાં પાણી આવી જશે.

રાજકોટમાં આસિસ્ટન્ટ પોલીસ કમિશ્નર તરીકે ફરજ બજાવતા જયદીપસિંહ સરવૈયાને એક ફરિયાદ અરજી મળી જેમાં અરજી કરનારે એક સોની મહાજનની વિરુદ્ધમાં હાથ ઉછીના લીધેલા પૈસા પરત ન આપીને છેતરપીંડી કર્યાની ફરિયાદ કરી હતી. આ ફરિયાદ અરજીની તપાસ સરવૈયા સાહેબે એસઓજીમાં ફરજ બજાવતા પીએસઆઇ મોહમ્મદ અસ્લમ અન્સારીને સોંપી.

Image Source: Shailesh Sagpariya facebook

પીએસઆઇ અન્સારી ફરિયાદ અરજીની તપાસ કરવા માટે આરોપી સોની મહાજનને ત્યાં ગયા તો જાણવા મળ્યું કે થોડા વર્ષો પહેલા ધંધામાં નુકશાન જવાના કારણે સોની મહાજન સાવ રસ્તા પર આવી ગયા હતા. જે એક સમયે સોના ચાંદીનો ધંધો કરતા એ મહાજન હવે કોઈને ત્યાં ચોકીદાર તરીકે નોકરી કરીને ગુજરાન ચલાવતા. આજુ બાજુના પાડોશીઓ અને ઓળખીતા પણ થોડો ઘણો ટેકો કરતા ત્યારે માંડમાંડ પૂરું થતું.

તપાસમાં ગયેલા પીએસઆઇ અન્સારીએ જોયું કે 10 વર્ષની નાની દીકરી ખૂણામાં ચૂપચાપ ઉભી ઉભી બધું જોઈ રહી હતી. દીકરી માત્ર જુવે પણ કશું બોલે નહિ એટલે પીએસઆઇ અન્સારીએ સોની ભાઈને દીકરી વિશે પૂછ્યું. દીકરી વિશે પૂછતા જ પિતા ભાંગી પડ્યા. આંખમાં આંસુ સાથે આપવીતી વર્ણવતા કહ્યું કે દીકરીને કાનમાં તકલીફ છે, એ સાંભળી શકતી નથી. સાંભળી શકતી નથી એટલે બોલી પણ શકતી નથી. દીકરીના કાનની સારવાર કરાવવી છે પણ પેટ ભરીને ખાઈ શકાય એવી સ્થિતિ નથી એમ દવાખાનનો ખર્ચ કેમ ઉપાડવો ?

નાની દીકરીની સ્થિતિ વિશે સાંભળીને આખી પોલીસ ટીમની આંખો પણ ભેજવાળી થઈ ગઈ. પોલીસનું કામ ગુનેગારો સાથે હોવાથી એ બરછટ લાગે પણ હૈયું તો એનું પણ લીલું અને ભીનું જ હોય. પીએસઆઇ સહિતની આખી ટીમે તુરંત જ નક્કી કરી લીધું કે આ દીકરીને સાંભળતી અને બોલતી કરવી છે. દીકરીના પિતાને આ વાત કહી એટલે પિતા તો રડી જ પડ્યા.

જે પોલીસ ફરિયાદની તપાસ માટે ગઈ હતી એ 10 વર્ષની દીકરીને કાન અને જીભ પરત આપવાના સંકલ્પ સાથે પાછી આવી. દીકરીને સારવાર અપાવી, સાંભળવા માટેનું યંત્ર અપાવ્યું અને જે દીકરી બહેરી અને મૂંગી હતી એને સાંભળતી અને બોલતી કરી.

પોલીસ માત્ર ડંડા મારનારી જ નથી હોતી સંવેદનાઓ એનામાં પણ હોય છે જે આવા પ્રસંગોએ પ્રગટતી આપણે જોઈ અને અનુભવી શકીએ છીએ.

Image Source

પીએસઆઇ અસ્લમ અન્સારી અને એની ટીમ દ્વારા થયેલા આવા માનવતાના કાર્યથી પોલીસ અને પ્રજા વચ્ચેનું અંતર ઓછું થાય અને સદભાવ વધે.

ગુજરાત પોલીસના આ ગૌરવવંતા કામને વંદન.

ખરેખર રાજકોટ પોલીસની આ કામગીરી વંદનીય છે, તેમના કામ માત્ર ગુનેહગારોને પકડવાનું કે ન્યાય અપાવવાનું જ નહિ પરંતુ જરૂરિયાત મંદ લોકોને મદદ કરવાનું પણ છે તે વાત તેમને સાબિત કરી આપી છે. તેમના આ કાર્ય માંથી ઘણા લોકોએ પ્રેરણા લેવા જેવી છે, આજના સ્વાર્થી જમાનામાં જ્યાં લોકો એકબીજાનો પગ ખેંચતા હોય છે ત્યારે પોલ્સ દ્વારા કોઈ નિરાધારનો હાથ પકડવાની આ કામગીરી બદલ તેમને વંદન કરવાનું મન ચોક્કસ થાય.

Author: શૈલેષ સગપરિયાઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.