ગુજરાતમાંથી અવાર નવાર આપઘાતના મામલા સામે આવે છે. કેટલીકવાર કોઇ પ્રેમ સંબંધમાં તો કોઇ અવૈદ્ય સંબંધમાં તો કેટલાક માનસિક ત્રાસ કે કોઇ બીમારીને કારણે કંટાળી પણ આપઘાતનું પગલુ ભરી લેતા હોય છે. ત્યારે હાલમાં રાજકોટના પોપટપરામાંથી આપઘાતનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 25 વર્ષિય પરણિતા આરતીબેન ઝરવરિયાએ ઘરે જ પંખાના હુકમાં ચુંદડી વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી.
આ ઘટનાની જાણ પ્રદ્યુમનનગર પોલીસને થતાં સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતકના પતિએ જણાવ્યું કે, તે મજૂરીકામ કરે છે અને તેમના લગ્ન આરતીબેન સાથે પાંચ વર્ષ પહેલાં થયા હતા. આ લગ્નથી તેમને સંતાનમાં ચાર વર્ષની પુત્રી અને આઠ મહિનાનો પુત્ર છે. તેમની પત્ની લાંબા સમયથી આંચકીની બીમારીથી પીડિત હતી અને આનાથી કંટાળી જ તેણે આપઘાત કરી લીધો.

તેઓ મજૂરીકામ માટે ઘરેથી નીકળ્યા હતા અને લગભગ પાંચેક વાગ્યે ઘરે આવી તેમણે રૂમનો દરવાજો ખોલ્યો તો પત્ની લટકેલી હાલતમાં જોવા મળી હતી અને આઠ માસનો પુત્ર બાજુમાં રમતો હતો. આ દ્રશ્ય જોઇ તેમણે આક્રંદ મચાવ્યો હતો. આરતીબેને આંચકીની બીમારીથી આપઘાતનું પગલું ભર્યાનું હાલ સામે આવ્યું છે. હાલ તો પોલીસે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

આ સિવાય રાજકોટમાંથી વધુ એક આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. જામનગર રોડ પર ઘંટેશ્વર પાસે દરગાહ નજીક આવેલ 25 વારીયામાં રહેતી મમતાબેન ભટીએ પોતાના ઘરે બાથરૂમમાં જઈ હુકમાં ચુંદડી બાંધી ફાંસો ખાધો હતો, જ્યારે રાજકોટ શહેરમાં 150 ફૂટ રિંગ રોડ પર ફોર્ચ્યુન હોટલ પાછળ સરસ્વતી નગર-10માં રહેતા ઈશ્વરભાઈ દબોડે પણ માલધારી ફાટક પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કર્યો હતો.