વધુ એક ગુજરાતીની વિદેશમાં હત્યા, મૂળ રાજકોટના વેપારીની હત્યારાઓએ 70 લાખથી વધુની લૂંટ કરી ધરબી દીધી ગોળી

ઘણીવાર વિદેશમાંથી ગુજરાતીઓ કે ભારતીયોની હત્યા અથવા તો તેમની સાથે લૂંટના કિસ્સા સામે આવે છે. ત્યારે હાલમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં દક્ષિણ આફ્રિકામાં એક ગુજરાતીની હત્યાથી રાજકોટમાં ચકચાર મચી ગઇ છે. પાંચેક વર્ષથી મેડાગાસ્કર ટાપુમાં રહેતા રાજકોટના વેપારીની છાતીમાં ગોળી મારવામાં આવી હતી અને 75 લાખની રોકડ તેમજ લેપટોપની લૂંટ ચલાવવામાં આવી હતી. (તમામ તસવીરો સૌજન્ય : દિવ્ય ભાસ્કર)

ઘટનાની જાણ થતાં જ યુવકના પિતા રાજકોટથી રાતોરાત આફ્રિકા પહોંચી ગયા હતા. પ્રાપ્ત જાણકારી અનુસાર, મૂળ રાજકોટના રહેવાસી અને છેલ્લા કેટલાક સમયથી દક્ષિણ આફ્રિકાના મેડાગાસ્કર આઇલેન્ડમાં સ્થાયી થયેલ હરેશ નેભાણી પિતરાઈ ભાઈ સાથે કારમાં જઈ રહ્યો હતો ત્યારે જ બાઇક પર આવેલા શખ્સોએ લૂંટવાના ઈરાદે તેમનો પીછો કર્યો અને પછી કાર આંતરી હરેશ પર ફાયરિંગ કર્યુ.

ફાયરિંગ કર્યા બાદ તેઓ કારમાંથી 75 લાખ રૂપિયા રોકડા અને લેપટોપની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા. ઘટના જ્યારે બની ત્યારે મૃતક હરેશની સાથે રહેલ તેનો પિતરાઇ ભાઇ સાગર પણ હતો અને સાગરનો આ ઘટનામાં ચમત્કારિક રીતે બચાવ થયો હતો. અનાજ-કરિયાણાનો વેપાર કરતા હરેશને તક મળતા જ તે ધંધાર્થે સાઉથ આફ્રિકામાં સ્થાયી થયો હતો અને તેણે છેલ્લા પાંચેક વર્ષમાં આફ્રિકામાં પોતાનો બહોળો ધંધો પણ જમાવી દીધો હતો.

ત્યારે ટૂંકા ગાળામાં વેપારમાં પ્રગતિ કરનાર હરેશે પોતાના સેટ થયા બાદ પત્ની, પુત્ર અને માતા-પિતાને પણ સાઉથ આફ્રિકા તેડાવી લીધા હતા. આ સાથે તેણે ધંધામાં ઉત્તરોતર વિકાસ થયા બાદ પિતરાઇ ભાઇ સાગરને પણ બોલાવી લીધો હતો. ત્યારે 15 દિવસ પહેલા જ સાગર સાઉથ આફ્રિકા ગયો અને આ ઘટના બનતા પરિવાર સાથે સાથે તે પણ આઘાતમાં છે. મૃતક ભારતમાંથી અનાજ-ખાંડ સહિતનો કરિયાણાનો જથ્થો કન્ટેનર દ્વારા સાઉથ આફ્રિકા મંગાવીને વેપાર કરતો હતો.

ઉલ્લેખનીય છે કે, ઘટનાના દિવસે એટલે કે શનિવારે મૃતકના પિતા વતન રાજકોટ આવ્યા હતા પરંતુ તેમને ઘટનાના સમાચાર મળતા જ તેઓ રાતોરાત આફ્રિકા પહોંચી ગયા અને ત્યાં જ મૃતકની અંતિમવિધી થઇ. ત્યારે રાજકોટના આશાસ્પદ યુવાનની લૂંટના કારણે હત્યા બાદ પરિવારજનોમાં પણ કાળો કલ્પાંત સર્જાયો છે.

Shah Jina