ગુજરાતમાં અને ખાસ કરીને રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકથી યુવાનોના મોત થવાની ઘણી ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. હાલમાં પણ ફરી એકવાર રાજકોટમાંથી આવી જ એક ઘટના સામે આવી છે. ત્યારે છેલ્લા 20 દિવસમાં રાજકોટમાં તો આ પ્રકારની ત્રીજી ઘટના બની છે. ક્રિકેટ રમતાં રમતાં જીજ્ઞેશ ચૌહાણને હાર્ટ-એટેક આવવાથી તે મેદાનમાં ઢળી પડ્યો હતો અને એક સાથે ઉપરાઉપરી ત્રણ એટેકથી તેનું મોત નીપજ્યું હતું.

જો કે, રાજકોટ સિવાય સુરતમાંથી પણ આવી એક ઘટના સામે આવી છે. સુરતમાં પણ આજે હસતો રમતો યુવક અચાનક જ મોતને ભેટ્યો હતો. પ્રાપ્ત જાણકારી અનુસાર, રાજકોટમાં ઇન્ટરપ્રેસ મીડિયા ટુર્નામેન્ટ માધવરાય સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં ચાલી રહી છે અને આમાં 31 વર્ષિય જીજ્ઞેશ ચૌહાણે પણ ભાગ લીધો હતો. ત્યારે ગઇકાલના રોજ તેમની ટીમવતી તેમણે 30 રનની ઇનિંગ રમી અને પછી આઉટ થઈને ખુરશી પર બેઠો અને આ દરમિયાન જ તેને અચાનક એકસાથે ત્રણ એટેક આવતા ખુરશી પરથી ઢળી પડ્યો.

આ ઘટનાથી ટીમના ખેલાડીઓ વચ્ચે અફરા તફરી મચી ગઇ અને લોકો તેને લઇને સારવાર માટે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા પણ અફસોસ કે તેને ડોક્ટર દ્વારા મૃત જાહેર કરાયો હતો. રાજકોટ ઇન્ટરપ્રેસ મીડિયા ટુર્નામેન્ટના આયોજકે જણાવ્યુ કે, ગઇકાલે હેડલાઇન અને અબતક વચ્ચે મેચ શરૂ થઇ, જેમાં પ્રથમ બેટિંગ હેડલાઈન ટીમ તરફથી હતી અને જીજ્ઞેશ ચૌહાણ મેદાનમાં ઉતર્યો હતો. જો કે, તેણે 18 બોલમાં 30 રન બનાવ્યા પણ તે પછી તે આઉટ થઇ ગયો અને મેદાનની બહાર ખુરશી પર બેઠો હતો.

આ દરમિયાન જ અચાનક 10 મિનિટ પછી તે ઢળી પડ્યો જેથી તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પણ ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. જણાવી દઇએ કે, જીજ્ઞેશ ચૌહાણના મોત બાદ તેમની 2-3 વર્ષની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. જો કે, જીજ્ઞેશ ચૌહાણના પિતા પણ હયાત નથી અને એવામાં દીકરાના મોતથી પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. ઉલ્લેખનીય છે કે, સુરતના વરાછામાંથી પણ આવી જ એક ઘટના સામે આવી. જેમાં 27 વર્ષીય યુવક પ્રશાંત ભારોલિયાનું અચાનક જ મોત નીપજ્યું.

તેનું અચાનક રહસ્યમય સંજોગોમાં મોત થતા અનેક પ્રશ્નો પણ ઊઠ્યા હતા. પ્રશાંત મિત્રો સાથે સવારે ક્રિકેટ રમવા ગયો હતો અને તે બાદ પરત આવ્યો ત્યારે થોડી વાર પછી તેને અચાનક છાતીમાં બળતરા થવા લાગી અને ગભરામણ થતા પરિવાર તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ ગયો, જ્યાં ટૂંકી સારવાર બાદ અચાનક જ તેનું મોત નીપજતા પરિવાર આઘાતમાં સરી પડ્યો. પ્રશાંત કેનેડામાં સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો અને એકાદ વર્ષથી તે પરિવાર પાસે આવ્યો હતો.જો કે, તે એક વિષયની પરીક્ષા આપવા માટે ફરી કેનેડા પણ જવાનો હતો.