છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાંથી હાર્ટ એટેકથી મોત થવાના ઘણા મામલા સામે આવ્યા છે. થોડા સમય પહેલા જ રાજકોટમાંથી બે કિસ્સા સામે આવ્યા હતા, જેમાં એક યુવકનું ફૂટબોલ રમતા સમયે તો બીજા યુવકનુ ક્રિકેટ રમતા સમયે હાર્ટએટેક આવવાને કારણે મોત થયું હોવાનું સામે આવ્યુ હતું. ત્યારે હાલમાં રાજકોટ શહેરમાંથી આવી વધુ એક ઘટના સામે આવી છે. શાસ્ત્રીમેદાનમાં ક્રિકેટ રમી પરત જઈ રહેલા યુવકને હાર્ટ એટેક આવતા તેનું મોત થયું હતું.
પાલનપુરથી રાજકોટ લગ્નમાં આવેલો યુવક ભરત બારીયા ક્રિકેટ રમવા શાસ્ત્રીમેદાનમાં ગયો હતો. 40 વર્ષની ઉંમરે યુવકનું હાર્ટ અટેકથી મોત થયાનું પ્રાથમિક તારણ છે. ત્યારે સિવિલ હોસ્પિટલ પહોંચેલા પરિવારજનોએ મૃતદેહ જોઇ હૈયાફાટ રૂદન કર્યુ હતું અને તેને લઇને માહોલ ઘણો ગમગીન બની ગયો હતો. ડિસાનો ભરત બારૈયા રાજકોટ ખાતે તેની પિતરાઇ બહેનના દીકરાના લગ્નપ્રસંગ માટે આવ્યો હતો,
આજે સવારે તે શાસ્ત્રી મેદાન ખાતે ક્રિકેટ રમવા ગયો અને પછી ઘરે પરત ફરતો હતો ત્યારે જ રસ્તામાં તેને હાર્ટએટેક આવ્યો અને તેની સાથે રહેલા મિત્રોએ 108ને જાણ કરી. જે બાદ ભરતને મૃત જાહેર કરાયો. ભરત બારૈયાના ભાણિયાનું આજે રિસેપ્શન હતુ અને એવામાં જ આવી ઘટના બનવાથી પરિવાર ઘેરા આઘાતમાં સરી પડ્યો છે. પતિના મોતથી સ્તબ્ધ પત્નીનું આક્રંદ કોઇને પણ રડાવી દે તેવું હતું. તે એટલું જ બોલી શકી કે, મારે ધણી વગર નથી જીવવું.
આ ઉપરાંત ભરતના મૃતદેહને ભેટીને સાસુએ પણ આક્રંદ કર્યું હતું અને પોતાના મોઢાથી ભરતને કૃત્રિમ ઓક્સિજન આપવાનો પણ પ્રયાસ કર્યો હતો અને તેઓ કહી રહ્યા હતા કે ઊઠી જા. ભરતભાઈને કોઈ પણ બીમારી ન હોવાનું પણ સામે આવ્યુ અને આ સાથે તેમને સંતાનમાં પણ કોઇ ન હોવાનું કહેવાઇ રહ્યુ છે. જણાવી દઇએ કે, રાજકોટમાંથી છેલ્લા કેટલાક દિવસમાંથી હૃદયરોગથી મોતના મામલા સામે આવ્યા છે.
ગત જાન્યુઆરી મહિનાથી લઈને અત્યાર સુધી નાની બાળકીથી લઇને શહેરની પીડીયુ મેડિકલ કોલેજમાં પ્રોફેસર સુધીની વય ધરાવતા લોકો હાર્ટ એટેકનો શિકાર બન્યા હોવાનું નોંધાયુ છે. 16 દિવસ પહેલાં તો 24 કલાકમાં બે યુવકો રમતાં રમતાં મોતને ભેટી પડ્યા.