રાજકોટના લોકમેળામાં દુર્ઘટના : સેફ્ટી લોક ખુલી જતા યુવક રાઇડમાંથી નીચે પટકાયો, ડરામણો નજારો જોઈને બધા ચીસો પાડવા લાગ્યા

સૌરાષ્ટ્રવાસીઓ માટે આ વખતે જન્માષ્ટમીનો અવસર રૂડો હતો કારણ કે કોરોના મહામારીને કારણે બે વર્ષ બાદ લોકમેળા ખુલ્લા મૂકવામાં આવ્યા અને આ લોકમેળા પાંચ દિવસ વિવિધ જિલ્લામાં ચાલશે. આ દરમિયાન સૌરાષ્ટ્રના લોકો મજા માણવા માટે ઉમટી પડે છે.આ તહેવારની લોકો દીવાળી કરતા પણ વધારે આતુરતાથી રાહ જોતા હોય છે ત્યારે આ ખુશીના અવસરમાં ઘણીવાર દુર્ઘટનાઓ ઘટવાના કિસ્સા પણ સામે આવે છે, જેમાં ગોંડલ બાદ હવે રાજકોટમાં દુર્ઘટના સર્જાઇ હોવાના સમાચાર મળી રહ્યા છે.

મેળામાં વિવિધ પ્રકારની રાઇડ્સ હોય છે અને તેની મજા માણવા લોકો ઉમટી પડતા હોય છે. પરંતુ ઘણીવાર સેફ્ટીની અવગણના થતા અકસ્માતો સર્જાતા હોય છે. ત્યારે રાજકોટ ખાતે ચાલી રહેલા લોકમેળામાં એક દુર્ઘટના સર્જાઇ હોવાના સમાચાર સામે આવ્યા. જો કે આ દુર્ઘટનામાં કોઇ જાનહાનીના સમાચાર નથી. બ્રેકડાન્સ રાઇડમાં બેઠેલા યુવકની રાઇડનુું સેફ્ટી લોક ખુલી જતાં તે પટકાયો હતો અને તેને કારણે તેને ઇજાઓ પહોંચી હતી.

યુવકને ઘાયલ અવસ્થામાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ દરમિયાન યુવકને માથાના ભાગે ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું. જણાવી દઇએ કે, રાજકોટ શહેરના રેસકોર્સ મેદાનમાં ચાલી રહેલા લોકમેળામાં આ દુર્ઘટના સર્જાઈ હતી. જો કે, રાઈડ સંચાલકની સમય સુચકતાને કારણે રાઇડ તાત્કાલિક બંધ કરવામાં આવી અને ઘાયલ યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો.

ઉલ્લેખનીય છે કે, ગુરુવારે ગોંડલના લોકમેળામાં બે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. 2 વ્યક્તિઓનું વીજકરંટ લાગતા મોત નિપજ્યુ હતુ અને બીજી ઘટનામાં એક વ્યક્તિ ચાલુ રાઇડમાંથી નીચે પટકાયો હતો. નીચે પટકાયેલા વ્યક્તિને હોસ્પિટલ ખસેડાયો હતો. જો કે, વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતા તેને વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડાયો હતો.

Shah Jina