વાહનો સાથે રમતા માસુમ બાળકોના વાલીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો, રાજકોટમાં 4 વર્ષના માસૂમે ટ્રેકટર ચાલુ કર્યું અને મળ્યું મોત

રાજકોટમાં 4 વર્ષનું બાળક રમતા રમતા ચઢી ગયું ટ્રેકટર ઉપર, અને થયું કમકમાટી ભરેલું મોત, દરેક બાળકોના માં-બાપ આ કિસ્સો જરૂર જુએ

નાના બાળકો ખુબ જ ચંચળ સ્વભાવના હોય છે, તેમને શું કરવું તેનું કોઈ ધ્યાન નથી હોતું અને બાળકો મોટા માણસોનું પણ અનુકરણ કરે છે, આપણે જયારે કોઈ બાળકને આપણી બાઈક કે કારમાં બેસાડીએ તો તે પણ ડ્રાઈવ કરવાનો પ્રયત્ન કરતા હોય છે, પરંતુ ઘણીવાર આવું જોખમ કારક પણ બની જતું હોય છે, આવો જ એક કિસ્સો હાલ રાજકોટમાંથી સામે આવ્યો છે, જ્યાં એક 4 વર્ષના માસુમનું મોત થયું છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટના જેતપુર તાલુકામાં આવેલા આરબ ટીંબડી ગામના સિમ વિસ્તારની  માટે આવેલા મધ્યપ્રદેશના લક્ષ્મણભાઈ બારેલાનો 4 વર્ષીય દીકરો દિપક રમતા રતમાં ત્યાં ઉભેલા એક ટ્રેકટર પર ચડી ગયો અને તેને ટ્રેકટરને સેલ્ફ મારી દીધો, જેના બાદ ટ્રેકટર ચાલવા લાગ્યું અને થોડે આગળ આવેલા કુવા સાથે અથડાતા બાળક અને ટ્રેકટર બંને 70 ફૂટ ઊંડા કુવાની અંદર પડી ગયા.

આ ઘટના અંગે લોકોને જાણ થતા જ તેમને ફાયર બ્રિગેડને જાણ કરી જેના બાદ ફાયર બ્રિગેડ, મામલતદાર, સરપંચ અને નગર પાલિકાના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. નગર પાલિકાની ફાઈટર ટીમ દ્વારા સતત 6 કલાકની મહેનત બાદ રાત્રે 11.30 કલાકે ટ્રેકટર બહાર કાઢવામાં સફળતા મળી હતી, જેના બાદ રાત્રે 11.55 કલાકે બાળકને બહાર કાઢવામાં આવ્યું હતું, આ દરમિયાન બાળકનું મોત થઇ ગયું હતું.

બાળકનું મોત થતા જ પરિવાર માથે દુઃખોનું આભ તૂટી પડ્યું હતું, બાળક પડ્યું ત્યારથી પરિવારના હૈયાફાટ રુદન વચ્ચે માહોલ પણ ગમગીન બન્યો હતો. બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જેતપુર સિવિલ હોસ્પિટલમાં ખેસડવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈને ગ્રામજનોમાં પણ અરેરાટી વ્યાપી ગઈ હતી.

Niraj Patel