રાજકોટ : ગેમ ઝોન અગ્રિનકાંડમાં સરકારનું મોટુ એક્શન, નગર નિગમ અધિકારીઓ અને પોલિસ ઓફિસર સહિત 6 સસ્પેંડ

રાજકોટ TRP ગેમિંગ ઝોન અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં 28 લોકોના મોત થયા છે જેમાં 12 બાળકોનો સમાવેશ થાય છે. આ મામલે રાજ્યભરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે રાજ્ય સરકારે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ સહિત 6 લોકોને સસ્પેન્ડ કર્યા છે. રાજકોટ મહાનગરપાલિકાના બે અધિકારીઓ મદદનીશ ઈજનેર જયદીપ ચૌધરી અને ટાઉન પ્લાનર ગૌતમ જોશીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ સાથે માર્ગ અને બાંધકામ વિભાગના બે અધિકારીઓ એડિશનલ એન્જિનિયર પારસ કોઠિયા અને ડેપ્યુટી એન્જિનિયર એમઆર સુમાને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાથે જ પોલીસ વિભાગના બે અધિકારીઓ પોલીસ ઈન્સ્પેક્ટર એન.આર.રાઠોડ અને પોલીસ ઈન્સ્પેક્ટર વી.આર.પટેલને પણ સસ્પેંડ કરાયા છે. જણાવી દઇએ કે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવિવારે રાજકોટ ગેમ ઝોન અકસ્માત સ્થળની મુલાકાત લીધી હતી અને નિરીક્ષણ કર્યું હતું.

આ ગંભીર ઘટના માટે જવાબદારો સામે કડક શિક્ષાત્મક પગલાં ભરવા સૂચના આપવામાં આવી છે. આ પછી જ રાજ્ય સરકારે 6 અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો. શનિવારે રાજકોટના TRP ગેમ ઝોનમાં ભીષણ આગ ફાટી નીકળી. આગ એટલી ભયાનક હતી કે આખું માળખું બળીને રાખ થઈ ગયું હતું. ગેમ ઝોનમાંથી બહાર નીકળવા અને પ્રવેશવા માટે 6 થી 7 ફૂટનો એક જ રસ્તો હતો.

ગેમ ઝોનમાં પ્રવેશ માટે 99 રૂપિયાની સ્કીમ હતી, જેના કારણે અકસ્માત સમયે ગેમ ઝોનમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા. આ કેસમાં રાજ્ય સરકારે પાંચ સભ્યોની SITની રચના કરી હતી. ગુજરાત હાઈકોર્ટે પણ સ્વત: સંજ્ઞાન લીધું છે. સુનાવણી દરમિયાન હાઈકોર્ટની સ્પેશિયલ બ્રાન્ચની બેન્ચે તેને માનવસર્જિત આપત્તિ ગણાવી હતી. કોર્ટે કહ્યું હતું કે ગેમિંગ ઝોનના નિર્માણ અને સંચાલન માટે નિયમિત અને યોગ્ય નિયમોનું પાલન કરવામાં આવતું નથી.

આ સાથે કોર્ટે કહ્યું કે અમદાવાદમાં સિંધુભવન રોડ, સરદાર પટેલ રિંગ રોડ અને એસજી હાઈવે પરના ગેમિંગ ઝોન જાહેર સલામતી માટે જોખમી છે. હાઈકોર્ટે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે સ્પષ્ટતા માંગી હતી. કોર્ટે કહ્યું હતું કે કોર્પોરેશને ખુલાસો કરવો પડશે કે આ ગેમિંગ ઝોનને ચલાવવાની પરવાનગી કાયદાની કઈ જોગવાઈ હેઠળ આપવામાં આવી હતી. હાઈકોર્ટે આદેશ કર્યો હતો કે કોર્પોરેશન એક દિવસમાં આ માહિતી આપે. આ સાથે કોર્ટે ફાયર સેફ્ટીના નિયમોના પાલન અંગે પણ સ્પષ્ટતા માંગી છે.

Shah Jina