રાજકોટની પ્રખ્યાત શિવ શક્તિ ડેરીમાં એક જ પરિવારના ચાર સભ્યોએ એક સાથે જ મોતને વહાલું કરવાનો કર્યો પ્રયાસ

દેશભરમાં કોરોના સંક્ર્મણના અને લોકડાઉનના કારણે ઘણા લોકોના વેપાર ધંધા બંધ પડી ગયા છે, ઘણા લોકોના રોજગાર પણ છીનવાઈ ગયા છે જેના કારણે આર્થિક સંકળામણથી પરેશાન બનેલા લોકો સમય કરતા વહેલા મોતને વહાલું કરી લેતા હોય છે. ઘણી જગ્યાએથી સામુહિક આપઘાતના મામલાઓ પણ સામે આવે છે, ત્યારે હાલ રાજકોટમાંથી એક એવો જ સામુહિક આપઘાતનો મામલો સામે આવી રહ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના માલવીય વિસ્તારમાં આવેલી શિવ શક્તિ ડેરીમાં એક જ પરિવારના 4 સભ્યોએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. એક જ પરિવારની 3 મહિલા અને એક પુરુષે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બાદમાં 108 મારફત તમામને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ચારેય લોકો દ્વારા ફીનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

પરિવારે કેમ આવું પગલું ભરવાનો વારો આવ્યો તેને લઈ ચર્ચાઓ જોર પકડી રહી છે સમગ્ર મામલે પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.  આ સામુહિક આપઘાત કરવા પાછળ જમીનનો વિવાદ કારણભૂત હોવાનું સામે આવ્યું છે. પરંતુ આ મુદ્દે હજી સુધીએ કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી.

આ પરિવાર દ્વારા આપઘાતનો પ્રયાસ કરતા પહેલા પોલીસ કમિશ્નરને અરજી કરી હતી. તેમાં જણાવ્યું હતું કે, તેઓ ગૌતમનગર વિસ્તારમાં રહે છે. આ જગ્યા પર છેલ્લા 30થી 35 વર્ષ થયા જમીન વેચાતી લઈને કાચા પાકા મકાનો બનાવીને રહે છે. આ જમીન એક હજાર રૂપિયે વાર હતી. ત્યારથી ખરીદી અત્યારે એક લાખની વા૨ જમીન છે. આવી તેજીનાં ભાવથી અમુક લોકો માથાભારે ઝનૂની લાગવગવાળા રાજકીય ઓથ ધરાવનારા અને પૈસાપાત્ર લોકોની નજર આ જમીન ઉપ૨ પડી છે. આથી ઘણા સમય પહેલા અમારી જાણ બહાર આ જમીનના સાચા ખોટા કાગળીયા બનાવી અમોને અહીંથી કાઢી મૂકવા ષડયંત્ર ગોઠવાય ગયું છે. જેમાં શામ, દામ, દંડ, ભેદ નીતિ રીતિ અપનાવાય રહી છે.

તો આ બાબતે મળી રહેલી માહિતી અનુસાર એક જ પરિવારના આ ચાર વ્યક્તિઓ અચાનક ડેરી પાસે આવ્યા હતા અને પાણીની બોટલ પીવે એમ ફિનાઇલ પીવા લાગ્યા હતા. જમીન વિવાદને લઈ ચારેય લોકો આવ્યા હોવાની શક્યતા છે. અમને દબાવવા માટે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની શક્યતા છે, તેમ દુકાન માલિકે જણાવ્યું હતું. માલવિયાનગર પોલીસે સ્ટેશનના અધિકારીઓ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે, આપઘાત પ્રયાસ અંગેનું કારણ હજી સુધી સ્પષ્ટ થયું નથી.

Niraj Patel