25 મે શનિવારના રોજ રાજકોટના કાલાવાડ રોડ પર આવેલ TRP ગેમ ઝોનમાં આગ ફાટી નીકળી હતી અને આ આગમાં 27થી વધુ લોકોના મોત થયાં છે. આગ એટલી ભયાનક હતી કે તેમાં ભડથુ થયેલ લોકોની ઓળખ DNA દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે આજે એટલે કે 27 મેના રોજ અગ્નિકાંડમાં મોતને ભેટેલાં લોકોના મૃતદેહ પરિવારને સોંપવામાં આવી રહ્યા છે.
મૃતક સુનિલભાઈ લગભગ 15 દિવસ પહેલા જ પરિવારનું ગુજરાત ચલાવવા નોકરી પર લાગ્યા હતા અને આગને કારણે ફસાયેલા લોકોને બચાવવા અંદર રહ્યા. જો કે, પોતે જ કાળનો કોળ્યો બન્યાં. ત્યારે સુનિલભાઈ સિધ્ધપુરાનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો અને તેમના રામનાથપરા સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર કરાયા હતા. આ પછી ગોંડલના સત્યપાલસિંહ જાડેજાનો મૃતદેહ પરિજનોને સોંપવામાં આવ્યો.
એવી માહિતી છે કે આજે ચાર લોકોના મૃતદેહ તેમના પરિજનોને સોંપવામાં આવ્યાં છે. મૃતકોના સ્વજનો રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં મૃતદેહ લેવા માટે તળવળી રહ્યાં છે. આ વચ્ચે સ્વજનોના મૃતદેહ ન મળતાં તેઓ રોષે પણ ભરાયા. પોલીસ અને લોકો વચ્ચે રકજક થયા બાદ મૃતકના પરિજને કહ્યું કે, જીવ તો લઇ લીધો, હવે મૃતદેહ તો આપી દો. અમે અહીં પૈસા લેવા માટે નથી આવ્યાં.
ઉલ્લેખનીય છે કે પ્રાપ્ત માહિતી અનુસાર, આ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરાઇ છે, જે ગોંડલનો રાહુલ રાઠોડ છે. આજે વહેલી સવારે રાહુલ રાઠોડ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં હાજર થયો હતો. એવું કહેવાઇ રહ્યુ છે કે રાહુલની ભાગીદારની દેખરેખ હેઠળ વેલ્ડિંગની કામગીરી થઇ રહી હતી.
View this post on Instagram