કેનેડાથી સગાઈ કરવા રાજકોટ આવ્યો… 7 દિવસમાં જ યુવક-યુવતી ‘મોતના ગેમ ઝોન’માં ભૂંજાયા
રાજકોટ TRP ગેમ ઝોનમાં લાગેલી આગમાં 28 લોકો ભડથુ થયા છે, જેમાં 12 બાળકો સામેલ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કેનેડાથી પરત ફરેલ યુવક સાથે તેની ભાવિ પત્ની અને સાળી પણ આ દુર્ઘટનાનો શિકાર બન્યા હતા. યુવક અને યુવતીના ટૂંક સમયમાં લગ્ન થવાના હતા, પરંતુ લગ્ન પહેલા જ બંનેનું મોત નીપજ્યું.
મૂળ રાજકોટનો અક્ષય ઢોલરિયા કેનેડામાં નોકરી કરતો હતો. જેની સગાઈ અમદાવાદના મેઘાણીનગરમાં રહેતી ખ્યાતિ સાવલિયા સાથે અઠવાડિયા પહેલા જ થઈ હતી. બંનેએ કોર્ટ મેરેજ પણ કર્યા હતા અને ડિસેમ્બરમાં સામાજિક રીતિ-રિવાજ મુજબ લગ્ન કરવાના હતા. અક્ષય 10 દિવસ પહેલા કેનેડાથી પરત ફર્યો હતો. અક્ષય, ખ્યાતિ અને અક્ષયની સાળી શનિવારે TRP ગેમ ઝોનમાં પહોંચ્યા હતા. જ્યાં ત્રણેયના મોત થયા.
ખ્યાતિ અને હરિતાના માતા-પિતાએ ડીએનએ સેમ્પલ જમા કરાવ્યા છે. અક્ષયના પિતા અને માતા અમેરિકામાં રહે છે. પુત્રના મૃત્યુના સમાચાર મળતા તેઓ પણ રાજકોટ આવી રહ્યા છે. તેઓ રાજકોટ આવ્યા પછી રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચી ડીએનએ સેમ્પલ આપશે.