ખબર

રાજકોટમાં પિતાએ દીકરા-દીકરીને કોરોનાની દવા છે એમ કહીને પીવડાવ્યું ઝેર, પિતાએ પણ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, સુસાઇડ નોટમાં લખ્યું 2.12 કરોડ

કોરોના મહામારીના કારણે ઘણા પરિવારો વેર વિખેર થઇ ગયા છે, તો ઘણા પરિવારોની આર્થિક હાલત કફોળી બનાવના કારણે તે આપઘાત કરવાનું પગલું પણ ભરતા હોય છે. થોડા સમય પહેલા જ આર્થિક સંકટમાં ફસાયેલા વડોદરાના એક પરિવાર દ્વારા સામુહિક આપઘાત કરવામાં આવ્યો હતો ત્યારે હાલમાં જ રાજકોટમાંથી એક સામુહિક આપઘાત કરવાનો કિસ્સો સામે આવ્યો છે.

શાસ્ત્રીનગરના શિવનગરમાં રહેતા કમલેશભાઈ લાબડીયાએ પોતાના દીકરા અને દીકરીને કોરોનાની દવા જણાવી ઝેર પીવડાવ્યા બાદ પોતે પણ ઝેર ગટગટાવી લીધું હતું. ત્યારબાદ ત્રણેય બેભાન થઇ ગયા હતા. આ ઘટનાની પત્નીને જાણ થતા બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામમાં આવ્યા હતા.

પોલીસે આ બાબતે તેમની પત્નીને પૂછતાં પત્ની અને તેના ભાઇએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, “એડવોકેટ આર.ડી.વોરાના એક સંબંધીને અમારૂ મકાન વેચ્યું હતું. જે રૂપિયા 1.20 કરોડનો સોદો થયા બાદ રૂપિયા 20 લાખ અમોને આપી દીધા હતા અને બાદમાં 1 કરોડની માંગણી કરતાં આર.ડી.વોરાએ પોલીસમાં અમારા વિરૂદ્ધ અરજી કરી હેરાનગતિ કરતા હતા. તેમાં ત્રાસથી કંટાળી આજે મધરાત્રે આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

મળતી માહિતી અનુસાર ઘટનાને પગલે રાજકોટ તાલુકા પોલીસ મથકનાં સ્ટાફે ત્રણેયનું નિવેદન લેવા કાર્યવાહી કરી હતી. જોકે હાલ ત્રણેય બેભાન હોય તેમના પરિવારજનોના નિવેદન લેવા કાર્યવાહી કરી અને તેની પાસેથી મળી આવેલી સુસાઇડ નોટનાં આધારે તપાસ શરૂ કરી છે.

કમલેશભાઈએ આત્મહત્યાનો પ્રયાસ કરતા પહેલા સુસાઇડ નોટમાં લખ્યું છે કે “મારે મરવાનું કારણ આર.ડી.વોરા તથા દિલીપભાઇ કોરાટ જેણે મારૂ મકાન લીધું છે. રૂપિયા 65 લાખનો ખોટો આરોપ મુકેલ છે. મારી પાસે અત્યારે પાંચ હજાર રૂપિયા પણ નથી કાર અને મકાનનાં ચાર હપ્તા ચડી ગયા છે. 2 કરોડ 12 લાખ મારા દિનેશ તથા ભાવીન લઇને જતા રહ્યાં છે. ત્યારબાદ મારી મુંઝવણ સતત વધી ગઇ છે. મને ખબર છે હું સમજી વિચારીને જ આ પગલુ ભરૂ છું. છેલ્લે લાખની જરૂર હતી તો નરેન્દ્ર પુજારાને મેં સાટાખત ભરીને 12 લાખ સાટાખતનાં ભરેલા છે. ઘણુ બધુ લખવું છે ઉતાવળમાં લખુ છું. સમય નથી મને બધા બહુ યાદ આવે છે. મરવુ સહેલું નથી પણ મજબૂરી છે. કોરોનામાં કામકાજ નથી અને સમય ખરાબ ચાલી રહ્યો છે. બધાના નામ નથી લેતો પણ બધાને જયશ્રી કૃષ્ણ.”

વધુ મળતી માહિતી અનુસાર કમલેશભાઇ 45 વર્ષીય રામકૃષ્ણભાઇ લાબડીયા ગઇકાલે સાંજે બહારથી ઝેરી દવા ઘરે લઇ આવ્યા હતા. રાત્રે બધાને કહ્યું કે આ કોરોનાની દવા છે આ દવા પીધા બાદ કોરોના ન થાય. જેથી તેમની 22 વર્ષીય પુત્રી કૃપાલી , 21 વર્ષીય પુત્ર અંકિત તેમજ 42 વર્ષીય પત્ની જયશ્રીબેનને આપી હતી.જોકે જયશ્રીબેને આ દવા પીવાની ના પાડી દીધી હતી અને કમલેશભાઇએ તેમના પુત્ર અને પુત્રી સાથે મળી આ દવા ગટગટાવી લીધી હતી ત્યારબાદ બાદ તેમની તબીયત લથડતાં તુરંત જ પત્નીએ પહેલા ખાનગી અને ત્યારબાદ સરકારી હોસ્પિટલે સારવાર માટે ખસેડ્યા હતાં.