ખબર

રાજકોટમાં રેસ્ટોરન્ટમા હોસ્પિટલ શરૂ કરીને કોવિડ પેશન્ટની સારવાર કરતો નકલી ડોક્ટર પકડાયો

નકલી ડોક્ટરનો એક દિવસનો ચાર્જ સાંભળીને હોંશ ઉડી જશે

કોરોના મહામારી આખા દેશની સાથે ગુજરાતમાં પણ તેનો કહેર વરસાવી રહી છે. ગુજરાતમાં રોજના હજારો કેસ સામે આવે છે ત્યારે મહાનગરોની હાલત ખુબ જ કફોળી બની છે. ઘણી હોસ્પિટલમાં બેડ પણ ખાલી નથી ત્યારે આવા સમયમાં ઘણા લોકો મહામારીનો ફાયદો પણ ઉઠાવી રહ્યા છે અને પોતાના ખિસ્સા ભરવાનું વિચારે છે.

આવો જ એક કિસ્સો રાજકોટમાંથી સામે આવ્યો છે, જ્યાં એક રેસ્ટોરન્ટમાં પિતા-પુત્ર કોઈપણ જાતની મંજૂરી વગર કોરોના સંક્રમિત દર્દીઓને સારવાર આપી રહ્યા હતા. નકલી ડોક્ટર બની દર્દીઓ પાસેથી એક દિવસના 18,000 રૂપિયા ચાર્જ પણ વસુલતા હતા.

પિતા હેમંત રાજાણી અને પુત્ર શ્યામ રાજાણી સામે અગાઉ પણ બોગસ તબીબ અને સિવિલ હોસ્પિટલમાંથી દવા ચોરી કરી હોવાના ગુન્હા નોંધાઈ ચુક્યા છે. ત્યારે આ બાબત પોલીસના ધ્યાને આવતા રેસ્ટોરન્ટમાં કોરોના દર્દીઓની સારવાર કરતા નકલી ડોક્ટર પિતા હેમંત રાજાણીની ધરપકડ કરવામાં આવી છે અને પુત્ર શ્યામ રાજાણીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

રાજકોટ પોલીસને આ બાબતે બાતમી મળી હતી કે રાજકોટમાં આવેલા કુવાવાડા રોડ પર હોટલ ધ ગ્રેટ ભગવતી હોટલ એન્ડ રેસ્ટોરન્ટમાં લોકોની સતત અવરજવર રહે છે. જેના કારણે પોલીસે તપાસ કરતા તે પણ ચોંકી ગઈ હતી.

આ રેસ્ટોરન્ટમાં પિતા પુત્ર દ્વારા કોરોનાના દર્દીઓની સારવાર કરવામાં આવી રહી હતી. રેસ્ટોરન્ટમા ચાલતી આ હોસ્પિટલમાં કોરોનાના કેટલાક પોઝિટિવ દર્દીઓ દાખલ પણ થયા હતા. તો કેટલાક દર્દીઓને ઓક્સિજન સિલિન્ડરથી સપ્લાય આપવામાં આવી રહ્યો હતો. તો કેટલાકના શરીર પર બાટલા ચઢાવાયેલા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યુ કે, શ્યામ હેમંતભાઈ રાજાણી આ કોરોનાના દર્દીઓની સારવાર કરે છે. તેમજ હેમંતભાઇ રાજાણી પોતાના દીકરાને આમાં મદદ કરે છે.

ત્યારે આ બાબતે પોલીસે બોગસ તબીબ પિતાપુત્ર સામે ગુન્હો દાખલ કરી લીધો છે. હેમંતભાઇ રાજાણી કે તેના દિકરા શ્યામની પાસે કોઇ માન્ય સંસ્થાનું તબીબી પ્રેક્ટીસ કરવા માટે કોઇ ડીગ્રી કે પ્રમાણપત્ર હતું નહીં. પોલીસને એ પણ માહિતી મળી કે શ્યામ રાજાણી અગાઉ પણ બોગસી તબીબી પ્રેક્ટિસ કરતા ઝડપાઈ ચૂક્યો છે.