વધુ એક પરણિતાનો આપઘાત ! રાજકોટના ધોરાજીમાં સાસરિયાના ત્રાસથી પરણિતાએ ગળે ફાંસો ખાઇ ટૂંકાવ્યુ જીવન

ગુજરાતમાંથી ઘણીવાર આપઘાતના મામલાઓ સામે આવે છે. કેટલીકવાર તો પ્રેમ સંબંધ કે શારીરિક ત્રાસ કારણ હોય છે તો કેટલીકવાર સાસરિયાની હેરાનગતિ. છેલ્લા દિવસોમાં જ એક કિસ્સો સામે આવ્યો હતો. જેમાં સુરતની એક પરણિતાનું ઝેરી દવા પીધેલી હાલતમાં મોત થયુ હતુ. આ મહિલાનો તેના પિતા સાથેનો ઓડિયો પણ વાયરલ થયો હતો અને એવું પણ સામે આવ્યુ હતુ કે તેનો પતિ અને સાસરિયાના ત્રાસ ઘણો જ છે અને તે લોકો તેને ખાવામાં કંઇક નાખી મારવા માગે છે. જો કે, આ મામલે હજુ કાર્યવાહી થઇ રહી છે ત્યાં બીજો એક કિસ્સો સામે આવ્યો છે.

રાજકોટના ધોરાજીમાં રહેતી એક પરિણીતાએ 12 ફેબ્રુઆરીના રોજ ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો અને આ અંગે પરિણીતાના ભાઇએ પોલિસ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેને મરવા મજબૂર કરવા પતિ, સાસુ-સસરા અને નણંદ-નણંદોઇ સામે ગુનો દાખલ કરાયો છે. પરિણીતાએ આત્મહત્યા પહેલા તેના ભાઇને મેસેજ કર્યો હતો અને તેના મોબાઇલનો પાસવર્ડ પણ મોકલ્યો હતો. જેમાં આપઘાત પહેલાનો વીડિયો અને આપઘાતનું કારણ છે. જણાવી દઇએ કે, ખંભાળિયાના મોવાણ ગામના વતની અપિલભાઇ જોગલ દ્વારા ધોરાજી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ ફરિયાદમાં આરોપી તરીકે ધોરાજીના જમનાવડમાં રહેતા બનેવી અનિલ ગોજીયા, બહેનના સસરા પરબત ગોજીયા, સાસુ રાધાબેન, નણંદ નીકીતાબેન ડાંગર અને નણંદોઇ પ્રવિણ ડાંગરના નામ છે. ફરિયાદીની બહેન વીજુ ઉર્ફે વૈશાલીના લગ્ન મૂળ જામખંભાળિયાના કોઠા વિસોત્રી ગામના વતની પરબતભાઈ ગોજીયાના પુત્ર અનિલ સાથે 28 નવેમ્બર 2021માં થયા હતા, તેઓ હાલ ધોરાજીમાં જમનાવડ રોડ પર રહે છે. લગ્નના પાંચેક મહિના સુધી તો બહેનનો ઘરસંસાર સારી રીતે ચાલ્યો પણ તે બાદ મૃતક પ્રસંગોપાત મોવાણા આંટો મારવા આવી.

પ્રતિકાત્મક તસવીર

ત્યારે ઘરના સભ્યોને વાત કરી કે સાસુ અને સસરા બંને અવારનવાર રસોઈમાં રોટલી કેમ વધી ? શાક-રોટલી બરાબર બનાવતી નથી તેમ કહી મેણાટોણા મારે છે અને નણંદ અને નણંદોયા દર શનિ-રવિની રજામાં અહીં આવી મેણાટોણા મારે છે. પતિ મને દવાખાને લઈ જતો નથી અને અવારનવાર પૈસાની માગણી કરે છે. તેને કોઈ જરૂરી વસ્તુ ખરીદવી હોય તો પણ નથી ખરીદવા દેતો અને ઝઘડા કરે છે. જો કે, તેઓએ એ સમયે એવું કહ્યુ હતુ કે, દીકરીને સાસરિયામાં આવું ચાલ્યા કરે, સહન કરી લેવાનું.

પ્રતિકાત્મક તસવીર

ત્યારે 25 દિવસ પહેલા વૈશાલી ફરી માવતર આંટો મારવા આવી તો તેણે કહ્યુ કે, તમારા સમજાવ્યા પ્રમાણે સહન કરીને રહું છું, પણ સાસુ-સસરા અને નણંદ-નણંદોયા દુઃખ અને ત્રાસ આપવાનું બંધ નથી કરતા. પતિ પણ અવાર નવાર કહે છે કે, તું તારા પપ્પાના ઘરેથી પાંચ લાખ રૂપિયા લેતી આવ. આ ઉપરાંત નણંદ કહે છે કે મને મારા પપ્પાએ 30 તોલા સોનું આપ્યું છે, તું પણ લેતી આવ. ત્યારે તેઓએ મૃતકને આશ્વાસન આપ્યું હતું કે, તેઓ તેના પતિ અનિલને વાત કરી સમજાવશે, તને કોઈ દુઃખ ત્રાસ આપે તો ફોન કરજે અમે આવીશું.

જો કે, આ દરમિયાન તે પિયર 10 દિવસ રોકાઇ હતી અને પછી પતિ લેવા આવતા ફરિયાદીએ બનેવીને કહ્યું કે, બહેનને પૈસા બાબતે કેમ હેરાન કરો છો. ત્યારે અનિલે કહ્યુ કે, હવે તમારી બહેનને કોઈ હેરાન નહીં કરે. 12 ફેબ્રુઆરીના રોજ ફરિયાદીએ પોતાનો ફોન જોયો તો તેમાં મૃતક વીજુનો મેસેજ આવ્યો હતો, અને લખ્યું હતું કે, ભાઈ મારો મોબાઇલનો લોક 5054 છે. જોકે, મેસેજ પર શંકા જતા તેણે તુરંત બહેનને ફોન કર્યો પણ બહેને ફોન ન ઉપાડ્યો અને કંઈક અજુગતું બન્યાની તેને શંકા ગઈ.

પ્રતિકાત્મક તસવીર

જે બાદ તેણે બનેવીને ફોન કર્યો અને ત્યારે તેમણે કહ્યું કે હું નીચે સૂતો છું અને વૈશાલી ઉપરના રૂમમાં સૂતી છે. જો કે, થોડીવાર પછી તેણે ફોન કર્યો તો વૈશાલી દરવાજો ખોલતી ન હોવાનું કહ્યુ અને પછી ગળેફાંસો ખાઈ લીધો હોવાનું માલુમ પડ્યું. પરિણીતાના ભાઈની ફરિયાદ આધારે પોલીસે તેના પતિ સહિતના સાસરિયાઓ સામે મરવા મજબૂર કરવા અંગે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

Shah Jina