રાજકોટની કાળજું કંપાવી દે તેવી ઘટના : મીઠાપુરના પ્રેમીયુગલે ટ્રેન હેઠળ પડતું મૂકી સજોડે કર્યો આપઘાત…

રાજકોટમાં પ્રેમસંબંધમાં યુવક-યુવતિએ સજોડે કર્યો આપઘાત, પ્રેમિકાની સગાઈ થતાં ટ્રેન આગળ પડતુ મૂકી ટૂંકાવ્યુ જીવન

ગુજરાતમાંથી ઘણીવાર આપઘાતના કિસ્સા સામે આવે છે, જેમાં કેટલાક લોકો પ્રેમ સંબંધમાં તો કેટલાક અવૈદ્ય સંબંધમાં તો કેટલાક લોકો માનસિક ત્રાસને કારણે આપઘાત કરી લેતા હોય છે. ત્યારે હાલમાં એક આપઘાતનો મામલો રાજકોટમાંથી સામે આવ્યો છે. જેમાં મીઠાપુરના એક પ્રેમીયુગલે રાજકોટમાં ખંઢેરી નજીક સજોડે ટ્રેન હેઠળ ઝંપલાવી જીવન ટૂંકાવી લીધું. ઘટનાને લઇને રાજકોટ રેલ્‍વે પોલીસનો સ્‍ટાફ દોડી ગયો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, મહેન્દ્રસિંહ વાઘેલા અને સુમી કેર મીઠાપુરના આરંભડા ગામનાં રહેવાસી હતા અને બંને રવિવારથી ગુમ હતા. મહેન્‍દ્રસિંહ અને સુમીબેન એક જ ગામમાં રહેતાં હોવાને કારણે બંને વચ્‍ચે પ્રેમસંબંધ બંધાયો હતો. પણ સુમીબેનની છ મહિના પહેલા સગાઇ થઇ ચુકી હતી અને પ્રેમિકાની સગાઈ થઇ જતા બંને એક નહિ થઇ શકાય તેમ લાગતાં રવિવારે બંને ગામમાંથી નીકળી ગયા અને બાઇક પર રાજકોટના ખંઢેરી પાસે આવ્‍યા.

જ્યાં તેઓ ટ્રેન આવતી જોઇ બાઇક સાઇડમાં મુકી એકસાથે ટ્રેન હેઠળ કૂદી ગયા. જો કે, બંનેએ ટ્રેન આગળ ઝંપલાવતાં દેહના તો ફુરચા ઉડી ગયા હતાં. મૃતદેહની હાલત એવી હતી કે પોટલા વાળીને પીએમ માટે સિવિલ હોસ્‍પિટલ ખસેડવાની ફરજ પડી હતી. ત્યારે આ બાબતની જાણ પરિવારજનોને કરાતાં બંનેના સ્‍વજનો રાજકોટ પહોંચ્‍યા હતાં અને મૃતદેહને ઓળખી બતાવ્‍યા હતાં.

પરિજન હોસ્‍પિટલ પહોંચ્‍યા ત્‍યારે દ્રશ્‍ય જોઇ ઉંડા શોકમાં ગરકાવ થઇ ગયા હતાં. પોલીસ તપાસમાં સામે આવ્યુ કે, મૃતક મહેન્‍દ્રસિંહ વાઘેલા બે ભાઇ અને બે બહેનમાં નાના હતાં, અને તેઓ ગામમાં જ આવેલી ફેક્‍ટરીમાં નોકરી કરતાં હતાં. જ્‍યારે સુમીબેન ચાર બહેન તથા એક ભાઇમાં નાના હતા અને તેના પિતા રિક્ષાચાલક છે.

Shah Jina