રાજકોટ સ્વામિનારાયણ સંપ્રદાયના 4 સ્વામી સહિત 8 લોકોએ ગૌશાળા અને મંદિર બનાવવાના નામે 3.40 કરોડનું કરી નાખ્યું
સ્વામિનારાયણ સંપ્રદાયના ચાર સ્વામીઓ વિવાદોમાં ઘેરાયા છે. રાજકોટના જસ્મીન માઢકે સ્વામિનારાયણ સંપ્રદાયના 4 સ્વામી સહિત 8 લોકો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. તેમના પર મંદિર બનાવવાના નામે કરોડો રૂપિયા પડાવ્યાના આરોપ છે.
જૂનાગઢ શ્રીધામ ગુરુકુળ ઝાલણસરના વિજયપ્રકાશ સ્વામી ઉર્ફે વીપી સ્વામી, અંકલેશ્વર ઋષિકુળ ગૌધામના માધવપ્રિય સ્વામી ઉર્ફે એમપી સ્વામી, જૂનાગઢ તળેટી રોડ સ્વામિનારાયણ મંદિરના જયકૃષ્ણસ્વામી ઉર્ફે જેકે સ્વામી, આણંદ સિદ્ધેશ્વર ગૌશાળાના દેવપ્રકાશ સ્વામી ઉર્ફે દેવપ્રિય સ્વામી, સુરતના લાલજી બાવભાઈ ઢોલા, સુરેશ ઘોરી, પીપળજના ભૂપેન્દ્ર શનાભાઈ પટેલ અને વિજય આલુસિહ ચૌહાણના નામ ફરિયાદમાં સામેલ છે.
ફરિયાદ અનુસાર, તેમણે મંદિર બનાવવા માટે જગ્યા જોઈતી હોવાનું કહી લોકો પાસેથી કરોડો રૂપિયાની છેતરપીંડી આચરી. આ સાથે જસ્મીન માઢકે રૂપિયાની લેતી-દેતીના વીડિયો રેકોર્ડિંગ પણ પોલીસ સમક્ષ રજૂ કર્યા છે. જસ્મીન માઢક રાજકોટના નવલનગરમાં રહે છે અને મેઘાણી રંગ ભવનમાં ઓફિસ ધરાવે છે.
તેઓ જમીન-મકાનનું કામ કરે છે. તેમણે સ્વામિનારાયણ સાધુઓ સહિત 8 લોકો સામે 3.40 કરોડની છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ મામલાની તપાસ ઈઓડબલ્યુને સોંપવામાં આવી છે. જો કે પોલીસ હજુ સુધી એકપણ આરોપીની ધરપકડ કરી શકી નથી.