રાજકોટમાં યુવાનો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. BBAના બીજા વર્ષમાં અભ્યાસ કરનારા ક્રિષ્ના પંડિત નામના વિદ્યાર્થીએ બુધવારના રોજ ફિનાઇલ પી ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો છે. વિદ્યાર્થીએ આપઘાત ઓનલાઇન સટ્ટામાં રૂપિયા હારી જવાના કારણે કર્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસ દ્વારા સમગ્ર મામલે મૃતકનો ફોન કબજે કરવામાં આવ્યો છે. તો સાથે જ મૃતકના ફોનને પરીક્ષણ અર્થે એફએસએલમાં મોકલવામાં આવશે.
મીડિયા સાથેની વાતચીતમાં, પરિવારજનો દ્વારા ઓનલાઇન સટ્ટા પર સરકાર દ્વારા પ્રતિબંધ લાદવામાં આવે તે પ્રકારની માંગણી કરવામાં આવી છે. તો સાથે જ ઓનલાઇન સટ્ટાને લગતી વેબસાઈટ તેમજ એપ્લિકેશનની જાહેરાતો પ્રમોટ કરવામાં ન આવે જેથી યુવા ધન ઓનલાઇન સટ્ટા તરફ આકર્ષાઈ નહિ. મૃતક વિદ્યાર્થી ક્રિષ્ણા પંડિત દ્વારા આપઘાત કરતા પૂર્વે એક સ્યુસાઈડ નોટ મોબાઇલમાં લખવામાં આવી હતી. તેમજ મોબાઇલનો પાસવર્ડ શું છે? તેમજ મોબાઈલમાં સ્યુસાઈડ નોટ લખવામાં આવી છે તે સહિતની વિગતો દીવાલ પર લખવામાં આવી હતી.
મૃતકના પિતા રમાકાંત પંડિતે જણાવ્યું હતું કે, માતા પિતાએ પોતાના બાળકોનું સવિશેષ આજના યુગમાં ધ્યાન રાખવું જોઈએ. ખાસ કરીને પોતાના બાળકોને ઓનલાઈન રૂપિયા આપવાની જગ્યાએ તેમને જરૂરીયાત હોઈ તેટલા રૂપિયા જ આપવા જોઈએ. ક્રિષ્ના પંડિત ઓનલાઇન સટ્ટો રમતો હતો તે બાબતથી પરિવારજનો અજાણ હતા. તેમજ પોતે આત્મહત્યા સુધીનું પગલું ઓનલાઇન સટ્ટામાં હારી જવાના કારણે ભરવા જઈ રહ્યો છે તે બાબત અંગે પણ પરિવારજનો સાથે કોઈ વાતચીત નહોતી કરી.
મૃતકના પિતરાઈ સત્યમભાઇએ જણાવ્યું કે, બનાવ બન્યો ત્યારે હું અમદાવાદ ખાતે હતો. મારો ભાઈ કોઈ ઓસ્ટ્રેલિયન વેબસાઈટમાં ઓનલાઈનના માધ્યમથી સટ્ટામાં રૂપિયા હારી ગયો હતો. ભારતમાં ઘણી ઓનલાઈન બેટિંગ એપ્લિકેશન અવેલેબલ છે. ત્યારે સરકારને અમે કહેવા માગીએ છીએ કે તેમના દ્વારા ઓનલાઈન બેટિંગ એપ્લિકેશન પર પાબંધી લાવવામાં આવે તો સાથે જ તેની જાહેર ખબર ઉપર પણ પાબંધી લાદવામાં આવે જેથી યુવા વર્ગના વ્યક્તિઓ તેની તરફ આકર્ષાઈ નહીં.
આપઘાત કરતા પૂર્વે મૃતકે સ્યુસાઈડ નોટ લખી હતી. જેમાં લખ્યું છે કે, હું આપઘાત કરવા જઈ રહ્યો છું કારણ કે મેં મારા તમામ પૈસા ગુમાવી દીધા છે. સટ્ટો રમવા માટે હું મારી જાતને રોકી શક્યો નહોતો જેના કારણે હું આપઘાત કરવા જઈ રહ્યો છું. સોરી મમ્મી પાપા હું દિલ અને દિમાગથી કમજોર થઈ ગયો છું. મને નથી લાગતું કે હું હવે જીવનમાં કંઈ પણ કરી શકીશ. એટલા માટે મેં નિર્ણય લીધો છે કે હું આખી જિંદગી મળતો રહું તેના કરતાં એકવાર મરી જાવ. મને મારા મિત્રોએ પણ બેટિંગને લઈને ખૂબ સમજાવ્યો હતો તેમ છતાં હું બેટિંગ કરતો રહેજો. મને માફ કરી દેજો. મારી આત્મહત્યા પાછળ કોઈ પણ વ્યક્તિની ભૂલ નથી માત્રને માત્ર મારી જ ભૂલ છે. જુગાર ખૂબ જ ખરાબ અને ખતરનાક બીમારી છે જે આ પ્રકારે જાન પણ લઈ શકે તેમ છે. હું મારી આત્મહત્યાથી આજ મેસેજ આપવા માંગું છું કે, જુગારથી છોકરાઓને બચાવો. પ્રિયાંશ પાસે મારી આખરી ઈચ્છા એ જ છે કે તું કંઈક એવું કરે કે જેનાથી જુગાર બંધ થઈ જાય.