ખબર

રાજકોટની સિવિલ હોસ્પિટલની અંદર મહિલા દર્દી ઉપર રાત્રે આચરવામાં આવ્યું દુષ્કર્મ, પરિવારને ફોન કરી જણાવી હકીકત

સિવિલમાં એડમિટ થયેલી મહિલાએ પોતાના પરિવારજનોને કર્યો ફોન, કહ્યું- કોઈએ મારી સાથે બળાત્કાર કર્યો

કોરોના મહામારીના વધતા પ્રકોપના કારણે હોસ્પિટલો પણ ભરાઈ રહી છે. ત્યારે રાજકોટમાં પણ એવી જ હાલત છે. રાજકોટની સિવિલની બહાર દર્દીઓ દાખલ થવા માટે લાંબી લાઈનોમાં પણ ઉભા રહેલા જોવા મળ્યા. ત્યારે હાલમાં રાજકોટ સિવિલમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક મહિલા ઉપર બળાત્કાર આચરવામાં આવ્યો હોવાનું સામે આવી રહ્યું છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ સિવિલ હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરમાં બુધવારના રોજ દાખલ થયેલી 58 વર્ષીય પ્રોઢાએ પોતાના સગાને ફોન કરીને પોતાની સાથે કોઈ વ્યક્તિએ બળાત્કાર ગુજાર્યો હોવાનું જણાવ્યું હતું. આ બાબતની જાણ પરિવારજનોને થતાં તેઓ તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા અને પ્રદ્યુમન નગર પોલીસ મથક ખાતે પહોંચી સમગ્ર મામલાની રજૂઆત પણ કરવામાં આવી હતી.

આ બાબતે દર્દીના એક સગા દ્વારા મીડિયાને જણાવવામાં આવ્યું હતું કે, “બુધવારના રોજ વહેલી સવારે અમારા પરીજનને સારવાર અર્થે કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમનું ઓક્સિજન લેવલ ઓછુ હોવાથી તેમની તાત્કાલિક અસરથી સારવાર શરૂ કરવામાં આવી હતી પરંતુ તેમનો કોઈ રિપોર્ટ નેગેટીવ આવતા તેમને બીજા વોર્ડમાં શિફ્ટ કરવાના હતા. તે દરમિયાન સવારે અમારા પરિજનોને અમને ફોન કરીને કહ્યું હતું કે રાત્રીના સમયે તેમની સાથે કોઇ વ્યક્તિએ બળાત્કાર ગુજાર્યો છે.”

આ બાતે પરિવારજનોએ હોસ્પિટલમાં પહોંચી અને હોસ્પિટલ તંત્રને રજુઆત પણ કરી હતી. તેમજ પોલીસમાં પણ આ મામલો નોંધાવ્યો હતો. પોલીસ પણ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી મહિલાનું કાઉન્સિલિંગ પણ કરવામાં આવ્યું હતું.

આ ઘટનાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવ્યા હતા. બળાત્કારનો આક્ષેપ કરતી મહિલા જે જગ્યાએ દાખલ હતી તેની આજુબાજુમાં પણ બીજા દર્દીઓ દાખલ હતા. વોર્ડમાં કર્મચારી પણ હાજર હતા. ત્યારે કોઈ વ્યક્તિ કઈ રીતે મહિલા સાથે દુષ્કર્મ આચરી શકે તે અંગે અનેક શંકાઓ સેવાઈ રહેલી છે.

પોલીસને આ બનાવમાં કોન્ટ્રાક્ટ ઉપરના કર્મચારી એટેન્ડેન્ટ હિતેષ ઉપર શંકા જતા તેની આગવીઢબે સરભરા કરતા અંતે બહાર આવેલી વિગતોના આધાર પોલીસે તેની વિરૂધ્ધ ગૂનો નોંધ્યો છે.