ગુજરાતમાંથી અવાર નવાર હાર્ટ એટેકથી મોતના મામલા સામે આવતા રહે છે, ત્યારે હાલમાં જ રાજકોટના રેલનગર વિસ્તારમાંથી સિટીબસના ચાલકને ચાલુ બસે હાર્ટ એટેક આવ્યો હોવાનું સામે આવ્યુ છે. આ ઘટનાને કારણે એક રિક્ષા અને બેથી ત્રણ વાહનો સાથે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બસચાલકનું હાર્ટ એટેક આવવાથી મોત થયુ જ્યારે એક મહિલાનું અકસ્માત થવાના કારણે મોત નિપજ્યું છે.
આ મામલે હાલ પ્રદ્યુમનનગર પોલીસે તપાસ હાથ ધરી છે અને મૃતદેહ પોસમોર્ટમ માટે ખસેડ્યો છે. આ અકસ્માતમાં બેથી ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ, રાજકોટના રેલનગર મેઈન રોડ પર હમીરસિંહજી ચોકથી આસ્થા ચોક વચ્ચે સિટી બસ નંબર 40 રેલનગરથી બસ ડેપો તરફ જઈ રહી હતી.
આ દરમિયાન બસના ચાલક પરષોત્તમભાઈ બારૈયાને હાર્ટ એટેક આવ્યો અને બસ બેકાબૂ બની. આને કારણે એક રિક્ષા અને બેથી ત્રણ વાહન સાથે અથડામણ હતી. આ ટક્કરને કારણે ત્રણથી ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જે પૈકી એક મહિલા સંગીતાબેન માકડીયાનું મોત નીપજ્યું જ્યારે મંડોડ મુકેશ અને મનીષાબેન વર્માને ઇજા પહોંચતા સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા.