સૌથી ડરામણો ખુલાસો: વીંછિયામાં કોઈ ગુરુ કે તાંત્રિકે કાંડ નથી કર્યો, આ કપલે જાતે જ લોખંડની પ્લેટ ખરીદી માંચડો બનાવ્યો ને પછી…

આજે જમાનો ભલે આગળ વધી ગયો હોય પણ ઘણા લોકો એવા પણ છે કે જેઓ અંધશ્રદ્ધામાં માને છે. ઘણીવાર આ આધુનિક યુગમાં પણ અંધશ્રદ્ધાના એવા એવા કિસ્સા સામે આવતા હોય છે કે લોકો પણ ચોંકી ઉઠે છે. ત્યારે હાલમાં જ રાજકોટના વીંછિયામાંથી એક દંપતીની બલીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. આ મામલે પોલિસ તપાસ કરી રહી હતી અને હવે તેમની તપાસ પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે આ મામલે પોલિસ તપાસમાં સામે આવ્યુ છે કે તાંત્રિક કે ગુરુના કહેવાથી દંપતીએ આ પગલું નહોતુ ભર્યું.

દંપતીએ પોતાની જાતે જ આત્મહત્યા કરી હતી. જો કે, કેસમાં પોલીસે દંપતીના પરિવારની પૂછપરછ હાથ ધરી હતી અને પછી તપાસ બાદ આ નતીજો નીકળ્યો હતો. પ્રાપ્ત જાણકારી અનુસાર, મૃતક હેમુ મકવાણા મશીનરી ફિટ કરવાનો જાણકાર હતો અને તે ફ્રાઈમ્સના કારખાનામાં મશીન રિપેર કરવાનું કામ કરતો હતો. આ મામલે મૃતકના શેઠની પણ પૂછપરછ કરાઇ હતી.

આ મામલે એવું પણ સામે આવ્યુ છે કે દંપતીએ માંચડો બનાવવા માટે ગામમાંથી જ સામાનની ખરીદી કરી હતી અને લાકડા કાપવા માટે લોખંડની પ્લેટની જરૂર હોવાનું કહી ખરીદી કરાઇ હતી. જે બાદ દંપતીએ આ ચકચારી ઘટનાને અંજામ આપ્યો. દંપતિએ હવનકુંડમાં પોતાના મસ્તક હોમી દીધા અને તેઓ પોતાના બંને સંતાનોને મામાના ઘરે મુકી આવ્યા હતા. આ ઉપરાંત એવી પણ વાત સામે આવી છે કે પતિ-પત્ની બંને સંતાનથી અલગ રહેતા હતા. ત્યારે હવે માતા-પિતાના આવી રીતે આપઘાત બાદ બંને સંતાન પણ નોંધારા થયા છે.

આ મામલામાં કોઈ તાંત્રિકનો કે કોઇ ગુરુનો હાથ સામે આવ્યો નથી. પોતાના જ ખેતરમાં પૂજા કરનાર દંપતીએ પોતાની બલિ ચઢાવી હતી. આ મામલે સુસાઇડ નોટ સામે આવી હતી, જેમાં દંપતિએ કમળપૂજા કરતા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. વીંછિયામાં આ મામલા બાદ વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ જણાવ્યું હતું કે, દિન પ્રતિદિન અંધશ્રદ્ધાના બનાવો રાજ્યમાં વધી રહ્યા છે અને વર્ષો પછી પોતાની જાતમેળે બલી ચડાવવાની ઘટના બની છે. તેમણે આગળ કહ્યુ હતુ કે, વિજ્ઞાન જાથા આવા બનાવની નિંદા કરે છે.

Shah Jina