રખડતા ઢોરનો ત્રાસ તો જુઓ…ભરૂચના જંબુસરમાં 6 વર્ષની માસુમ તો રાજકોટમાં મહિલા પોલીસને અડફેટે લીધા

ગુજરાતમાં હજુ પણ રખડતા ઢોરનો આતંક યથાવત છે. ગઇકાલના રોજ પાટણમાંથી રખડતા ઢોરના ત્રાસની ઘટના સામે આવી, જેમાં ભાજપના પૂર્વ પ્રમુખ અને નેતા સુરેશ પટેલ રખડતા ઢોરના હુમલાનો શિકાર બન્યા. તેમને રખડતા ઢોરે અડફેટે લેતાં હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડાયા હતા. તે બાદ હવે પોલીસકર્મી પણ આનો ભોગ બન્યા છે. ગાયે 2 મહિલા પોલીસને અડફેટે લેતા તેઓ ઇજાગ્રસ્ત થયા હતા.

જ્યારે મવડી હેડ ક્વાર્ટરમાં પરેડ પૂરી કરી મહિલા પોલીસકર્મીઓ ઘરે પરત ફરી રહ્યાં હતા ત્યારે ગાયે ઢિંક મારતા ગંભીર રીતે ઘાયલ થયા અને પછી સારવાર હેઠળ તેમને સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. હાલ તો તેમની સારવાર કરવામાં આવી રહી છે. શુક્રવારના રોજ બપોરે રાજકોટના ભોમેશ્વરમાં બે રખડતા ઢોર આપસમાં બાખડી રહ્યા હતા

અને એક વૃદ્ધ અને એક બાળકને પોતાની ઝપેટમાં લીધા હતા.રાજકોટ સિવાય ભરૂચના જંબુસરમાંથી પણ રખડતા ઢોરના આતંકનો કિસ્સો સામે આવ્યો છે. જ્યારે 6 વર્ષીય બાળકી સ્કૂલેથી ઘરે જઇ રહી હતી ત્યારે તેને રખડતા ઢોરે અડફેટે લીધી.જો કે, સદનસીબે માસૂમને કોઈ ગંભીર ઇજાઓ પહોંચી નહોતી.

જંબુસરના પશ્ચિમ વિસ્તારમાં પિશાચ મહાદેવ રોડ પર આવેલ હાઉસિંગ બોર્ડમાં રહેતી 6 વર્ષીય પુત્રી વૃષ્ટિ સ્કૂલેથી ઘરે જઇ રહી ત્યારે પાછળથી એક ગાય ધસી આવી અને તેને ઉછાળી દીધી. જો કે, તેને સદનસીબે કોઈ ઈજા પહોંચી ન હતી. રખડતા ઢોરનો ત્રાસ ફરી એક વખત સામે આવતા મહાનગરપાલિકાના પશુરંજાડ વિભાગની કામગીરી ઉપર સવાલો ઉઠી રહ્યા છે.

Shah Jina