ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી દુષ્કર્મના અને છેડતી સિવાય જાહેરમાં હુમલા થવાના કિસ્સા પણ સામે આવે છે. ત્યારે હાલમાં જ એક રાજકોટનો કિસ્સો ચર્ચામાં આવ્યો જે જોઇને લાગી રહ્યુ છે કે, શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે. ખુલ્લેઆમ કેટલાક આવારા તત્વો દ્વારા રાજકોટમાં મહિલા અને તેના પતિ પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી જે સીસીટીવીમાં કેદ થતાં ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.
ગઇકાલના રોજ રાજકોટના નાનામવા રોડ પર જીવરાજ પાર્ક પાસે લક્ષ્મણ ટાઉનશિપમાં રહેતી 37 વર્ષની મહિલા પર અજિતસિંહ ચાવડા સહિત 3 શખસે કોર્ટમાં કરેલી દુષ્કર્મની ફરિયાદ પરત ખેંચી લેવાનું કહેતા તેના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી અને જાહેરમાં જ ખુલ્લી છરી સાથે આતંક મચાવી હુમલો કર્યો હતો. ત્યારે આ મામલે મહિલાએ જણાવ્યું કે ‘વ્યાજ ન આપું તો વ્યાજખોર અવાર નવાર બરાત્કાર આચરી વીડિયો ઉતારતો.
તેણે જણાવ્યુ કે, મારા પતિ રિક્ષા ચલાવી ગુજરાન ચલાવે છે અને અજિતસિંહ દિલુભા ચાવડા પાસેથી 50 હજારની રકમ વ્યાજે લીધી હતી, જેને લઇને વ્યાજખોર અજિતસિંહ અવારનવાર સોસાયટીમાં પ્રસંગમાં આવતા પૈસાની ઉધરાણી કરતો. રોજનું એ લોકોને 1500 રૂપિયાનું વ્યાજ જોઈતું, જે ન ચૂકવી શકીએ ત્યારે તે પીડિત પર દુષ્કર્મ આચરતા અને તેનો વીડિયો પણ ઉતારતા, જે બાદ આ મામલે પોલીસ દ્વારા ફરિયાદ પણ નોંધાવાઇ.
આરોપી બળજબરીથી મહિલાની ઇચ્છા વિરુદ્ધ વ્યાજની રકમ ચૂકવવા પેટે તેના જ ઘરમાં દુષ્કર્મ આચરતો અને કહેતો કે જ્યાં સુધી શરીરસુખ માણવા મળશે ત્યાં સુધી વ્યાજ નહિ દેવું પડે અને મૂળ રકમ પણ કોઈ માગશે નહિ. તે મહિલાના સગીર બાળકોને ઉપાડી જવાની અને પતિને જેલમા ધકેલી દેવાની ધમકી પણ આપતો હતો. ઉલ્લેખનીય છે કે, મહિલા અનુસાર, 3 ફેબ્રુઆરી 2022ના રોજ તે ચોટીલા લઇ ગયો ત્યારે દબાણ વશ તેને મંદિરમા લઇ જઇ ઇચ્છા વિરુદ્ધ સેથો પૂરી કહ્યુ કે તું માન કે ન માન પણ મેં હવે તારી સાથે લગ્ન કરી લીધા છે.
હવે તારાથી મારા પર કાંઇ થઈ શકશે નહી’. આવું કહી તેણે બળજબરી કરી ચોટીલામાં આકાશ હોટલમાં લઇ જઇ ત્યાં દુષ્કર્મ આચર્યુ હતુ. ત્યારે મહિલાએ આજીજી કરી હતી કે, તેને પતિ છે, બે સગીર પુત્રો અને એક દીકરી છે, તમે જિંદગી ખરાબ કરી નાખી, હવે મને છોડી દો’ જો કે, તે બાદ અજિતસિંહે કહ્યુ કે, તારો પતિ જયા સુધી પૂરી રકમ નહિ આપે ત્યાં સુધી વ્યાજ તારે જ વ્યાજ ચૂકવવાનું છે.

જે બાદ તે તેને ત્યાંથી દીવ લઈ ગયો અને ત્યાં પણ દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ મહિલાએ કંટાળી તાલુકા પોલીસમાં અરજી કરી હતી, પણ ત્યાં તેની ફરિયાદ લેવામાં ન આવી અને તે બાદ તેણે કોર્ટમાં આ મામલે લેખિતમાં ફરિયાદ કરી. જેને લઇને અજિતે પીડિત મહિલા પર છરી વડે હુમલો કર્યો હતો. મહિલાએ કોર્ટમાં જે અરજી દાખલ કરી છે તેમાં તાલુકા પોલીસ અને ગાંધીગ્રામ પોલીસ પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. આરોપી અજિત એક પોલીસકર્મીનો સંબોધી હોવાનો ઉલ્લેખ પણ છે. આ ફરિયાદમાં કોર્ટે પોલીસ-તપાસનો હુકમ કરતાં તાલુકા પોલીસે મહિલા અને તેના પતિને પોલીસ સ્ટેશને નિવેદન આપી જવા કહ્યું હતું. જ્યારે બીજી બાજુ આરોપીને પણ કોર્ટમાં તેના વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ થયાની જાણ કરી દીધી હતી.
જેને લઇને ગઇકાલના રોજ સાંજે નરાધમ આરોપી અજિતસિંહ ચાવડા અને બે શખસ મહિલાના ઘરે પહોંચ્યા અને ફરિયાદ પાછી ખેંચી લેવાનું કહી રિક્ષાચાલક પતિને ધમકી આપી. આ માથાકૂટ જ્યારે ચાલી રહી હતી ત્યારે રિક્ષાચાલકની પત્ની ઘરની બહાર નીકળી અને વચ્ચે પડી તો મહિલાને જોઇને આરોપી ઉશ્કેરાઇ ગયો અને તેણે જાહેરમાં ફડાકા ઝીકી દીધા બાદ નેફામાંથી છરી કાઢી મહિલાને બે ઘા ઝીક્યા હતા.જે બાદ તેઓ ફરાર થઇ ગયા હતાા.
જો કે, આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઇ જતા ફૂટેજ સામે આવ્યા હતા. CCTV ફૂટેજ આધારે ગાંધીગ્રામ પોલીસે આરોપીઓ વિરુધ્ધ IPC કલમ 323, 307, 506(2), 504 તથા આર્મ્સ એક્ટ કલમ 25(1) બી.એ. તથા જી.પી. એક્ટ કલમ 135(1) મુજબ ગુનો નોંધ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.