‘આમાં માફી ન હોય, આ તો ગુનો છે…’ ભગવાન પર ટિપ્પણી કરનાર સંતોને લોકકલાકાર રાજભી ગઢવીએ લીધા આડે હાથ

છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના કેટલાક નિવેદનો સામે આવી રહ્યા છે, જેમાં તેઓ ભગવાન વિરૂદ્ધ કમેન્ટ કરી રહ્યા હોય છે. ત્યારે તેમના આવા નિવેદનોને કારણે હિંદુ ધર્મના લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે હાલમાં કેટલાક દિવસ પહેલા ભગવાન શિવ પર વિવાદીત ટિપ્પણી સંત દ્વારા કરવામાં આવી હતી અને ત્યારે હવે આ બાબતે ગુજરાતના સુપ્રસિદ્ધ ગાયક રાજભા ગઢવીએ તેમને આડેહાથ લીધા છે. તેમણે કહ્યુ કે, આ સનાતન ધર્મને તોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ લોકોમાં ભગવાન શંકરને ઓળખવાની તાકાત નથી.

રાજભા ગઢવીએ વીટીવી ન્યુઝ સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે, જો મારા ભગવાન વિશે બોલશે તો અમે પણ તેની સામે બોલીશું. જાણી જોઈને સનાતન ધર્મને તોડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. જ્યારે-જ્યારે ભગવાનનું અપમાન થશે ત્યારે અમે ચૂપ નહીં બેસીએ.’ તેઓએ આગળ કહ્યુ કે, આમાં માફી ન હોય, આ તો ગુનો છે.’ જણાવી દઇએ કે, પ્રબોધ સ્વામી જૂથના સાધુ આનંદ સાગર સ્વામીએ ભગવાન શિવ પર બેફામ વાણીવિલાસ કર્યો હતો.

તેમણે ભગવાન શિવજી વિશે ટિપ્પણીથી કરી હતી અને તેને પગલે શિવ ભક્તો અને સનાતન સેવકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. આનંદસાગર સ્વામીએ શિવજી પર કરેલા વાણી વિલાસથી સંત સમાજમાં રોષ ભભૂકી ઉઠતા તેમણે માફી માગી હતી.આનંદસાગર સ્વામીએ કહ્યુ હતુ કે, નિશીથભાઈ મેઇન ગેટ જે ઝાંપો છે ત્યાં ગયા. ગેટ બંધ હતો અને ગેટની બહાર શિવજી ઊભા હતા. નિશીથભાઈએ વર્ણન કર્યું મને કે પિક્ચરમાં આપણે કેવી રીતે જોઇએ.

એવી રીતે શિવજી જટાવાળા, નાગ વીંટેલો, ઋદ્રાક્ષ પહેરેલો, ત્રિશુલ હાથમાં બધી જ પ્રોપર્ટીની સાથે વ્યવસ્થિત ઊભા હતા. પછી તેમણે પ્રાર્થના કરી કે આપ અહીં સુધી આવ્યા છો તો અંદર પધારો તો પ્રબોધ સ્વામીજીનાં આપને દર્શન થઈ જાય.ત્યારે શિવજીએ એમને કહ્યું કે, પ્રબોધ સ્વામીનાં દર્શન મને થાય એવાં મારાં પુણ્ય જાગ્રત નથી થયાં પણ મને તમારાં દર્શન થઈ ગયાં એ મારાં અહોભાગ્ય છે. એટલું વાક્ય બોલી શિવજી યુવકને નિશીથભાઈના ચરણસ્પર્શ કરી અને ત્યાંથી જતા રહ્યાં.

છેલ્લા ઘણા સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા હિન્દૂ સનાતન ધર્મના દેવો ઉપર ટિપ્પણીઓ કરવાના વીડિયો સતત વાયરલ થઇ રહ્યા છે. જેમાં ઘણા સંતોએ ભગવાન શિવ ઉપર ટિપ્પણી કરી તો કોઈએ બ્રહ્મા અને ઇન્દ્ર ઉપર પણ ટિપ્પણી કરી હતી. ત્યારે હવે એક જૂનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના એક સંત સંકટ મોચન હનુમાન દાદા ઉપર ટિપ્પણી કરતા હોવા મળી રહ્યા છે.

હાલ જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તે અક્ષરમુનિ સ્વામીનો છે. જે એક વર્ષ જૂનો હોવાનું કહેવામાં આવી રહ્યુ છે. આ વીડિયોમાં અક્ષરમુનિ સ્વામી હનુમાન દાદાને ભગવાન ના ગણવા વિશે જણાવતા જોવા મળ્યા હતા.  જેના બાદ હવે આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને આ વીડિયોને લઈને લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

વીડિયોમાં તે જણાવી રહ્યા છે કે, “હનુમાનજી છે એ કોઈ ભગવાન નથી, પરંતુ ભગવાનની સેવા કરીને ભગવાનનો એટલો બધો રાજીપો મેળવ્યો કે ભગવાન રામે તેમને પોતાની સમાન પૂજનીય બનાવ્યા. જો એવા તો નારદજી છે, શુકજી છે, સનકાદિકો છે આ બધાય હનુમાનજી મહારાજની સમાન જ પૂજનીય છે. આ બધા કોઈ ભગવાન નથી. આ તમામ ભગવાનના ઉત્તમ પ્રકારના ભક્તો છે. એટલે કે તેઓ સંત છે. તેમને સંત કહી શકાય, બ્રહ્મચારી કહી શકાય, ભગવાનના શ્રેષ્ઠ ભક્ત કરી શકાય, પરંતુ હનુમાનજી મહારાજને ભગવાન ન કહી શકાય.”

ત્યારે આ મામલે અક્ષરમુનિ સ્વામીએ મીડિયા સામે પણ આ વીડિયોને લઈને સ્પષ્ટતા કરી હતી અને જણાવ્યું હતું કે આ વીડિયો એક વર્ષ જૂનો છે. તેમણે આગાઉ આ ટિપ્પણી કરી હતી અને તેના બાદ માફી પણ માંગી હતી. આ ટિપ્પણી તેમણે ભુજ સ્વામિનારાયણ મંદિરમાં કરી હતી. જેના બાદ હનુમાન ભક્તો અને સ્વામી અક્ષરમુનિ વચ્ચે આ મામલે એક બેઠક બાદ સમાધાન થયું હતું અને અક્ષરમુનિ સ્વામીએ હનુમાન દાદાને ભગવાન તરીકે પણ સ્વીકાર્યા હતા.

પરંતુ હવે એક વર્ષ બાદ આ વીડિયો વાયરલ થતા જ ફરી વિવાદ વકર્યો છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ સોખડા સ્વમિનારાયણ સંપ્રદાયના એક સંત આનંદ સાગરે ભગવાન શિવ ઉપર વિવાદિત ટિપ્પણી કરી હતી. જેનો વીડિયો પણ સામે આવ્યો હતો અને તેનો વિવાદ હજુ પણ શમવાનું નામ નથી લઇ રહ્યો. ત્યારે હવે વધુ એક વીડિયો ચર્ચાનું કારણ બન્યો છે.

Shah Jina