કિશન ભરવાડ હત્યા કેસ મામલે જાણિતા લોકકલાકારો ઉતર્યા મેદાને, જાણો શું આપી પ્રતિક્રિયા

સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી જો સમગ્ર સ્થળે નામ ગુંજતુ હોય તો તે છે એકમાત્ર કિશન ભરવાડ…ધંધુકામાં થયેલ કિશન ભરવાડ હત્યાકાંડના પડઘા આખા દેશની અંદર પડ્યા છે, ગુજરાતમાં પણ મોટાભાગના જિલ્લાઓમાં હત્યાકાંડ મામલે રેલીઓ યોજવામાં આવી રહી છે અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે. ત્યારે ગઇકાલના રોજ રાજકોટમાં પણ માલધારી સમાજ અને હિન્દૂ સંગઠનો તેમજ સ્થાનિક યુવકો દ્વારા રેલી યોજવામાં આવી હતી. હવે આ બધા વચ્ચે ગુજરાતના જાણિતા લોકકલાકારો મેદાને ઉતર્યા છે અને કિશન ભરવાડ કેસને લઇને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

ધંધુકાના કિશન ભરવાડની હત્યા મામલે હવે એક બાદ એક લોક સાહિત્યકારો અને લોકગાયકોના નિવેદનો સામે આવી રહ્યા છે. આ લોકકલાકારોમાં લોકસાહિત્યકાર અને હાસ્યકાર માયાભાઈ આહિર, લોકસાહિત્યકાર દેવાયત ખવડ, ભજનિક હેમંત ચૌહાણ, લોકસાહિત્યકાર રાજભા ગઢવી અને લોકગાયક વિજય સુંવાળા સામેલ છે. સૌથી પહેલા વાત કરીએ લોકસાહિત્યકાર રાજભા ગઢવીની તો તેમણે કિશન ભરવાડની હત્યા મામલે આપેલા નિવેદનમાં જણાવ્યુ કે, ભારતની ધરતી એકતાની છે અને અનેકવાર તેને તોડવાની કોશિશ પણ કરી છે પરંતુ ભારતની સભ્યતા હજી પણ અડીખમ ઉભી છે.

ભારતની એકતા જેટલી મજબૂત છે એટલું જ મજબૂત ભારતનું સંવિધાન છે. રાજભા ગઢવીએ જણાવ્યુ હતુ કે, ખાસ કરીને તો હું ગુજરાત પોલીસનો આભાર માનું છું કે, તેમણે ગણતરીના કલાકોમાં જ હત્યારાઓને પકડી પાડ્યા. પોલીસ સારુ કામ કરે છે અને એટલા માટે રાજીપો પણ વ્યક્ત થાય છે અને ગૌરવ પણ થાય છે. તેમણે આગળ જણાવ્યુ કે, આપણે કિશન ભરવાડ નામનો હીરલો ખોયો છે. હવે મારે પ્રોગ્રામમાં ભારતીય જ બોલવું છે. રાજભા ગઢવી નહીં રાજભા ભારતીય.

વાત કરીએ તો, માયાભાઇ આહીરની તો તેમણે પણ એક વીડિયો સો.મીડિયામાં વાયરલ કર્યો છે, જેમાં તેઓ જણાવી રહ્યા છે કે ધંધુકામાં કિશન ભરવાડની 25 જાન્યુઆરીના રોજ ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી અને સરકારે પણ તાત્કાલિક હત્યારાઓ વિરૂદ્ધ કડક પગલા લઇ તેમની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી છે ત્યારે હજી પણ આ મામલે તપાસ ચાલી રહી છે અને જેને પણ આ કૃત્ય કર્યુ છે તેને કડકમાં કડક સજા મળવી જોઇએ તેવું તેમણે જણાવ્યુ હતુ.

હવે વાત કરીએ લોકસાહિત્યકાર દેવાયત ખવડની તો તેમણે આ સમગ્ર ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે સો.મીડિયામાં વીડિયો અપલોડ કરી જણાવ્યું હતું કે, ભરવાડ પરિવારને ન્યાય અપાવવા સર્વ સમાજ એક થાય. તેમણે સૌને અપીલ કરી કહ્યુ કે, હિન્દુ સંસ્કૃતિના રક્ષણ માટે જ્ઞાતિના વાદ દૂર કરો. આ દેશ પણ નબળો નથી અને આ દેશનો દેવ પણ નબળો નથી. કુરુક્ષેત્રના મેદાનમાં પણ ભગવાન કૃષ્ણએ જ નારો લગાવ્યો હતો. જરૂર પડ્યે આપણે શાસ્ત્રો અને શસ્ત્રનો ઉપયોગ કરી આગળ વધવાની તૈયારી દાખવી જ્ઞાતિ-જાતિ ભૂલી હિન્દુ થઇ ખભે ખભો મિલાવી આગળ વધીશું.

ગુજરાતના જાણિતા લોકગાયક વિજય સુવાળાની વાત કરીએ તો, તેમણે આ મામલે જણાવ્યુ કે, હું કિશન ભરવાડની સાથે છું, અને તેની સાથે જે પણ ઘટના બની છે તેને વખોડુ છું. હું પણ માલધારીનો દીકરો છું અને કિશન પણ માલધારીનો દીકરો હતો. કિશન ગૌરક્ષક અને ગૌપ્રેમી હતો અને હું પણ છું. ગુજરાત સરકારે કિશનના પરિવારની જવાબદારી લીધી છે. કિશનના ઘર માટે જ્યાં પણ જરૂર પડશે ત્યાં હું 24 કલાક ખડેપગે રહીશ.

આ ઉપરાંત જાણીતા ભજનિક હેમંત ચૌહાણે પણ કિશન ભરવાડ હત્યા કેસ મામલે નિવેદન આપ્યુ હતુ. તેમણે જણાવ્યું હતું કે, ધંધૂકામાં જે ઘટના બની છે તે ખૂબ જ દુઃખદાયી છે. કિશનભાઈ ભરવાડના પરિવારને હું આશ્વાસન આપું છું, કિશનભાઈના આત્માને ભગવાન શાંતિ આપે તેવી મારી પ્રાર્થના છે. સરકાર પણ આ બાબતમાં ઝડપી પગલા લે તેવી મારી વિનંતી છે. પોલીસે હુમલાખોરો સામે કડક કાર્યવાહી કરવી જોઇએ.

Shah Jina