ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી મહિલાઓ અને યુવતીઓ સાથે દુષ્કર્મ થવાની ઘટનાઓ સામે આવી રહી છે. તો ઘણી સગીરાઓ સાથે પણ આવી ઘટનાઓ બનતી જોવા મળે છે. પરંતુ હાલ સુરતમાંથી જે ઘટના સામે આવી છે તેને ચકચારી મચાવી દીધી છે. સુરતમાં એક યુવક રાજસ્થાનથી ધોરણ 10માં ભણતી વિધાર્થિનીને ભગાડીને લાવ્યો હતો અને સુરતમાં જ તેને પત્ની બનાવી તેની સાથે બળજબરી કરી રાખતો હતો.
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા બે મહિનાથી ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને રાજસ્થાનથી ભગાડી લઈ આવેલા કોલેજિયન યુવકે સુરતમાં રાખી દુષ્કર્મ આચર્યું હતું. આ આરોપી યુવક સુરતમાં મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો સાથે જ તે સગીરાને પણ મજૂરી કરવા માટે મજબુર કરતો હતો.

સગીરાના પરિવારજનોએ રાજસ્થાનમાં તેના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી, જેના બાદ પોલીસે તેને સુરતમાંથી શોધી કાઢી હતી. ગત 16 જાન્યુઆરીના રોજ આરોપી યુવક ભાગી ગયો હતો. યુવતીનો ગર્ભવતી રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. સગીરાના નિવેદનના આધારે પોલીસે આરોપી યુવક વિરુદ્ધ પોક્સો એક્ટ અંતર્ગત ગુન્હો નોંધીને તેની ધરપકડ કરી લીધી છે.

આ બાબતે ઝલ્લોત પોલીસ સ્ટેશનના અધિકારી અણસાર અહમદે જણાવ્યું હતું કે થાણા ગામની અંદર રહેતી 14 વર્ષની સગીરા જે ગાંગડતલાઈની સરકારી સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતી હતી તેને ખંટા કાગજી ગામની અંદર રહેતો 21 વર્ષી દિનેશ રણ પરમાર નામનો યુવક 17 ડિસેમ્બરના રોજ ભગાડીને લઇ ગયો હતો.

તો યુવક વિશે મળી રહેલી માહિતી પ્રમાણે આરોપી યુવક કોલેજના પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે. છેલ્લા બે મહિનાથી તે સુરતમાં રહેતો હતો. પોલીસ જયારે ગત 16 જાન્યુઆરીના રોજ સુરતમાં સગીરાની શોધખોળ કરી રહી હતી તે દરમિયાન આરોપી યુવક ફરાર થઇ ગયો હતો. સગીરા મળી આવ્યા બાદ તેને રાજસ્થાન લઇ જઈને તેનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.