રસોઈ

ટેસ્ટી રાજગરા ના લાડવા રેસિપી – શ્રાવણ માસમાં ફરાળી વાનગી બનાવો, નોંધી લો રેસિપી

મિત્રો શ્રાવણ માસ આવી રહ્યો છે. સાથે સાથે ઘણા બધા વ્રતો પણ આવશે. કુમારિકાઓ ના, સ્ત્રીઓ ના અને ઘણા લોકો તો આખો શ્રાવણ માસ એકટાણા કે ઉપવાસ પણ કરતાં હશે, ત્યારે વિચાર આવે કે કઈક ફરાળી નવીન વાનગી બનાવીએ. ક્યારેક ફરાળી ખીર બનાવીએ તો ક્યારેક ફરાળી શીરો, તો ક્યારેક દૂધપાક. પણ કઈક નવીન વાનગી જ ટેસ્ટ કરવાની ઈચ્છા થયા કરે. તો તમે ચિંતા ના કરો હવે અમે તમને આપીશું ખૂબ જ ટેસ્ટ ફૂલ અને તમને મનભાવક ફરાળી વાનગી. એ પણ ફટાફટ તૈયાર થઈ જાય તેવી. ચાલો તો નોંધી લો આ મસ્ત, મજેદાર ફરાળી વાનગી રાજગરા ના લાડવા.

રાજગરા ના લાડવા બનાવવા માટે ની સામગ્રીઓ

  • રાજગરા નો લોટ – 1 કપ (150 ગ્રામ)
  • ગોળ – 1 કપ (250 ગ્રામ)
  • ઘી – 2-3 નાના ચમચા
  • કિશમિશ – 2 ટેબલ સ્પૂન
  • કાજુ – 2 ટેબલ સ્પૂન

રાજગરા ના લાડવા બનાવવા ની રીત

એક જાડા અને મોટા વાસણ ની અંદર તેલ નાખી તેને ગરમ કરવા માટે ગેસ પર મૂકી દો. જ્યારે તેલ ગરમ થઈ જાય ત્યારે એક નાના ચમચા જેટલા રાજગરા ના દાણા આ તેલ ની અંદર નાખો. અને તેને સતત હલાવતા રહો. આવી રીતે તેને તળો. થોડી વાર માં જ રાજગરા ના દાણા ફૂલવા લાગશે. આમ બધા જ દાણા જ્યારે ફૂલી જાય ત્યારે તેને એક અલગ થી થાળીમાં કે પ્લેટ માં કાઢી લો. આવી રીતે બીજા રાજગરા ના દાણા ને પણ તેલ માં નાખી તળી લો. હવે એક ચાયણી લઈ આ તળેલા રાજગરા ના દાણા ને ચાળી લો. આ તળેલા રાજગરા ના દાણા હવે 3 કપ થઈ જશે. તમે જોશો કે જે દાણા તેલ માં તળ્યા ત્યારે જે ફૂલ્યા ના હતા તે બધા દાણા ચાયણી ની નીચે થી નીકળી જશે. જેને અલગ થી મૂકી દો. લાડવા બનાવવા માટે આ ફુલેલા રાજગરા ના દાણા નો ઉપયોગ કરવો.

હવે ગોળ ને ખૂબ જ ઝીણો સમારી લો. કાજુ ને પણ ખૂબ જ ઝીણા સમારી લો. કિશમિશ ને પણ સારી રીતે સાફ કરી લો. આ બધુ તૈયાર થઈ ગયા પછી લાડવા બનાવવા ની તૈયારી કરો.

એક જાડું વાસણ લઈ તેમાં 2 નાના ચમચા ઘી નાખો. અને પછી તેને ગેસ પર મૂકી દો. જ્યારે ઘી ગરમ થઈ જાય પછી તેમાં ગોળ નાખી. સાથે સાથે 1-2 ટેબલ સ્પૂન પાણી પણ નાખી દો. તેને હલાવતા રહો અને ગોળ ને પીગળવા દો. જ્યારે ગોળ ખૂબ સારી રીતે પીગળી જાય ત્યારે 1-2 મિનિટ માટે ગેસ પર ચડવા દો, અને તમે તેને સતત હલાવતા રહો જેથી કરી ને ગોળ વાસણ માં નીચે બેસી ના જાય. હવે તમે જોશો તો ગોળ ની અંદર ફીણ દેખાશે. ત્યારે સમજવું કે ચાસણી બની ને તૈયાર છે. અને જો ગોળ ની અંદર કોઈ ખચરો કે ગંદકી દેખાય તો તે ચાસણી ને ગાળી લો.

હવે જે વાસણ ની અંદર રાજગરા દાણા રાખેલા હતા તેમાં આ ચાસણી ભેળવી દો. સાથે સાથે કાજુ અને કિશમિશ પણ નાખી દો. આ બધુ સારી રીતે મિશ્ર થઈ ગયા પછી હવે આ મિશ્રણ લાડવા બનાવવા માટે તૈયાર છે.  

લાડવા બનાવવા માટે હવે સૌપ્રથમ બનાવેલ ગરમા ગરમ મિશ્રણ ને હાથ માં લો, પરંતુ મિશ્રણ ગરમ હોવાથી પહેલા પોતાના હાથ પર થોડું પાણી લઈ લો અથવા હાથ ને થોડા ભીના કરી લો. હવે થોડું મિશ્રણ લો, બંને હાથ વડે તેને ગોળ-ગોળ ફેરવતા રહો અને લાડવા બનાવો. આમ સારી રીતે ગોળ થઈ ગયા પછી બનાવેલ લાડવા ને એક પ્લેટ માં મૂકી દો. ફરી થી હાથ ને ભીના કરો, મિશ્રણ ને હાથ માં લો, લાડવા બનાવી પ્લેટ માં મૂકી દો. આમ દરેક લાડવા બનાવતા પહેલા પોતાના હાથ ને ભીના કરવા. આવી રીતે બધા લાડવા બનાવી લો.

લાડવા બની ગયા પછી આ રાજગરા ના લાડવા ને 3 થી 4 કલાક માટે હવા માં ખુલ્લા રહેવા દો. હવે આ બનાવેલ લાડવા ને તમે એક સાફ ડબ્બા માં ભરી લો. આ લાડવા ને તમે એક મહિના માટે ખાઈ શકો છો. આમ તૈયાર છે તમારા મસ્ત, મજેદાર અને સ્વાદિષ્ટ ફરાળી રાજગરા ના લાડવા.

સલાહ

આ રાજગરા ના લાડવા માં તમે ઈચ્છો તો બીજા સૂકા મેવા પણ નાખી શકો છો. જેમ કે બદામ, અંજીર, પિસ્તા વગેરે. ઉપરાંત તમે તેમાં આ સૂકા મેવા ને ગેસ ગોળ ની ચાસણી બનાવતી વખતે પણ નાખી શકો છો.

માધવી આશરા ‘ખત્રી’

Author: GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ