ખબર

BREAKING : શું આ વખતે વરસાદ પાડશે નવરાત્રીના રંગમાં ભંગ ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

આ વખતનું ચોમાસુ ગુજરાત માટે ખુબ જ સારું રહ્યું છે. ગુજરાતમાં આ ચોમાસામાં સાર્વત્રિક સારો વરસાદ નોંધાયો છે, ત્યારે હજુ પણ કેટલાક સ્થળોએ છુટોછવાયો વરસાદ પડતો જોવા મળી રહ્યો છે.  ત્યારે નવરાત્રિને પણ હવે એક જ દિવસ બાકી રહ્યો છે અને ચેલાલ બે વર્ષથી કોરોનાના કારણે જે ગરબાનો રંગ જામ્યો નહોતો એ રંગ આ વર્ષે થોડી છૂટછાટ મળતા જામવાની ઈચ્છા ખેલૈયાઓ રાખી રહ્યા છે.

ત્યારે આ દરમિયાન ખેલૈયાઓને પણ એક વાતનો ડર સતાવી રહ્યો છે. છેલ્લા બે વર્ષ કોરોનાના કારણે ગરબા બાંધ રહ્યા ત્યારે આ વર્ષે વરસાદ ગરબાના રંગમાં ભંગ પાડી શકે છે તેવી ભીતિ ગરબા રસિકોમાં જોવા મળી રહી છે. આ બધા વચ્ચે જ હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, હવે ચોમાસુ વિદાય તરફ વળી રહ્યું છે. ઉત્તર ભારત અને ભુજ પરથી ચોમાસની વિદાયની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યના દક્ષિણ ભાગ અને સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.  પરંતુ ગરબા રસિકો માટે રાહતના સમાચાર છે. નવરાત્રીના સમયમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ નહિ પડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે રાજ્યના સુરત, ભરુચ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી અને દીવમાં હળવો વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, મહેસાણા, પાટણ સહિતના મધ્ય અને ઉત્તર ગુજરાતમાં હવામાન સાફ રહેવાની શક્યતા પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી ગરબા રસિકો નિરાશ હતા, ત્યારે આ વર્ષે સરકારે પાર્ટી પ્લોટ અને મોટા હોલમાં ગરબા કરવાની મંજૂરી નથી આપી, પરંતુ શેરી ગરબા કોરોના પ્રોટોકોલ સાથે કરવાની છૂટછાટ આપતા ગરબા રસિકો પણ આનંદમાં આવી ગયા છે. તો પોલીસ પણ આ દરમિયાન સુરક્ષાની તૈયારીઓ કરી રહી છે.