એવા સમાચાર છે કે ગુજરાતીઓની નવરાત્રિ તો વરસાદ વગર સારી નીકળશે પણ અસલી ખેલ નવરાત્રિ પછી શરૂ થશે. આવું અમે નહિ પણ અંબાલાલ પટેલ કહી રહ્યા છે. જી હા, નવરાત્રિ બાદ ભારેથી અતિભારે વરસાદ તો છોડો પણ વાવાઝોડાની આગાહી અંબાલાલે કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યુ- નવરાત્રિમાં 9-10 અને 12 ઓક્ટોબર દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં હળવા કે મધ્યમ વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે જ્યારે 12-13 ઓક્ટોબરે દક્ષિણ ભારત, મુંબઈ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં સિસ્ટમ બનવાની શક્યતા છે.
વધુમાં અંબાલાલે જણાવ્યુ કે પશ્ચિમ ભારતમાં 14-16 ઓક્ટોબર સુધીમાં વાદળવાયુ વાતાવરણ રહેશે અને 17 ઓકોબરે સૂર્ય તુલા રાશિમાં આવતા અરબસાગર અને બંગાળની ખાડીમાં એક વાવવાઝોડું બનવાની શક્યતા છે. આ વાવાઝોડું 19થી22 ઓક્ટોબર સુધીમાં વધુ એક્ટિવ થશે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં વેસટર્ન ડિસ્ટર્બન્સ શક્યતા રહેતા વાવાઝોડાની દિશા ગુજરાતમાં વરસાદ લાવી શકે છે.
જો કે વાવાઝોડું ગુજરાતથી દૂર રહીને કચ્છના ભાગોમાં થઈને પાકિસ્તાન તરફ જઈ શકે અથવા ગુજરાતથી દૂર રહી શકે છે. અંબાલાલ અનુસાર, બંગાળની ખાડીની સિસ્ટમના કારણે દેશના દક્ષિણ ભાગોમાં વરસાદ રહી શકે છે. ગુજરાતના મધ્ય અને પૂર્વીય ભાગોમાં 16થી22 ઓક્ટોબર સુધીમાં ભારે ઝાપટા થઇ શકે છે. જ્યારે આ દિવસોમાં અમદાવાદ, વડોદરા, સાબરકાંઠા અને પંચમહાલ, હિંમતનગરમાં ભારે વરસાદ થઇ શકે છે.
22 ઓક્ટોબરથી સવારના ભાગોમાં ઠંડકની શરૂઆત થઈ જશે અને તે પછીથી ઠંડી લાગવાની શરૂઆત થશે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી અનુસાર, આ વખતનું ચોમાસું લાંબુ છે. હજુ પણ ગુજરાતના કેટલાક ભાગોમાં ચોમાસું સક્રિય છે. સાત-આઠ તારીખની આસપાસ છૂટાછવાયા સામાન્ય વરસાદી ઝાપટાંની શક્યતા છે. આ વરસાદ સાતથી નવ તારીખ સુધીમાં થઇ શકે છે.