અંબાલાલ પટેલની આગાહી : ગુજરાતમાં 24 કલાકમાં આ શહેરોમાં પડી શકે છે કમોસમી વરસાદ, ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ

ઉનાળાની બળબળતી ગરમીથી કંટાળેલા લોકો માટે સારા સમાચાર આવ્યા છે, જો કે ખેડૂતો માટે આ સમાચાર આફત લાવી શકે તેમ છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે 20 અને 21 એપ્રિલ એટલે કે બુધવાર એટલે કે આજે અને ગુરુવાર એટલે કે આવતી કાલના રોજ રાજ્યમાં કમોસમી વરસાદ થઇ શકે તેમ છે. આવનારા 24 કલાકમાં રાજ્યના અમુક વિસ્તારોના વાતાવરણમાં બદલાવ આવવાને લીધે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે, જેને લીધે ઉનાળુ પાકને નુકસાન થઇ શકે તેમ છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

અચાનક વાતવરણમાં આવેલા બદલાવને લીધે ગરમીનું તાપમાન બે ડિગ્રી જેટલું નીચું ગયું છે અને કમોસમી વરસાદને લીધે વાતાવરણમાં ઠંડકનો અનુભવ જોવા મળ્યો છે. જો કે ખેડૂતો માટે આ કમોસમી વરસાદ આફત સમાન છે અને ખેતરમાં ઊભા પાકને નુકસાન થઇ શકે છે. આ દિવસોમાં વાતાવરણ વાદળછાયું રહેશે અને હવામાન ઠંડુ થવાથી લોકોને ગરમીથી હાશકારો મળશે. આ સિવાય હવામાન વિભાગે જણાવ્યું છે કે આ સમયે થન્ડર સ્ટ્રોમની પણ અસર રહી શકે તેમ છે.

એવામાં કમોસમી વરસાદની આગાહીને લીધે ખેડૂતો સજાગ થઇ રહ્યા છે, અને ખુલ્લી જગ્યામાં મુકેલા પાકનો સંગ્રહ કરી રહ્યા છે. અમદાવાદ સહિત રાજ્યના પાંચ શહેરોમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર થઈ ચુક્યો છે. સોમવારે રાજ્યના અલગ અલગ શહેરોમાં નોંધાયેલા ગરમીના આંકડાની વાત કરીએ તો રાજકોટમાં ગરમીનો પારો 42.6 ડિગ્રી હતો જેને લીધે રાજકોટ સૌથી ગરમ શહેર બન્યું હતું.

અંબાલાલ દ્વારા કરવામાં આવેલી આગાહીના આધારે 20 એપ્રિલના રોજ અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, સુરેંદ્રનગર, બનાસકાંઠા, મહેસાણા, વડોદરા, ભરૂચ અને દાહોદ જિલ્લામાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે જ્યારે 21 એપ્રિલના રોજ ભાવનગર, બોટાદ, સાબરકાંઠા અને બનાસકાંઠામાં માવઠાની શક્યતા છે. અંબાલાલની આગાહીના આધારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે 2 દિવસ રાજ્યમાં છૂટોછવાયો વરસાદ વરસશે. 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે અને પવન સાથે કમોસમી વરસાદની આગાહીને લીધે ખેડૂતો ચિંતિત થઇ રહ્યા છે.

હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે 2022નું ચોમાસુ સામાન્ય રહેશે અને ચોમાસાના ચાર મહિનામાં 98 ટકા જેટલો વરસાદ પડી શકે તેમ છે. આ સાથે જ પ્રિ-મોનસુન પ્રક્રિયા પણ વહેલી શરૂ થશે અને ચોમાસુ પણ વહેલું શરૂ થશે, આ આગાહીને લીધે ખેડૂતોમાં હાશકારો જોવા મળ્યો છે. કમોસમી વરસાદની આગાહીને લીધે બનાસકાંઠાના કલેકટરે ખેડૂતોને ચેતવણી આપી છે અને ખુલ્લા પાકને સુરક્ષિત જગ્યા પર ખસેડવા માટેની સૂચના આપી છે.

Krishna Patel