ગુજરાતમાં હાલ અનેક જગ્યાએ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જ્યારે ભારે વરસાદને પગલે કેટલાક જિલ્લાઓમાં તો સ્થિતિ પણ વણસી છે અને નદીઓ ગાંડીતૂર થતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. આ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે. અંબાલાલે આવનારા દિવસોમાં ક્યાં-ક્યાં ભારે વરસાદ પડી શકે તેની આગાહી કરી છે. અંબાલાલ પટેલ અનુસાર, આજથી હવામાનમાં પલટો જોવા મળશે.
4-5 તારીખમાં લો પ્રેશર બની રહ્યું છે અને 5થી7 તારીખ સુધીમાં આ પલટો જોવા મળશે. 7-8માં એક મજબૂત સિસ્ટમ બની રહી છે જે 9થી 11 તારીખ સુધીમાં ડીપ ડિપ્રેશનમાં પણ જઇ શકે છે. તે આગળ વધતાં પૂર્વ ભારત થઇને મધ્ય પ્રદેશ તરફ આવવાની શક્યતા ગણી શકાય. 10થી12 તારીખ અને તે પછી પણ ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત અંબાલાલે ઉત્તર ગુજરાત માટે મોટી આગાહી કરી છે. મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠામાં અંબાબાલે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
7 અને 8 ઓક્ટોબરના રોજ બંગાળના ઉપસાગરમાં ઉથલપાથલ જોવા મળશે. વરસાદી સિસ્ટમ ડિપ્રેશન બનવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે. અંબાલાલે કહ્યું, ચંદ્ર કાળા વાદળોમાં ઢંકાશે તો હલચલ વધશે અને દરિયામાં ભારે પવન ફૂંકાશે. 16 અને 17 ઓક્ટોબરે દરિયામાં ઉથલપાથલ જોવા મળશે અને ભારે પવન-ગાજવીજ સાથે વરસાદ વરસશે. અંબાલાલે જણાવ્યુ કે નવરાત્રિ સુધી વરસાદી માહોલ જોવા મળશે.