ગુજરાતવાસીઓ સ્વેટર સાથે રેઈનકોટ પણ કાઢી લેજો. કારણ કે, હવામાન વિભાગે રાજ્યમાં આગામી દિવસોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા 2 દિવસથી ઠંડીનો ચમકારો વધ્યો છે. તો બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. ત્યારે હવામાન વિભાગે આવતીકાલથી ત્રણ દિવસ ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ અને કરા પડવાની પણ આગાહી કરી છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે, “હાલ ગુજરાતમાં ઉત્તરથી ઉત્તર પૂર્વની દિશાના પવન ફૂંકાઈ રહ્યા છે. ત્યારે આગામી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની સાથે વીજળીના કડાકાનું પૂર્વાનુમાન છે. સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. પવનની ગતિ 30થી 40 કિમી પ્રતિ કલાકની આસપાસ રહેશે. આગામી દિવસોમાં હજુ પણ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટવાનું અનુમાન છે.”
હવામાન વિભાગે 26મી તારીખે એટલે કે ગુરુવારે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં તથા સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે. આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવી છે. 27 ડિસેમ્બરે કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. જ્યારે 28 ડિસેમ્બરે તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લા તથા સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં ગુજરાતનું સૌથી ઠંડુ શહેર નલિયા નોંધાયું હતું. જ્યાં 8.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ સાથે અમરેલીમાં 9.7, રાજકોટમાં 9.8 ડિગ્રી, પોરબંદરમાં 12.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.