કેન્સરને લીધે મૃત્યુ થતા પહેલા ગુજરાત બાળ કલાકાર રાહુલ કહેતો, પપ્પા 14 ઓક્ટોબર પછી આપણું જીવન બદલાઇ જશે

10 વર્ષના બાળક અભિનેતાનું દુઃખ છલકાતા પપ્પાએ કહ્યું, એના કરતાં મને લઇ લીધો હોત તો સારું હોત, મારો દીકરો રાહુલ આજુબાજુ લગ્ન થતા ત્યારે તે હંમેશા બધે જઇને ડાન્સ…જાણો અંદરની વિગત

ગઈકાલે મનોરંજન જગતમાંથી એક ખુબ જ દુઃખદ ખબર સામે આવી હતી. ભારત તરફથી ઓસ્કર માટે એન્ટ્રી પામેલી ગુજરાતી ફિલ્મ “છેલ્લો શો”માં મહત્વની ભૂમિકા નિભાવી ચૂકેલા બાળ અભિનેતા રાહુલ કોળીનું નિધન થયું છે, જેને લઈને સમગ્ર ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ ફરી વળ્યો છે. ગરીબ ઘરના દીકરા રાહુલ પાસે પરિવારને પણ ખુબ જ આશાઓ હતી અને પરિવાર તેમજ પોતાના સપના પૂર્ણ કરવા માટે રાહુલે પ્રથમ ડગલું આ ફિલ્મ દ્વારા પણ ભર્યું હતું, પરંતુ ઈશ્વરને કંઈક બીજું જ મંજુર હતું.

રાહુલના નિધન બાદ પરિવારના માથે પણ દુઃખોનો આભ તૂટી પડ્યો છે. ખુબ જ નાની ઉંમરમાં રાહુલે આ દુનિયામાંથી વિદાય લઇ લીધી. મીડિયા રિપોર્ટ અનુસાર રાહુલનું નિધન 2 ઓક્ટોબરના રોજ અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં લ્યુકેમિયાના કારણે થયું હતું અને ગત સોમવારના રોજ તેની પ્રાથના સભા જામનગર પાસે આવેલા હાપા ગામની અંદર યોજાઈ હતી. રાહુલના પિતા એક રીક્ષા ડ્રાઈવર છે અને તે નાનો મોટો ધંધો કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.

ન્યુઝ 18 મીડિયા સાથે વાત કરતા રાહુલના પિતાએ જણાવ્યું હતું કે, “‘રાહુલ આ ફિલ્મને કારણે ખૂબ જ ખુશ હતો અને કહેતો હતો કે, 14 ઓક્ટોબર પછી આપણું જીવન બદલાઇ જશે. પરિવારમાં ત્રણ દીકરા અને એક દીકરી છે. મારી માતા, સાસુ અને અપંગ બહેન પણ સાથે રહે છે. હું નાનોમોટો ધંધો કરીને પરિવારનું ગુજરાન ચલાવું છું. રાહુલને ફિલ્મમાં કામ મળ્યુ તેથી મને આશા બંધાઇ હતી કે, મને થોડો ટેકો રહેશે. પરંતુ ભગવાને એ ટેકો પણ લઇ લીધો. તેના કરતા તો મને લઇ લીધો હોત તો સારું થાત.’’ મૂવી રિલિઝ થશે ત્યારે રાહુલના નિધનને 13 દિવસ અટલે કે તેનું તેરમું થશે.

રાહુલના પિતાએ રડમસ અવાજમાં જણાવ્યું હતું કે, “રાહુલને નાનપણથી જ એક્ટિંગ અને ડાન્સનો શોખ હતો. જ્યારે પણ આજુબાજુ લગ્ન થતા ત્યારે તે હંમેશા બધે જઇને ડાન્સ કરતો, ડાયલોગ બોલતો અને બધાને મઝા કરાવતો.’ “છેલો શો” ફિલ્મમાં રાહુલની પસંદગી અંગે પિતાએ જણાવ્યુ કે, ‘રાહુલની કઇ રીતે પસંદગી થઇ તેની મને જાણ નથી. હું તો રિક્ષા ચલાવતો હતો. મને કોઇએ કહ્યુ કે, શાળામાં ફિલ્મવાળા આવ્યા છે અને જે સારા બાળકો છે તેમને સિલેક્ટ કરશે. તેમાં તેની પસંદગી થઇ ગઇ.”

રાહુલના પિતાએ આગળ જણાવ્યું આ ફિલ્મનું શૂટિંગ ચાર પાંચ મહિના ચાલ્યું. તે પહેલા તેમણે કહ્યુ કે, તમારે એની સાથે આવવું પડશે એટલે એને સારું લાગે. એ મૂંઝાશે નહીં. પરંતુ મેં કહ્યું કે, હું ત્યાં આવું તો પરિવારનું કેમ ચાલે? એટલે એમણે અમને અમુક રૂપિયા પણ આપ્યાં. એટલે હું તેની સાથે શૂટિંગ દરમિયાન ગયો.”

ફિલ્મ “છેલ્લો શો” ડાયરેક્ટર પાન નલિન દ્વારા બનાવવામાં આવી છે. આ ફિલ્મને ભારત તરફથી ઓસ્કર માટે મોકલવામાં આવી છે, અને સિનેમા ઘરોમાં 14 ઓક્ટોબરથી દર્શકોને નિહાળવા મળશે. ત્યારે આ ફિલ્મને લઈને પણ સમગ્ર ભારતમાં ખુબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મની અંદર રાહુલે મનુ નામના બાળકનું પાત્ર નિભાવ્યું છે, જે ફિલ્મના મુખ્ય અભિનેતાનો ખાસ મિત્ર બતાવવામાં આવ્યો છે.

Niraj Patel