ટીમ ઈન્ડિયાના યુવા સ્ટાર અને પંજાબ કિંગ્સના સ્પિનર રાહુલ ચાહરે ગઇકાલના રોજ એટલે કે 9 માર્ચે લગ્ન કર્યા હતા. રાહુલ ચાહરે ગોવામાં ડેસ્ટિનેશન વેડિંગ કર્યા. લગ્ન પહેલા હલ્દી અને મહેંદીની સેરેમનીની તસવીરો પણ રાહુલ ચાહરે શેર કરી હતી. જેમાં રાહુલ અને તેની મંગેતર ઇશાનીનો ખૂબસુરત અંદાજ જોવા મળ્યો હતો. રાહુલ ચાહરે ફેશન ડિઝાઈનર ઈશાની જોહર સાથે લગ્ન કર્યા. જે લાંબા સમયથી તેની ગર્લફ્રેન્ડ રહી હતી. રાહુલ ચાહરની સાથે સાથે તેની બહેન માલતી ચાહર અને ભાઇ દીપક ચાહરે પણ ફોટા શેર કર્યા હતા.
લગ્નમાં રાહુલ ચાહરે શેરવાની પહેરી હતી જ્યારે ઈશાનીએ વૃલહેંગા અને ચોલી પહેરી હતી. આ પહેલા રાહુલ ચાહરે મહેંદી સેરેમની બાદ ઈશાની સાથેની પોતાની તસવીરો પણ શેર કરી હતી.22 વર્ષીય રાહુલ ચાહરે વર્ષ 2019માં જ સગાઈ કરી લીધી હતી. કોરોનાને કારણે લગ્ન થોડા સમય માટે સ્થગિત કરવામાં આવ્યા હતા. ડેસ્ટિનેશન વેડિંગ 9 માર્ચે ગોવામાં યોજાયા હતા, ત્યારબાદ 12 માર્ચે આગ્રામાં રિસેપ્શન આપવામાં આવશે.
મંગળવારે બંનેની મહેંદી સેરેમની થઇ હતી. જેમાં વર-કન્યા તેમજ તેમના સંબંધીઓના ચહેરા પર ખુશી સ્પષ્ટ દેખાતી હતી.પશ્ચિમ ગોવાની હોટેલ ડબલ્યુમાં મંગળવારથી લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે. સાંજે મહેંદી સેરેમની યોજાઈ હતી.
ઈશાનીની સાથે રાહુલના હાથ પર પણ મહેંદી લગાવવામાં આવી હતી. મહેંદી સેરેમનીમાં બંનેના પરિવાર અને નજીકના મિત્રોએ હાજરી આપી હતી. બુધવારે સવારે 9:30 કલાકે હલ્દી વિધિ થઈ હતી. ઉલ્લેખનીય છે કે, 12 માર્ચે આગરાના ફતેહાબાદ રોડ પર સ્થિત સ્ટાર હોટલમાં તેઓ લગ્નનું રિસેપ્શન આપવાના છે.
રાહુલ ચાહરે ભારત માટે અત્યાર સુધી 6 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે, જેમાં તેણે 7 વિકેટ લીધી છે. આ સિવાય તેણે એક ODI મેચ રમી છે, જેમાં તેને 3 વિકેટ મળી છે. વર્ષ 2017માં આઈપીએલ ડેબ્યૂ કરનાર રાહુલ ચાહરે સૌપ્રથમ રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ્સ સાથે કામ કર્યું, ત્યારબાદ તેને મુંબઈ ઈન્ડિયન્સે ખરીદ્યો. IPL મેગા ઓક્શન 2022માં રાહુલ ચાહરને પંજાબ કિંગ્સની ટીમે 5.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
રાહુલ ચાહરે આઈપીએલમાં 42 મેચ રમી છે, જેમાં તેણે 43 વિકેટ લીધી છે. હવે રાહુલ ચાહર IPL 2022માં પંજાબ કિંગ્સ ટીમ સાથે રમશે. રાહુલ ચાહરનો ભાઈ દીપક ચહર પણ ટીમ ઈન્ડિયાનો એક ભાગ છે અને તાજેતરના ભૂતકાળમાં તેણે ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. જોકે, દીપક ચાહરને છેલ્લી સિરીઝમાં જ ઈજા થઈ હતી, જેના કારણે તે આઈપીએલની શરૂઆતની મેચમાંથી બહાર થઈ શકે છે.
View this post on Instagram
રાહુલ ચાહર ઉપરાંત તેના પિતરાઈ ભાઈ દીપક ચાહરની પણ સગાઈ થઈ ગઈ છે. તેણે સ્ટેડિયમમાં જ IPL મેચ દરમિયાન તેની ગર્લફ્રેન્ડ જયા ભારદ્વાજને પ્રપોઝ કર્યું હતું. દીપક પણ ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાઈ શકે છે.ભારતીય ક્રિકેટ ટીમનો સભ્ય દીપક ચહર ચેન્નાઈ સુપર કિંગનો સ્ટાર બોલર છે. આ વખતે CSKએ મીડિયમ પેસર દીપકને 14 કરોડમાં ખરીદ્યો છે.