સ્વિગીનો ડિલિવરી બોય સારું કામ કરવા ગયો અને તેની સાથે જ થયું ખોટું, ટ્રાફિક પોલીસકર્મીએ એક પછી એક ધડાધડ ઝીંકી દીધા લાફા

હાલ દેશભરમાં કાળઝાળ ગરમીનો માહોલ ચાલી રહ્યો છે અને મોટાભાગના લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, ત્યારે ઘણા લોકો ઓફિસ અને ઘરે બેઠા બેઠા જમવાનું પણ ઓનલાઇન જ ઓર્ડર કરી દેતા હોય છે. પરંતુ આવી કાળઝાળ ગરમીમાં ડિલિવરી બોયને કેટલી મહેનત થતી હશે તેની કલ્પના તમે કરી શકો છો.

આવા બળબળતા તાપમાં પણ ડિલિવરી બોય નિર્ધારિત સમયે ઓર્ડર તમારા હાથમાં પહોંચાડી દેતા હોય છે. પરંતુ હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક ડિલિવરી બોય સાથે ટ્રાફિક પોલીસકર્મી અશોભનીય વર્તન કરતો જોવા મળી રહ્યો છે. કોઈએ આ ઘટના મોબાઈલમાં કેદ કરી દીધી અને હવે તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલી વીડિયો ક્લિપમાં જોઈ શકાય છે કે એક ટ્રાફિક કોન્સ્ટેબલ રસ્તાની બાજુમાં ઊભેલા સ્વિગી ડિલિવરી કર્મચારી પર હાથ ઉપાડી રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે આ વીડિયો તમિલનાડુના કોઈમ્બતુરનો છે, જ્યાં ડ્યૂટી દરમિયાન ટ્રાફિક કોન્સ્ટેબલ દ્વારા ફૂડ ડિલિવરી મેનને થપ્પડ મારીવામાં આવી હતી.

સિંગનાલ્લુર પોલીસ સ્ટેશન સાથે જોડાયેલા ગ્રેડ-1 કોન્સ્ટેબલ સતીષે શુક્રવારે અવિનાશી રોડના ટ્રાફિક ઈન્ટરસેક્શન પર ડિલિવરી એજન્ટને થપ્પડ મારી હતી અને પછી તેના હાથમાં મોબાઈલ લઈને પોલીસકર્મી ચાલી નીકળ્યો હતો. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ એક્શનમાં આવ્યા અને કોન્સ્ટેબલની કંટ્રોલ રૂમમાં બદલી કરી.

38 વર્ષીય મોહનસુંદરમ છેલ્લા બે વર્ષથી સ્વિગી સાથે ડિલિવરી પાર્ટનર તરીકે કામ કરે છે. શુક્રવારે સાંજે મોહનસુંદરમે જોયું કે એક ખાનગી સ્કૂલ બસનો ડ્રાઈવર ઝડપભેર અને બેદરકારીથી વાહન ચલાવી રહ્યો હતો. બસ વ્યસ્ત રોડ પર એક મોલ પાસે ટુ-વ્હીલર અને પસાર થતા લોકોને ટક્કર મારવાની જ હતી. જેવો જ મોહનસુંદરમે બસ ડ્રાઇવર સાથે દલીલો શરૂ કરી ત્યારે ત્યાં થોડીવાર માટે ટ્રાફિક જામ થઇ ગયો હતો.

અન્ય મુસાફર દ્વારા રેકોર્ડ કરાયેલા વીડિયોમાં પોલીસકર્મી ફૂડ ડિલિવરી કરનારને બે વાર ગાળો બોલી અને થપ્પડ મારતા અને તેનો મોબાઈલ ફોન છીનવી મોટરસાઈકલને નુકસાન કરતો જોવા મળે છે. ટ્રાફિક કોન્સ્ટેબલ સતીષે કથિત રીતે મોહનસુંદરમને પૂછ્યું કે શું તે જાણે છે કે સ્કૂલ બસ કોની છે અને જો કોઈ વાહનવ્યવહારની સમસ્યા ઊભી થાય તો પોલીસ તેની તપાસ કરશે. પોલીસે જણાવ્યું કે શનિવારે શહેર પોલીસ કમિશનર અધિકારીને મોહનસુંદરમની ફરિયાદના આધારે સત્તાવાળાઓએ સતીશને કંટ્રોલ રૂમમાં ટ્રાન્સફર કર્યો હતો.

Niraj Patel