કૌશલ બારડ ખબર

ફ્રાન્સથી ઉડેલાં ગગનરાજો વણથભ્યાં નગર, નવાનગર-જામનગરની ધરતી માથે ઉતર્યાં! ગૌરવની ક્ષણોની તસ્વીરો

લડાકુ ફાઇટર વિમાન રાફેલના વધુ ત્રણ નંગ ભારતીય સેનામાં સામેલ થઈ ચૂક્યા છે. ફ્રાન્સના ઇંસ્ત્રેસ એરબેઝથી ઉડાન ભરેલા ૩ રાફેલ વિમાનો એક દિવસની વણથંભી ખેપ કરીને ૪ નવેમ્બરની વહેલી રાતે જામનગરના એરબેઝ સુધી પહોંચ્યા અને આ ગગનરાજોનું હૂંફાળું સ્વાગત થયું!

ક્યાંય પો’રો ખાવા રોકાયાં નહી!:
ફ્રાન્સથી ઉડાન ભરીને જામનગર આવેલ ત્રણ રાફેલ ફાઇટર વિમાનો વચ્ચે ક્યાંય ફ્યૂલ ભરવા માટે રોકાણા નહોતાં. આકાશમાં જ ત્રણ વખત તેમનું ફ્યૂલિંગ થયું હતું. ફ્યૂલ ભરવા માટે સાથે એક બીજું એરક્રાફ્ટ પણ હતું. ૩૭૦૦ નોટિકલ માઇલનું અંતર કાપીને આ ત્રણ રફાલ ભારત પહોંચ્યા. એક નોટિકલ માઇલ એટલે આશરે ૧.૮૦ કિલોમીટર.

જામનગર એરબેઝ પહોંચેલાં વિમાનો જો કે, વધુ વાર માટે ગુજરાતની ધરતી પર રોકાયાં નહી. બીજે દિવસે એટલે કે ગુરૂવારે અંબાલા એરબેઝ જવા માટે ઊડી નીકળ્યાં.

૩૬માંથી ૮ મળ્યાં:
ઉલ્લેખનીય છે, કે ફ્રાન્સ સાથે ભારતે ૩૬ રાફેલ વિમાનોનો સોદો કર્યો છે. અત્યાર સુધીમાં ભારતને ૮ વિમાનો મળી ચૂક્યાં છે. જુલાઇની આખરમાં પાંચ રાફેલ વિમાનોનો પહેલો કાફલો ભારત આવ્યો હતો. ૧૦ સપ્ટેમ્બરના રોજ આ પાંચ વિમાનો ભારત અને ફ્રાન્સના રક્ષામંત્રીઓની હાજરીમાં વિધિવત્ રીતે ઇન્ડીયન એરફોર્સમાં સામેલ થયાં હતાં.

મળતી માહિતી મુજબ, ૨૦૨૩ સુધીમાં ૩૬ રાફેલ ભારતને મળી જવાની ધારણા છે. ઇન્ડીયન એરફોર્સની એર સ્કવોડ્રનની તાકાત રફાલના આવ્યા બાદ ચોક્કસપણે વધી છે. એમાંના ત્રણ ગગનરાજોનું આગમન નગર-નવાનગર-જામનગર ઉર્ફે હાલારમાં થયું હતું!