દુનિયાની અંદર ઘણા માણસો એવા છે જેમને પોતાના જીવનમાં પોતાની મહેનતથી આગળ વધવાનું નક્કી કર્યું, શૂન્યમાંથી સર્જન કર્યું, ના તેમની પાસે મૂડી હતી, ના કોઈનો સપોર્ટ, છતાં પણ તેઓ પોતાના જીવનમાં આગળ નીકળ્યા અને તે માત્ર તેમની આગવી આવડતથી. આજે અમે તમને એવા જ એક વ્યક્તિ જેના નામનો ડંકો આજે આખા ગુજરાતમાં વાગે છે એવા લોકડાયરાના કલાકાર રાજભા ગઢવીના જીવન વિશે જણાવીશું.

રાજભા ગઢવી ના માત્ર ગુજરાતમાં પરંતુ દેશ વિદેશની અંદર પોતાના ડાયરાની રંગત જમાવતા જોવા મળે છે. તેમના ડાયરાની અંદર રૂપિયાનો વરસાદ થતો જોવા મળે છે. ત્યારે રાજભા પણ પોતાના ડાયરાની અંદર લોકસાહિત્યને પોતાના આગવા અંદાજમાં રજૂ કરે છે, જે સાંભળતા જ દર્શકો પણ મંત્ર મુગ્ધ બની જાય છે.

રાજભા ગઢવીનું બાળપણ ગીરના જંગલોમાં સિંહો અને ગાયો-ભેંસો વચ્ચે વીત્યું છે. પ્રકૃતિના ખોળે મોટા થેયલા રાજભા ગઢવી એક પણ ચોપડી ભણ્યા નથી, છતાં પણ તેમના કંઠેથી લોકસાહિત્યનો ઇતિહાસ વહેતો જોવા મળે છે. તેઓ એક ઉમદા કવિ અને લોકસાહિત્યકાર પણ છે.

રાજભા ગઢવીનો જન્મ અમરેલીના કનકાઈ-બાણેજ ગીરના લીલાપાણી નેસમાં થયો હતો. નાનપણથી જ પશુપાલન અને ભેંસ ચરાવવાનું કામ કરતા રાજભા ગીરમાં ભેંસ ચરાવવાની સાથે રેડિયો પર ભજન સાંભળતા, હેમુ ગઢવી સહિતના કલાકારોને સાંભળતા અને ત્યારથી જ તેમને લોકસાહિત્યમાં ખૂબ જ રસ હતો. કોઈ પણ પ્રકારના શાસ્ત્રીય સંગીતના જ્ઞાન વગર જ નાની ઉંમરમાં સારી રીતે ગાઈ શકતા હોવાના કારણે નજીકના લોકો તેમને ગાવા માટે પ્રોત્સાહિત કરતા રહેતા.

રાજભા ગઢવી ખુબ જ સાદું જીવન જીવવામાં માને છે. હાલમાં જ તેમને પોતાનું નવું ઘર બનાવ્યું છે, જેમાં આધુનિક બધી જ સુવિધાઓ જોવા મળી રહે છે. તેમના ઘરની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

રાજભા ગઢવીએ “સાયબો રે ગોવાળિયો” ગીતની રચના કરી છે જે આજે ખુબ જ પ્રસિદ્ધ છે. તેમને દુહા-છંદ અને લોકગીતોનું પુસ્તક “ગીરની ગંગોત્રી” પણ બહાર પાડ્યું છે. તેમના ડાયરાની અંદર માનવ મહેરામણ ઉમટે છે. તેમનો બુલંદ અવાજ જોનારના હૃદયમાં સ્પર્શી જાય છે.