કામિયાબી કે દરવાજે ઉન્હી કે લીયે ખુલતે હૈ,
જો ઉસે ખટખટાને કી તાકત રખતે હૈ!
૨૫ ઓગસ્ટ, ૨૦૧૯ના રોજ સ્વિટ્ઝરલેન્ડના જેકોબસેલી ખાતે વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયશીપની ફાઇનલ મેચમાં ઇન્ડીયન ગર્લ પી.વી.સિંધુએ જાપાનની નોઝોમી ઓકુહારાને લગાતાર બે સેટમાં ૨૧-૭થી હરાવીને વિશ્વવિજેતાની ટ્રોફી પોતાના નામે કરી ત્યારે આખો દેશ સ્તબ્ધ રહી ગયો. લોકોના મોઢામાંથી ‘યુરેકા!’ના ઉદ્ગાર નીકળી ગયા. પહેલી વાર એવું બન્યું જ્યારે વિશ્વ ચેમ્પિયનશીપમાં કોઈ ભારતીયએ ગોલ્ડ મેડલ જીત્યો હોય. અત્યાર સુધીમાં સાઇના નહેવાલ અને પ્રકાશ પાદુકોણ સહિતના એકાબ-બે ખેલાડીઓએ અહીં સુધી પહોંચવા કમર કસેલી પણ તેઓ બે ડગલાં માટે ચૂકી ગયા હતા. પી.વી.સિંધુએ એ ચૂકાયેલાં ડગલાં ભરવા રીતસર ફાળ ભરી અને બેડમિન્ટનની દુનિયામાં ત્રીજો રેન્ક ધરાવતી નોઝોમી, પાંચમો રેન્ક ધરાવતી સિંધુ સામે રીતસર ઘૂંટણિયાં ટેકવી ગઈ!
View this post on Instagram
Sweat it to get it – whatever it is. #SweatMore #SweatForGold @GatoradeIndia
તુમ મુજે કબ તક રોકોગે!:
૫ જુલાઈ, ૧૯૯૯ના રોજ હૈદરાબાદમાં જન્મેલી સિંધુએ ૨૦૧૭ અને ૨૦૧૮ની વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં સિલ્વર જીત્યો હતો, સહેજ માટે સુવર્ણથી ચૂકી ગઈ હતી. બે વાર હાર મળી, આખરે ત્રીજી વારે ફરી ઊભી થઈ અને પુર્સલા વેંકટ સિંધુએ ખરેખર ભારતનું નામ રોશન કર્યું!
ઉલ્લેખનીય છે કે, ૨૦૧૬ની રિયો ઓલ્મપિકમાં સિંધુએ સિલ્વર જીત્યો અને એ વખતથી જ રમતપ્રેમીઓની આંખો તેના પર મંડાઈ હતી કે સાઇના નહેવાલ પછી આ એક છોકરી નીકળશે જે ભારતનું નામ એક દિવસ આસમાન પર ચમકાવશે. ખરેખર એવું બન્યું પણ ખરું! પી.વી.સિંધુની આ સફર આસાન રહી નથી. ૨૦૧૩ અને ૨૦૧૪માં તેમણે આ જ વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં તેમણે બ્રોન્ઝ જીત્યો હતો. લગાતાર સાત વર્ષના ઇન્તજાર પછી ગોલ્ડ મળ્યો છે!
તું રેકેટ પકડવાનું રહેવા દે!:
પી.વી.સિંધુના માતા-પિતા વોલીબોલના પ્રોફેશનલ ખેલાડી હતા. ફેમિલીમાં સ્પોર્ટમેન સ્પિરીટ્ની કમી ન હતી. ૨૦૦૧માં પુલ્લેલા ગોપીચંદે ઓલ ઇંગ્લેન્ડ ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો એ સિંધુના મનમાં વસી ગયું. એણે આઠ વર્ષની ઉંમરે રેકેટ પકડ્યું અને સમય વીતતા પુલ્લેલા ગોપીચંદ જ એમના કોચ બન્યા!
શરૂઆતમાં સિંધુ શાંત સ્વભાવની છોકરી હતી. પણ રમતમાં આક્રમકતા તો હોવી જ જોઈએ. તમે મૂઢની જેમ જોયા કરો અને કોઈ આવીને માથે છાણાં થાપી જાય એ કેમ ચાલે? કોચે એક વખત તો કહી દીધેલું, કે તું રેકેટ મૂકી દે! તારાથી આ નહી બને. રમતમાં આક્રમકતા લાવ, બાકી જીતનું સપનું જોવાનું છોડી દે. સિંધુએ રમત ન છોડી પણ સ્વભાવ છોડીને નવો અપનાવી લીધો!
જીભ પર રાખ્યો સંયમ:
સિંધુ આમ તો વિવિધ પ્રકારની ચોકલેટ્સ સહિતના ફૂડની ખાસ્સી શોખીન છે. પણ કોચના કહેવાથી તેણે એ બધું છોડીને જીભ પર કાબૂ રાખ્યો. સવારમાં ચાર વાગ્યાના સુમારે ઉઠીને લગાતાર રેકેટ વિંઝવા માંડ્યું. આખરે શ્યામવર્ણી યુવતીનું સપનું રંગ લાવ્યું.
હવે મિશન ટોકિયો!”
પી.વી.સિંધુએ વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં મેળવેલી આ જીત હવે દુનિયા આખીની નજર તેના તરફ ખેંચવા માટે પૂરતી છે. ૨૦૨૦માં જાપાનના ટોકિયોમાં ઓલ્મપિક યોજાવાની છે. સિંધુ હાલ તો એમાં ગોલ્ડ મેળવવાને સૌથી ફેવરિટ માનવામાં આવી રહી છે. જો એવું બનશે તો ભારતની આવતી અનેક પેઢીઓ પુર્સલા વેંકટ સિંધુને સદાય યાદ કરતી રહેશે.
પથ્થરમાંથી પારસમણિ સુધીની સફર:
સિંધુની વિજયી સફરની શરૂઆત એ વખતે થઈ જ્યારે ૨૦૦૯માં તેમણે સબ જૂનિયર એશિયાઇ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. એ પછી બીજા વર્ષે ઇરાન ફજ્ર ઇન્ટરનેશનલ બેડમિન્ટન ચેલેન્જમાં ભારત માટે રજત જીત્યો. સિંધુની આ સિધ્ધીઓને લીધે ૨૦૧૦માં ઉબેર કપ માટે ભારતની બેડમિન્ટન ટીમમાં તેને સ્થાન મળ્યું.
View this post on Instagram
Thanks @gatoradeIndia for the constant support throughout these years! #sweatmoretobreakboundaries
૨૦૧૨માં સિંધુએ વધુ એક સિધ્ધી પોતાને નામે કરી, જે એશિયા યુવા અન્ડર નાઇન્ટીન ચેમ્પિયશિપમાં વિજેતા બનવાની હતી. એ પછી ૨૦૧૩ની વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા બનીને સિંધુએ જગતભરનું ધ્યાન ખેંચ્યું. ૨૦૧૪માં પણ આ જ ટુર્નામેન્ટમાં ફરીવાર બ્રોન્ઝ હાંસલ કર્યો. આ વર્ષમાં એશિયાડમાં અને કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ પણ જીત્યો.
એ પછી ૨૦૧૬ની બ્રાઝિલ ખાતે યોજાયેલ રિયો ઓલમ્પિકમાં સિલ્વર મેળવીને વિક્રમ સર્જ્યો. ૨૦૧૭ અને ૨૦૧૮માં લાગલગાટ વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં સિલ્વર મેળવ્યા. ૨૦૧૮ની એશિયાડ(એશિયન ગેમ્સ)માં પણ સિલ્વર હાંસલ કર્યો. ૨૦૧૮ની કોમનવેલ્થ ગેમ્સમાં મહિલા સિંગલમાં અને મિક્સમાં સિલ્વર મેડલ મેળવ્યો.
આખરે આ બધા સિલ્વર-બ્રોન્ઝનું સાગમટું સાટું તેણે ૨૦૧૯ની વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં વાળી લીધું અને ૨૦૧૭માં જેની સામે હારને લીધે સિલ્વરથી સંતોષ કરવો પડેલો એ જાપાનની નોઝોમી ઓકુહારાને હરાવીને વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવી લીધો!
‘મંઝીલે ઉન્હી કો મિલતી હૈ, જીસકે હોંસલો મેં ઉડાન હોતી હૈ!’ – આ ધ્રુવપંક્તિને પી.વી.સિંધુની આજ સુધીની સફર બરાબર રીતે સાર્થક કરે છે. સફળતા એમનેમ નથી મળતી. એની પાછળ અનેક વર્ષોનો સંઘર્ષ, હાર, નિરાશા અને ફરીવાર હાર ખંખેરીને બેઠું થવાનો જજબો જવાબદાર હોય છે.
Author: GujjuRocks Team(કૌશલ બારડ)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks