લેખકની કલમે

“પુત્ર વધુ…” – જો દરેક ઘરમાં આવી સમજદાર વહુવારું હશે તો ક્યારેય ઘરમાં કોઈ વડીલ દુખી નહી થાય !!

“માત પિતા સમ સાસુ સસરા, મુજ માટે ભગવાન છે.
કરવી એની સેવા એતો, ખુદ ઈશ્વરનું આહવાન છે…”

આખા ગામમાં ખૂબ મોભાદાર ઘરની એ વહુઆરુ બનીને આવી અને પોતાની જાતને ખૂબ નસીબદાર માનતી હતી. કારણ દશરથ અને કૌશલ્યા જેવા સાસુ સસરા મળ્યા તો રામ જેવો એને પતિ મળ્યો હતો. સાસુ સસરા પોતાની એકની એક પુત્રવધૂને દીકરી કરતા પણ અધિક પ્રેમ અને સ્નેહ આપતા. તો એના પતિ તરફથી પણ એના પ્રત્યેના પ્રેમમાં કોઈ કમી ન હતી. આમતો એ પરિવારનો પાયો પહેલેથીજ એકમેકના પ્રેમથી સિંચાયેલો હતો. એ વહુઆરુની સાસુ જ્યારે નવી નવી વહુ બનીને આવેલી એ દિવસથી આજ દિન સુધી એ સાસુ બની ત્યાં સુધી એ પણ પોતાના પતિનો અતિશય પ્રેમ પામી હતી. આમ પહેલેથીજ એ પરિવાર પ્રેમનો પર્યાય સમ બની રહ્યું હતું.
સાસરે સૌના અત્યંત સ્નેહપાત્ર બનીને રહેલી એ પુત્રવધુ પણ બદલામાં પોતાના પરિવારને એટલોજ સ્નેહ કરતી. પિતાના ઘરે પાણી માંગે તો દૂધ હાજર થઈ જાય એટલી સુખ સાહ્યબી માં ઉછરેલી એ દીકરી વહુ બનીને સાસરે આવી તો પોતાના સાસરના રંગે રંગાઈ ગઈ. આમ ખૂબ આનંદ પ્રમોદ અને એકબીજાના સ્નેહના સથવારે એ પરિવાર જીવી રહ્યો હતો.

અઢાર માં વર્ષે એ વહુઆરુ બની સાસરે આવી અને આજે લગ્ન જીવનના સાતમા વર્ષે કદાચ કુદરત ને એ પરિવારનું સુખ ગમ્યું ન હોય એમ પંદરેક દિવસની માંદગી બાદ એની સાસુ સ્વર્ગે સિધાવી ગયા. એમની માંદગીના વીતેલા પંદર દિવસમાં આખું કુટુંબ એમની ખડે પગે સેવા ચાકરી કરતું રહ્યું. એમાં સાસુની સૌથી વધુ સેવા એ નાનકડી વહુઆરુએ કરી. સાસુના ચાલ્યા જવાથી જાણે એક દીકરીએ પોતાની મા ગુમાવી હોય એટલું દુઃખ એ નાનકડી વહુ ને થયું. એ કુટુંબ માટે સાસુના રૂપમાં માત્ર એક સભ્ય ઓછું થયું એવું ન હતું પણ જાણે કુટુંબ રૂપી છતનો એક સ્તંભ ધરાશાયી થયો હતો.
દુઃખી બધા હતા પણ એમાં વહુની સાથે સાથે મૃતક પત્નીનો પતિ એટલેકે એ વહુનો સસરા પણ ખૂબ દુઃખી હતા. પોતાની પત્નીને ગુમાવનાર એ પતિને ડગલે પગલે પત્નીની કમી મહેસુસ થયા કરતી હતી. લગ્ન જીવનના આટલા વર્ષો એકમેકની હૂંફ અને પ્રેમથી સાથે જીવનાર એ દંપતિમાં પત્ની ચાલી જવાથી જાણે એ પતિનું એક અંગ કપાઈ ગયું હોય એટલી હદની વેદના એને હતી. જો કે દીકરો અને વહું એની પડખે હતા અને પત્નીની કમી મહેસુસ થવા દે એવા ન હતા તેમ છતાં પત્નીના મૃત્યુનો કારમો ઘા કોઈ કાળે એ ભાઈ માટે રૂઝાય એમ ન હતો.

પત્નીના મૃત્યુને હજી પાંચેક દિવસ વીત્યા હશે પણ આ પાંચ દિવસ એના માટે જાણે પાંચ વર્ષ જેવડા થઈ પડ્યા હતા. વિતતી દરેક ક્ષણ સાથે એને એની પત્ની વધુને વધુ યાદ આવી રહી હતી. એક રાત્રે પત્ની વિનાનો એ અભાગીયો પતિ પથારીમાં સુવા પડયો અને અડધી રાત વીતી હશે ત્યાં પત્નીના નામની જોરદાર બુમ પાડી જોરજોરથી પોક મૂકી રડી પડ્યો. પિતાજીનો અવાજ સાંભળી બાજુના ઓરડે સુતેલા એનો દીકરો અને વહું ત્યાં દોડી આવ્યા. બે પાંચ પાડોશીઓ પણ ત્યાં દોડી આવ્યા. બધાએ રડતા એ ભાઈને ખૂબ સાંત્વના આપી પણ એનું રુદન બંધ થતું જ ન હતું. અડધી રાત વીતી પરોઢીયુ થઈ ચૂક્યું હતું એ ભાઈ એકજ રત લઈને બેઠો હતો…”દીકરા તારી મા ને લઈ આવ… તારી મા ને લઈ આવ…”
એ ભાઈના આવા વર્તનથી બધાને ખ્યાલ આવી ગયો કે એનું મગજ જતું રહ્યું. એ પાગલ બની ગયો છે. ડોક્ટરને બોલાવવામાં આવ્યા. ડોક્ટરે પણ મગજ પર અસર થઈ ગઈ હોવાની વાત કરી. હજી દસ પંદર દિવસ પહેલા આનંદ પ્રમોદ કરતા એ પરિવાર પર કુદરત જાણે કોપાયમાન બની હતી. સાસુ સસરાને મા બાપ સમાન ગણી પ્રેમ કરતી એ ઘરની નાનકડી વહુ માટે તો આ બંને ઘા સહેવા ખૂબ દુસ્કર હતા. મા સમાન સાસુ ગુમાવ્યાનો ઘા હજી રૂઝાય ત્યાં પિતા સમાન સસરા ગાંડા બની ગયા. એ વહુઆરુ ની ઉંમર માંડ પચીસ વર્ષ હશે પણ એની સમજદારી ખૂબ મોટી હતી. એને પોતાના પાગલ બની ગયેલા સસરાની સેવા વધુને વધુ કરવાનો નિશ્ચય કરી લીધો. હવે સસરાની સેવા એજ જાણે એનો જીવનમંત્ર બની ચૂકયો હતો. ડાહ્યા સસરા પ્રત્યે એને જેટલો સ્નેહ હતો એના કરતાં પણ જાણે આજે પાગલ બની ગયેલ સસરા પ્રત્યે એનો સ્નેહ અનેક ગણો વધી ગયો હતો.
પાગલ સસરાની સેવામાં દિવસો વીતતા જતા હતા પણ વીતતા સમય સાથે જાણે એના સસરાનું પાગલપણું વધી રહ્યું હતું. હવે તો એમને કપડાં લતા કે ઝાડા પેસાબનું પણ ભાન ન હતું. પણ તેમ છતાં એ નાનકડી વહુઆરુ સહેજ પણ સુગ રાખ્યા વિના સસરાની સેવા કર્યે જતી હતી. આડોસી પાડોશી અને બીજા સગા વ્હાલા એના પતિને એના ગાંડા બાપને પાગલખાને મુકવા સમજાવતા હતા. પણ દર વખતે એ ઘરની વહુઆરુ એ બધાને એમ ન કરવા ચોખ્ખુ જણાવી દેતી અને કહેતી…

“ભગવાને પિતા સમાન સસરાની સેવા કરવાનો મને મોકો આપ્યો છે ,શુ એ પણ તમારે ઝુંટવી લેવો છે ? મારા સસરાને હું અમારાથી અલગ કરવાની પરવાનગી ક્યારેય નહીં આપું. એ મારા સસરા નહિ પણ મારા પિતા જ છે…”
નાનકડી વહુની આવી સમજદારી ભરી વાત સાંભળી સૌ આશ્ચર્યચકિત થઈ જતા… અને કહી ઉઠતા કે…
“ચોક્કસ ગયા ભવમાં આ વહુ આ પાગલ ડોસાની દીકરી જ હશે…”

પણ હવે એના સસરાનું પાગલપણું હદ વટાવે જતું હતું. હવે એને ઘરમાં સાંકળ વડે બાંધી રાખવા પડે એ નોબત આવી ચૂકી હતી કારણ હવે એ જે વસ્તુ હાથમાં આવે એના છુટ્ટા ધા પણ કરવા લાગ્યા હતા. એ વહુઆરુનો પતિ એની પત્નીને સમજાવતો હતો કે…

“જો હવે બાપુજીની આ હાલત મારાથી જોવાતી નથી. હું પણ નથી ઇચ્છતો કે બાપુજી આપણાથી અલગ થાય. આપણે અને ખાસ કરીને તે એમની સેવા કરવામાં કાય બાકી પણ રાખ્યું નથી. પણ તું સમજ કે આવી હાલત માં એમને હવે ઘરે રાખવા એ ખૂબ જોખમી છે. અને શક્ય છે કદાચ પાગલખાને જઈ અને બાપુની તબિયત સુધરી પણ જાય…”
સસરાની તબિયત સુધરી જવાના પતિના આશ્વાસન થી એ વહુ સસરાને પાગલખાને મુકવા તૈયાર થઈ. આગલી રાત્રે જેમ કોઈ મા પોતાના પુત્રના બહારગામ જવા બધી તૈયારી કરી આપતી હોય એમ પાગલ સસરા માટે એ વહુએ તૈયારી કરવા માંડી. સસરાને પાગલખાને મુકવા એ સંમતતો થઈ હતી પણ ન જાણે કેમ એનું ભીતર સસરાને અલગ કરવા થી રહી રહીને મનાઈ કરી રહ્યું હતું… રાતના જંપીને અને સવારે પાગલખાને ચાલ્યા જવાનું છે એ વાતથી સાવ અજાણ પગમાં સાંકળ બાંધેલી હાલતમાં સુતેલા એના સસરાના દયામણા ચહેરા સામે એની નજર ગઈ અને એની આંખમાંથી રીતસરનો જાણે શ્રાવણ ભાદરવો વરસી પડ્યો. એની આંખો રડતી હતી પણ એનું અંતર જાણે કપાઈને કટકા થઈ જાય એ હદે કકળાટ કરી રહ્યું હતું. એ સમજી શકતી ન હતી કે એવી તો સસરા સાથે એની ક્યાં ભવની સગાઈ છે કે પાગલ સસરાને એ પોતાનાથી દૂર કરવા માંગતી ન હતી… અને અચાનક આંખો લૂછી મનોમન એને નિર્ણય કરી લીધો અને પતિ પાસે જઈ જણાવી દીધું કે…

“ભલે દુનિયા ગમે તે કહે, પણ બાપુજી આપણાથી કોઈ કાળે અલગ નહિ જાય… ”

● POINT :-
નાની ઉંમરની એક વહુઆરુ ની આટલી મોટી સમજદારી, આટલી મોટી સેવાભાવના જોઈ કહેવાય કે એક પુત્રથી પણ અધિક બનેલી એ વહુ સાચા અર્થમાં “પુત્રવધુ” છે…
સગા બાપની સેવા દીકરો કે દીકરી કરે એ ખૂબ ઉત્તમ કર્મ છે પણ જ્યારે પારકા ઘરેથી આવેલી એક વહું સસરાને પિતા ગણી એની સેવામાં તલ્લીન બને ત્યારે એની મહાનતાની ઊંચાઈ સામે કદાચ હિમાલય પણ નાનો પડે…

Author: – અલ્કેશ ચાવડા ‘અનુરાગ’ GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks