લેખકની કલમે

“પુત્રનો આપઘાત, પિતાની વ્યથા…” – પ્રેમમાં નિષ્ફળ જવું શું એનું સમાધાન આત્મહત્યા છે ? વાંચો ખૂબ જ કરૂણ સ્ટોરી, કદાચ આ વાંચ્યા પછી તમે હતાશામાંથી બહાર નીકળી શકશો !!

“પુત્રનો આપઘાત, પિતાની વ્યથા…”

  • “જીવ આપવો એ નથી, સંકટ નું સમાધાન.
  • જીવી જાણીને કરી લો, જીવનનું સન્માન.
  • સ્નેહીઓ વિશે વિચારજો, કરતા આવું કામ,
  • એમના માટે બનો નહિ, જીવ આપીને હૈવાન…”
    – અલ્કેશ ચાવડા ‘અનુરાગ’

યુવાનીમાં પ્રવેશી ચૂકેલા પોતાના વહાલસોયા એકના એક પુત્રને એના માતા પિતા ઘરનો દરવાજો બંધ કરી અડોસી પડોશી સાંભળી ન જાય એ રીતે ધીમા અવાજે એક શુભચિંતક ની હેસીયતથી સમજાવી રહ્યા હતા…કે…
જો, બેટા… અમે સમજીએ છીએ કે એ દીકરી સાથે તારે મનમેળ થઈ ગયો છે… તમે એકબીજાને ખૂબ પ્રેમ કરો છો ખૂબ પસંદ કરો છો અને તમારી ફોન પર રોજે રોજ થતી વાતચીત પરથી અમે એ પણ સમજીએ છીએ કે તમે બંનેએ તમારા ભાવિ જીવન વિશેના સુંદર સ્વપ્નો પણ સજાવ્યા હશે…”

માતા પિતા દ્વારા યુવાન દિકરાને ખૂબ સૌમ્યતાથી અપાઈ રહેલી સલાહ દિકરાને ગળે ઉતરતી ન હતી. એને તો એમજ લાગી રહ્યું હતું કે એના માતા પિતા પણ સમાજ અને દુનિયાની માફક એના પ્રેમના દુશ્મન બની બેઠા છે અને એમને પણ એ પોતે પોતાના પ્રિય પાત્ર સાથે આનંદથી જીવન ગુજારે એ ગમતું નથી… મનમાં એવા સંસય સાથે પિતાની શિખામણ સાંભળી રહેલ પુત્રના મનમાં એના માતા પિતા વિશે પણ એ દિવસે ધૃણા હતી… ખીજ હતી…
અને એના પિતા તેમ છતાં દીકરાને વિનંતીના સ્વરે સમજાવી રહ્યા હતા…
“દીકરા, તું તારું જીવન તને ગમતી છોકરી સાથે લગ્ન કરી આનંદથી વિતાવે એમાં અમે પણ રાજી છીએ… તારી ખુશી માજ અમારી ખુશી છે. પણ દીકરા તું જે દીકરી ને પસંદ કરે છે એ આપણા સમાજની નથી, બેટા. અમે પણ એના માતા પિતા ને તમારી વાત કરી જોઈ, પણ એ કોઈ કાળે સંમત નથી થતા… એમને પણ બિચારાને એમના સમાજની લાજ અને બીક બંને છે… તો દિકરા તારા આ મા બાપ તને આજે કરગરે છે કે અમારે ખાતર તું એને ભૂલી જા…”

રુદન સાથે માતા પિતાની અપાયેલી આ સલાહ થી એ યુવાન મનમાં એટલું તો પામી ચુક્યો હતો કે એની પ્રેમ કહાની અંજામ સુધી પહોંચશે નહિ… એનું અને એ જે છોકરીને પોતાની ભાવિ પત્ની બનાવવા ઇચ્છતો હતો એમનું મિલન કોઈ રીતે શક્ય બનશે નહિ… ખબર નહિ શુ પણ મનમાં કાંઈક નક્કી કરી એ યુવાને પોતાના માતા પિતા ને કહ્યું…

“ભલે, પિતાજી. હું એને ભૂલી જઈશ… બસ. હું એને મળીશ પણ નહીં કે એની સાથે આજથી વાત પણ નહીં કરું… ”
ચહેરા પર આઘાત અને અતિશય વેદના ના ભાવ સાથે યુવાન પોતાના રૂમમાં ચાલ્યો ગયો… દીકરાએ ભલે માત પિતાને હૈયા ધારણા આપી હોય પણ એના મનના વેદનાના ભાવ એની મા થી એ છુપાવી શક્યો નહિ…

દિકરા ના ચાલ્યા ગયા બાદ એની મા એ હજી એક વાર એ દીકરીના પિતા ને લગ્ન માટે રાજી થઈ જવા સમજાવવા માટે એના પતિને વિનંતી કરી અને એ યુવાનના પિતાએ પણ એની પત્નીને દિકરીના બાપ ને સમજાવવા નું આશ્વાસન આપ્યું…

પિતાના રૂમમાં મનમાં કાંઈક નક્કી કરી ચાલ્યા ગયેલા યુવાન ના મનમાં એકજ વાતનો અફસોસ હતો કે એની અને એના પ્રિયપાત્રની પ્રેમ કહાની અધૂરી રહી જશે… આંખો બંધ કરતા પણ સતત એને એજ વિચારો આવતા હતા… અને વારી ઘડીએ પોતાની જાત સાથે એકજ પ્રશ્ન થતો હતો કે…
“આવી જિંદગી જીવીને શુ કામ છે કે જેમાં હું મારી મનગમતી વ્યક્તિ સાથે જીવન પસાર ન કરી શકું…???”
બીજા દિવસે સવારે એ યુવાનના મજબુર અને ધર્મસંકટમાં ઘેરાયેલ પિતા એ દીકરીના પિતાને ફરી એકવાર મનાવવા જાય છે… પોતાના દીકરા અને એમની દીકરીની પ્રેમની અને સજાવેલ ભાવિ જીવનના સુંદર સ્વપ્નોની વાત કરે છે… એકબીજાને ન મળવાના વિચાર માત્રથી વ્યથિત થયેલા એ બંને પ્રેમીઓ ને એક થવા દેવાની રજા આપવા એ મજબુર બાપ સામેના ભાઈને વિનવે છે પણ સામે એ દિકરી ના બાપ પણ એમની સાચી મજબૂરી એ યુવાનના પિતાને કહે છે… બન્ને બાપ લાચાર છે, મજબુર છે અને એકબીજાને ખભે માથું મૂકી રડે છે… જાણે બંને સમાજ અને સમાજના ઠેકેદારો સામે હારી ગયા…

બે દિવસ બાદ એક સવારે એ યુવાનની મા એને ઉઠાડવા એના રૂમનો દરવાજો ખોલે છે અને દ્રશ્ય જોઈ કાળજું કંપાવી દેનાર ચીસ સાથે ત્યાંજ ફસડાઈ અને બેભાન થઈ ગઈ. ચીસ સાંભળી યુવાનના પિતા પણ ત્યાં દોડી આવ્યા અને જોયું તો પોતાનો એકનો એક પુત્ર , પિતાના ઘડપણ નો એકમાત્ર આધાર ગળામાં ફાંસો વીંટી પંખા સાથે જીવ વિનાનો માત્ર પાર્થિવ દેહ થઈ લટકતો હતો… ચોધાર આંસુએ રડતા પિતાને મનોમન થયું કે…
“પ્રેમમાં નિષફળ ગયા ની ઘાતકી લાગણી પોતાના દીકરા ના મોતનું કારણ બની, એને થયું લટકી રહેલી આ લાશ એ એના દીકરાની નહિ પણ સમાજ ની રૂઢિચુસ્તતા ની છે…”

એકના એક મૃત યુવાન દીકરાને ખૂબ હિંમત રાખી અગ્નિદાહ આપી ઘેર પરત ફરેલ નિરાધાર બની ગયેલ એ બાપ આકાશ તરફ નજર કરી પોતાના સ્વર્ગે સિધાવેલ દિકરાને, આંખોમાં આંસુ અને હૃદયમાં અપાર વેદનાની ભાષામાં જાણે મનોમન કહી રહ્યો હતો કે…

“દીકરા, તે તો તારા ખોટા વિચાર મુજબ સમસ્યા નું સમાધાન તારો જીવ આપી કરી લીધુ. પણ અમે ,તારા મા બાપ અમારા જીવનની આવી પડેલી આ તારી ખોટ ની સમસ્યા નું સમાધાન કઈ રીતે કરીએ…??? બેટા, અમે તારી પ્રેમ કથા પૂર્ણ થાય એના માટે સાચી ભાવનાથી પ્રયત્નો કર્યા પણ તેં આ શું કરી નાખ્યું… પ્રેમમાં તું નિષફળ ગયો અને તે ભરેલા આપઘાત ના આ અવિચારી પગલાએ તો અમને આજીવન અપંગ બનાવી દીધા… સ્વાર્થી બની તેં તારા જીવનનો માર્ગ કરી લીધો પણ હવે આ વૃદ્ધાવસ્થાએ અમારે કયા માર્ગે જવું બેટા… કયા માર્ગે જવું…!!!”
મૃત દીકરા ની યાદ અને જુદાઈ ના આંસુ એ વૃદ્ધ બાપની આંખોમાંથી ગાલ પર થઇ જમીન પર પડી રહ્યા હતા અને જાણે એના મનની વ્યથાની કથા જાણી જમીન પરની રજ પણ રડી અને ભીની થઇ રહી હતી…

POINT :-
પ્રેમમાં નિષ્ફળ જવું અને કરી લેવો આપઘાત, પોતે છૂટી જવું પણ કદી વિચાર્યું છે કે પછી આપણી સાથે જોડાયેલ એ તમામ સ્નેહીઓનું શુ થશે…?

શુ આત્મહત્યા એ સમસ્યાનું સમાધાન હોઈ શકે ખરું…?
અને સાચા પ્રેમની મહાનતા જીવ આપવામાં નહિ પરંતુ જુદાઈમાં પણ જીવી જાણવામાં છે… થોડું ચિંતન કરીએ…

લેખક :- અલ્કેશ ચાવડા ‘અનુરાગ’ (શંખેશ્વર)
Author: GujjuRocks Team

દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.. “ગુજ્જુ રોક્સ” પરનો આ રસપ્રદ લેખ પસંદ આવ્યો હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.