પોલીસે અલ્લુ અર્જુનની ધરપકડની કરી પુષ્ટિ, વકીલે સોમવાર સુધી રાહત આપવાની કરી માગ, સંધ્યા થિયેટર કેસ મામલે મોટી કાર્યવાહી

હૈદરાબાદના સંધ્યા થિયેટર કેસમાં સાઉથના સુપરસ્ટાર અને ‘પુષ્પા 2’ એક્ટર અલ્લુ અર્જુન વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે અલ્લુ અર્જુનની ધરપકડ કરી છે. 4 ડિસેમ્બરે ફિલ્મના સ્ક્રીનિંગ દરમિયાન થિયેટરમાં નાસભાગ મચી ગઈ હતી, જેમાં 35 વર્ષની એક મહિલાનું મોત થયું હતું અને અનેક લોકો ઘાયલ થયા હતા. પોલીસે આ કેસમાં થિયેટર-માલિક સહિત ત્રણ લોકોની અટકાયત કરી હતી. અલ્લુ અર્જુને 11 ડિસેમ્બરે હાઇકોર્ટમાં પોતાના વિરુદ્ધ થયેલા કેસને રદ કરવા માટે અરજી કરી હતી.

સોમવાર સુધી રાહતની માગ

અલ્લુ અર્જુનના વકીલે કોર્ટમાં વિનંતી કરી છે કે તેમના ક્લાયન્ટના કેસમાં તાત્કાલિક સુનાવણી કરવામાં આવે અને સોમવાર સુધી ધરપકડમાંથી રાહત આપવામાં આવે. એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટરે કહ્યું હતું કે પોલીસ સાથે વાતચીત કરીને બપોર સુધીમાં આ કેસમાં અપડેટ આપવામાં આવશે અને સુનાવણી સ્થગિત કરવામાં આવી હતી.

‘પુષ્પા’ના બૉડીગાર્ડની પણ ધરપકડ

અલ્લુ અર્જુન બાદ હવે તેના બૉડીગાર્ડની ધરપકડ કરવામાં આવી છે. હૈદરાબાદ સ્ટેમ્પેડ કેસમાં અલ્લુ અર્જુનનું નિવેદન નોંધવામાં આવ્યું છે. આ પછી તેને મેડિકલ ચેકઅપ માટે ઓસ્માનિયા હોસ્પિટલમાં લઈ જવામાં આવશે.

પોલીસે ધરપકડની કરી પુષ્ટિ

હૈદરાબાદમાં ચિક્કડપલ્લીના એસીપી એલ. રમેશ કુમારે પુષ્ટિ કરી છે કે હૈદરાબાદ નાસભાગ કેસમાં અલ્લુ અર્જુનની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ બાદ અલ્લુ અર્જુનના પિતા અલ્લુ અરવિંદ અને તેનો ભાઈ પોલીસ સ્ટેશન પહોંચ્યા છે.

અલ્લુ અર્જુને અકસ્માત બાદ પીડિત પરિવારની મદદ પણ કરી હતી. તેણે આ અકસ્માત અંગે દુઃખ પણ વ્યક્ત કર્યું હતું અને પીડિત પરિવારને આર્થિક મદદ અને સારવારનું વચન આપ્યું હતું. અલ્લુ અર્જુને પરિવારને 25 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી હતી.

અભિનેતા અલ્લુ અર્જુનને 14 દિવસની જેલ થયા બાદ પીડિતા નો પતિ કેસ પરત લેવા તૈયાર

Twinkle