નીરવ પટેલ લેખકની કલમે

સ્ત્રીઓ વિશે ઘણું વાંચ્યું હશે, હવે આજે વાંચો પુરુષ વિશે, કદાચ પુરુષ વિશે આંગળીના વેઢે ગણાય એટલું જ લખાયું હશે !!!

પુરુષ થઈને પુરુષ વિશે કહેવું અજુકતું લાગે. પણ એક પુરુષની વાત કહેનારા કેટલા ? પુરુષ વિશે વિચારનારા કેટલા ? આંગળીના વેઢે ગણાય એટલા લોકોએ જ કદાચ પુરુષની વાત કરી હશે.

ભલે કહેવાતું હોય કે એક પુરુષ સ્ત્રીને ક્યારેય સમજી શકતો નથી. પણ એક સ્ત્રી પુરુષને ક્યારેય પામી નથી શકતી. એ પણ એક હકીકત છે. પુરુષના શરીરને તો દરેક સ્ત્રી પામી લે છે. પણ શું એના અંતરાત્માને, એના મનને, એના દુઃખોને, એક પુરુષ દ્વારા ના કહેવાયેલી વાતો ને શું કોઈ સ્ત્રી આજદિન સુધી પામી શકી છે ખરી ? જવાબ મળશે “ના”. કારણ કે આ પામવા માટે વિચારનારી સ્ત્રીઓની સંખ્યા બહુ જ ઓછી છે.

સવારથી સાંજ સુધી પુરુષ પ્રત્યેની ફરજોને એક સ્ત્રી અદા કરતી આવી છે. એના જમવાનું હોય કે પછી સહશયનનું સુખ માણવાનું હોય. સ્ત્રીની ઈચ્છા ના હોવા છતાં પણ પુરુષની ઈચ્છાને માન આપીને એક સ્ત્રી પુરુષ સાથેના શારીરિક સંબંધોમાં ભાગ ભજવે છે. એ સ્ત્રીની એક મોટી મહાનતા છે. પણ દરેક પુરુષ માત્ર શારીરિક સુખનો જ ભૂખ્યો હોય છે એવું પણ નથી હોતું. ઘણાં પુરુષો પ્રેમના ભૂખ્યા હોય છે. પણ પુરુષની એ ભૂખ ક્યારેય સંતોષાતી જ નથી.
સ્ત્રી જેમ બાળપણથી અલગ અલગ પાત્રોમાં સમાજ સામે જોવા મળે છે એમ પુરુષ પણ પુત્ર, ભાઈ, મિત્ર, પતિ, પિતા અને દાદા જેવી જવાબદારીમાં જોવા મળે છે.

જન્મથી જ પુરુષ માટે સ્ત્રી મહત્વની રહી છે, એ તેની માતા હોય, બહેન હોય, પત્ની હોય, પ્રેમિકા હોય કે પછી કોઈ મિત્ર.

પુરુષ જ્યારે વ્યસ્ત હોય ત્યારે તેની પત્ની કે પ્રેમિકા સમય ન આપવાની ફરિયાદ કરે છે, જ્યારે સ્ત્રી કામમાં વ્યસ્ત હોય ત્યારે પુરુષ ક્યારેય સ્ત્રી આગળ સમય ન આપ્યાની ફરિયાદ નથી કરી શકતો. એ જે સમય મળે એ સમયનો આનંદ ઉઠાવતો હોય છે. એ જ પુરુષનો પ્રેમ છે, એની સમજણ છે.

પુરુષ નાળિયેર સમાન છે. જે બહારથી તો એકદમ સખ્ત દેખાય, પણ એની અંદર છુપાયેલી નરમાશને જોવા તો એના હૃદયને ભેદવું પડે. પુરુષની આ નરમાશ સુધી ઘણી ઓછી સ્ત્રીઓ પહોંચી શકે છે.
પુરુષ જ્યારે દુઃખી હોય ત્યારે તે એકાંત શોધે છે. તેના એકાંતમાં રહેવા પાછળનું કારણ પોતાના દુઃખોને, પોતાની તકલીફોને, પોતાની મુશ્કેલીઓને પોતાના પરિવાર કે પરિચિતો સમક્ષ લાવવા નથી માંગતો. તે દરેક મુસીબતનો સામનો જાતે કરવા ઈચ્છે છે. ક્યારેક કોઈ એને ઉદાસીનું કારણ પૂછી લે તો “મૂડ નથી” કે “માથું દુઃખે છે” એમ કહી વાત બદલી નાખશે. પણ પોતાની તકલીફ એ પરિવાર સામે નહિ આવવા દે.

પુરુષને હરદમ દોડતો ભાગતો જોઈ એમ થાય કે એ પૈસા કમાવવા માટે ભાગી રહ્યો છે. પણ ના ! એ પૈસા કમાવવા નહિ. પોતાના પરિવાર માટે સુખ કમાવવા ભાગદોડ કરે છે. પોતે ફાટેલી બંડી પહેરી અને “અંદર કોણ જોવાનું ?” એમ કહી દેશે. પણ પોતાના બાળકો અને પત્નીની દરેક જરૂયાતો એ પુરી કરશે.
સ્ત્રીને સમર્પિત થતાં આવડે છે, તો પુરુષ દરેક પરિસ્થિતિ, દરેક સમસ્યાનો સ્વીકાર કરવાની તાકાત ધરાવે છે. દિલ ખોલીને દુનિયા સામે રડી ના શકનારો પુરુષ એકાંતમાં ડૂસકાં ભરતો જોવા મળે છે.

જો સ્ત્રીઓ કોયડા સમી રહસ્યમય છે, તો પુરુષ રહસ્યોને પોતાની અંદર છુપાવી રાખનાર જવાબ સમો છે.જેમ એક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ રહેલો હોય છે એમ જ સ્ત્રીના હસતાં ચહેરા પાછળ પુરુષનો હાથ છે.
સ્ત્રીઓના વખાણ, એમના કાર્યોની પ્રસિદ્ધિ, વુમન એમ્પાવરમેન્ટ જેવી બાબતોનું ધ્યાન રાખતો આ સમાજ પુરુષની જવાબદારીઓનું ધ્યાન રાખવાનું કદાચ ભૂલી જાય છે. મહિલાઓ માટે બનાવેલા અસંખ્ય કાયદાઓમાં ક્યારેક નિર્દોષ પુરુષ પણ એ કાયદાઓનો ભોગ બની જાય છે. અને એ નિર્દોષ હોવા છતાં ક્યારેય પોતાની જાતને સાચી સાબિત કરી નથી શકતો. પુરુષ પ્રધાન કહેવાતો આ દેશ હંમેશા સ્ત્રી તરફેણમાં રહ્યો છે.

લેખક : નીરવ પટેલ “શ્યામ”

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.