કેનેડામાં એક પંજાબી યુવકનું અકસ્માતને કારણે હોસ્પિટલમાં છ દિવસની સારવાર બાદ મોત થયું હોવાની ખબર સામે આવી રહી છે. મૃતક યુવક સ્ટડી વિઝા પર કેનેડા ગયો હતો. યુવકને 4 મહિના પહેલા જ વર્ક પરમિટ મળી હતી. કારમાં કામ પર જઈ રહેલા યુવકનો ટ્રોલી સાથે અકસ્માત થયો હતો. મૃતકની ઓળખ પટિયાલાના સમાના નિવાસી કંવરપાલ સિંહ તરીકે થઈ છે. (તમામ તસવીરો સૌજન્ય : દૈનિક ભાસ્કર)
કેનેડામાં મૃતક કંવરપાલના પિતરાઈ ભાઈ જગદીપ સિંહે જણાવ્યું હતું કે તે બે વર્ષ પહેલા કેનેડા આવ્યો હતો. તાજેતરમાં જ તેને વર્ક પરમિટ મળી હતી. 20 ઓગસ્ટ 2024ના રોજ તે કેનેડાના ગુએલ્ફમાં એક મોટા કાર અકસ્માતનો ભોગ બન્યો, જેમાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતને પગલે તેને મગજમાં ઈજા પહોંચવાની સાથે ફેફસા પંચર થઈ ગયા હતા, અને એક પગનું હાડકું પણ તૂટી ગયું હતું.
તેણે 6 દિવસ સુધી હોસ્પિટલમાં પોતાના જીવનની લડાઈ લડી અને 26 ઓગસ્ટ 2024ના રોજ તેનું મોત થયું. મૃતક કંવરપાલ સિંહના પિતાએ જણાવ્યું કે તે 25 ઓગસ્ટ 2022ના રોજ સ્ટડી વિઝા પર કેનેડા ગયો હતો. તેનો અભ્યાસ પૂરો થયો અને ડિગ્રી પછી તેણે કામ કરવાનું શરૂ કર્યું. તેમને કેનેડાથી ફોન આવ્યો કે કંવરપાલનું અવસાન થયું છે. કંવરપાલનો મૃતદેહ ભારત આવી શકે તેના માટે કેનેડામાં તેના મિત્ર અને પિતરાઇ ભાઇ ફંડ એકઠુ કરી રહ્યા છે.
જગદીપ સિંહે જણાવ્યું કે, કંવરપાલ સિંહના મૃતદેહને ભારત મોકલવા માટે 40 હજાર ડોલરનું ફંડ જરૂરી છે. અત્યાર સુધીમાં તેણે અંદાજે 27 હજાર ડોલર ભેગા કર્યા છે, કંવરપાલનો પરિવાર આર્થિક રીતે સ્થિર નથી. કંવરપાલ તેમનો એકમાત્ર પુત્ર હતો અને તે મુખ્ય કમાનાર પણ હતો. તેઓ ફંડ એકત્ર કરી રહ્યા છે જેથી કંવરપાલના પરિવારજનો તેમના અંતિમ દર્શન કરી શકે.